વિવિધ સમાજ અને સનાતનને વરેલો ગુજરાત સમાચારનો ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ કાયમથી કંઈક જ્ઞાનસભર માહિતી પીરસતો રહ્યો છે અને પ્રત્યેક સમાજની લાગણીને પોષતો રહ્યો છે. આ જ નેમ સાથે સોનેરી સંગતનો 75મો અધ્યાય પ્રેસ્ટનની ગુજરાત હિન્દુ સોસાયટી - GHS અને તેમનાં કાર્યોની માહિતી સાથે પ્રસારિત થયો.
કાર્યક્રમની રૂપરેખા બાંધતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, બ્રિટનમાં પરમાત્માને સમર્પિત ગુજરાતી હિન્દુ સોસાયટી - પ્રેસ્ટનની વસ્તી સંખ્યામાં ભલે ખૂબ નાની હોય પણ તેમનું ગજું બહું મોટું છે. પ્રેસ્ટન વૃંદાવન સમાન છે, પ્રેસ્ટન અને નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડમાં સનાતન ધર્મનો ઝંડો એમના થકી ઊંચો રહ્યો છે અને આવનારા સમયમાં પણ ઊંચો રહેશે તેનો મને વિશ્વાસ છે.
કાર્યક્રમની ધુરા સંભાળતાં કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે કહ્યું, આજે આપણે પ્રેસ્ટનની અનેકવિધ ધાર્મિક, સાંસ્કૃતિ અને સામાજિક પ્રવૃત્તિઓથી સતત ધબકતી સંસ્થા ગુજરાત હિન્દુ સોસાયટીનાં કાર્યો અંગે ચર્ચા કરીશું અને તેમના મુખ્ય આધારસ્તંભ ગણાતા કાર્યકરો સાથે વાર્તાલાપ કરીશું.
ગુજરાત હિન્દુ સોસાયટીમાં 40 વર્ષથી સતત કાર્યરત્ ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રમુખ દશરથભાઈ નાયી, 50 વર્ષથી સતત સક્રિય અને ઉપપ્રમુખ ઇશ્વરભાઈ ટેલર, ચારુબહેન એનેસ્કો, ચેરમેન ઓફ નેશનલ ફોરમ ફોર હેલ્થ એન્ડ વેલ બીઇંગ પ્રોફેસર પ્રો. રોમેશ ગુપ્તા, GHS-પ્રેસ્ટનના સેન્ટર મેનેજર અને પ્રોફેશનલ ડાન્સર અભિનંદનાબહેન કોડાંડા તેમની સંસ્થા અંગે માહિતી આપશે
કોકિલાબહેનઃ ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રમુખ દશરથભાઈ, તમારી સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે અમને જણાવશો?
દશરથભાઈઃ ગુજરાત હિન્દુ સોસાયટીનું નવું સેન્ટર બનાવાયુંું તેમાં ઘણી એક્ટિવિટી એક્સપાન્ડ કરાઈ, જેમાં રિલિજિયસ, કલ્ચરલ, સોશિયલ, એજ્યુકેશનલ, હેલ્થ તેમજ સામાજિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આપણી સંસ્થામાં ઘણા ક્લાસીસ સહિતની પ્રવૃત્તિ ચાલે છે.
મંદિરમાં નિયમિત ભજન-કીર્તનની સાથે બાળકો માટે ભજન-ભોજનનો કાર્યક્રમ રખાય છે. મહિનામાં એક વખત બધાં બાળકો ભેગાં થઈ ભજન કરે અને ભોજનનો આનંદ ઉઠાવે છે. આ સિવાય બાળકો માટે યૂથ ક્લબ ચલાવાય છે. ગુજરાતી સ્કૂલ અને બાલકુંજ ચલાવવામાં આવે છે, જેમાં ભજનો પણ શીખવાડાય છે. વડીલો માટે પણ વિશેષ પ્રવૃત્તિઓ ચલાવાય છે, વડીલો અઠવાડિયામાં બે દિવસ મંદિરે આવી ભજન કરે, પ્રસાદી લે અને એકબીજાને મળે છે. આ સિવાય સંસ્થામાં અબાકસ ક્લાસીસ, યોગા ક્લાસ, ઝુમ્બા ક્લાસ, ક્લાસિકલ ડાન્સ કુચીપુડી - ભરતનાટ્યમ અને ભરતગૂંથણના પણ ક્લાસ ચલાવાય છે.
ગુજરાત સમાચારની વાત કરીએ તો તે અમારી સાથે છેલ્લાં 50 વર્ષથી સંકળાયેલું છે, જ્યારે સંસ્થા દ્વારા નાના-મોટા કાર્યક્રમો યોજાય, ત્યારે ગુજરાત સમાચાર એને પ્રકાશિત કરી કાર્યક્રમને સફળ બનાવે છે. ગુજરાત સમાચાર અને સી.બી. પટેલના સહયોગથી ગુજરાત હિન્દુ સોસાયટી અને પ્રેસ્ટનનું નામ ખૂબ પ્રચલિત થયું છે.
કોકિલાબહેન: ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટનની સ્થાનિક સંસ્થાઓ સાથે પણ બહુ સક્રિય છે. એના વિશે કહી શકો?
દશરથભાઈ: ગુજરાત હિન્દુ સોસાયટી જ્યારથી બની ત્યારથી અમે એક નિયમ રાખેલો છે કે આપણે બીજાને પણ હેલ્પ કરવી. ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા અન્ય ટાઉનમાં પણ ઘણાં કાર્યો કરાયાં છે. નોર્થમાં ‘હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ’ બનાવાઈ, જેમાં લગભગ 10 સંસ્થા આપણી સાથે જોડાઈ હતી, જેનું હેન્ડલિંગ પ્રેસ્ટનથી જ કરાય છે. અત્યારે હું હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થનો પ્રેસિડેન્ટ છું.
ગુજરાત હિન્દુ સોસાયટી અન્ય સંસ્થાની રિલિજિયસ, કથા અને મૂર્તિપ્રતિષ્ઠા જેવી એક્ટિવિટીમાં હેલ્પ કરે છે. દરવર્ષે ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા એક ચેરિટી ભજન સંમેલનનું આયોજન કરાય છે અને લોકલ ચેરિટી, નેશનલ ચેરિટી સહિતની અન્ય ચેરિટીમાં પણ નાણાકીય અનુદાન અપાય છે. આમ ગુજરાત હિન્દુ સોસાયટી અને પ્રેસ્ટનની જનતા સમર્પિત છે, કે આપણે આપણું તો કરવું જ, સાથોસાથ બીજાનું પણ કરવું.
કોકિલાબહેન: ઇશ્વરભાઈ આપણી જે ઇમારત બંધાઈ તેના વિશે તમે કહી શકશો?
ઇશ્વરભાઈ: આ બિલ્ડિંગ લેવામાં આવ્યું ત્યારે આ સંસ્થામાં વોલેન્ટિયર તરીકે જોડાયો હતો. રામભક્તને પણ યાદ કરવા પડે, કારણ કે એ ત્યારે છોટાકાકા સાથે હાજર હતા અને એમની પ્રેરણાથી આ બિલ્ડિંગ મંદિર માટે લેવામાં આવ્યું. જૂની સ્કૂલ લેવાઈ, તેનું રિનોવેશન કરાયું. લગભગ 100 વોલેન્ટિયર્સ ભેગા થયા હતા અને તેમણે જ ઇલેક્ટ્રિકલ સહિતનું બધું કામ કર્યું હતું. ત્યારપછી એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ. મારો ઇન્ટરેસ્ટ યૂથ્સનો હતો, જેથી તેનું કામ અમે તરત જ ચાલુ કરી દીધું હતું. જે અંતર્ગત અઠવાડિયાના ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારે નાઇટ યૂથ ક્લબની અમે શરૂઆત કરી દીધી હતી.
ત્યારપછી તો અમે કામ કરતા, મંદિર સંભાળતા અને આપણું કલ્ચરલ પણ પ્રમોટ કરતા હતા. 1980માં ‘ક્વીન સિલ્વર જ્યુબિલી’ હતી ત્યારે માર્ક્સ એન્ડ સ્પેન્સર તરફથી આમંત્રણ પણ મળ્યું હતું કે, તમારા ડાન્સર્સને અમારા ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં ડાન્સ કરવા લઈ આવો. ત્યારે અમે અમારા ડાન્સર્સને બ્લેકપુલ લઈ ગયા હતા, આ સમયે મારી મુલાકાત લોર્ડ લેફ્ટનન્ટ સાઇમન ટાઉનલી સાથે થઈ હતી. પ્રભાવિત થઈ એમણે કહ્યું હતું કે, ‘તમે આટલું સુંદર કામ કરો છો, તો મારે તમારું સેન્ટર વિઝિટ કરવું છે.’ એમના વિઝિટ બાદ મે 1981માં હિસ રોયલ હાઇનેસ પ્રિન્સ ચાર્લ્સની વિઝિટ પણ મળી, આ સમયે આશરે 5000 લોકો એકઠા થયા હતા. ત્યારથી આપણી જે શરૂઆત થઈ, તેમાં આપણને વધારેને વધારે પ્રોત્સાહન મળતું થયું.
કોકિલાબહેન: ચારુબહેન તમે આ સંસ્થા સાથે કેવી રીતે સક્રિય બન્યાં?
ચારુબહેન: હું સંસ્થા સાથે 1975માં જોડાઈ. તે દિવસોમાં તેઓ અમારા કમ્યુનિટી રિલેશન્સ કાઉન્સિલમાં એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ હતા. ત્યારે સોમભાઈ વી.જી. પટેલ અને ગોવિંદભાઈ પટેલ હિન્દુ સોસાયટીમાં ખૂબ ધ્યાન આપતા હતા. તેઓ ઇચ્છતા હતા કે, પ્રેસ્ટનમાં આપણે વિવિધ હોલમાં જઈએ છીએ, તેના કરતાં આપણું પોતાનું એક મંદિર બની જાય, જ્યાં આપણા હિન્દુઓ આવી વિવિધ આયોજનો કરી આપણું કલ્ચર વધારી શકે, ભજનો રાખી શકે. આ જ ઇચ્છાને અનુસરી તેમણે સ્કૂલ જોઈ હતી, જે બાદ લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યાં હતાં. ત્યાં સુધી કે તેમણે સિક્યુરિટી માટે પોતાનાં ઘર પણ મૂકેલાં અને આમ આ લોકોએ સેન્ટર બનાવેલું. ત્યારે હું કમ્યુનિટી રિલેશન્સમાં આસિસ્ટન્ટ ઓફિસર હતી. મારા બોસે કહેલું કે, આ સેન્ટર માટે તારે જેટલું તારાથી કામ થઈ શકે કરવાનું છે. આ સાથે જ મેં અહીંનું કોન્સ્ટિટ્યૂશન લખેલું અને ત્યારપછી સેન્ટર ઘણું ઇમ્પ્રૂવ કરતા ગયા. આ સેન્ટર માટે બધા વોલેન્ટિયર્સે ઘણી જ મદદ કરી. ઘરેઘરે જઈ પૈસા ઉઘરાવ્યા અને આ સેન્ટરને આજે આટલું મોટું બનાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્કૂલો અને કોલેજોથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ હિન્દુ ધર્મ અંગે જાણવા અમારે ત્યાં આવે છે. જેમનું કહેવું હોય છે કે, હિન્દુ ધર્મ વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને જાણવા અને શીખવા માટે ખૂબ સારો છે. એક રીતે જોઈએ તો આપણું આ સેન્ટર પ્રેસ્ટનના તાજમાં એક રત્નસમાન છે, જે લોકોને તેમની જીવનશૈલી શીખવે છે. આરોગ્ય, સંપત્તિ, સુખાકારી અને સૌથી અગત્યનું તમારા આત્મા અને ધર્મ સાથે સંબંધિત જીવન જીવવાની કળા શીખવે છે.
કોકિલાબહેન: રોમેશજી આરોગ્ય ક્ષેત્રે સમાજને ટેકો આપવામાં તમારી ભૂમિકા શું છે?
પ્રો. રોમેશ ગુપ્તાઃ નવું મંદિર અસ્તિત્વમાં આવ્યું ત્યારે સમુદાય 21મી સદીમાં પ્રવેશી ચૂક્યો હતો. હું ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ (સ્વાસ્થ્ય વિભાગ) સાથે કામ કરતો હતો અને મને આરોગ્ય અસમાનતામાં રસ હતો. અમે જોયું કે અમુક રોગ, બીમારી અથવા સ્થિતિઓ વંશીય લઘુમતીઓ, ખાસ કરીને ભારતીયો, કેરેબિયનો અને અન્ય એશિયન્સ લોકોમાં વધુ હતી, જેમ કે સ્થૂળતા, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, માનસિક સ્વાસ્થ્ય સમસ્યા, કિડની રોગ. તેમની સારવાર માટે ઘણાં સંસાધનોનો ઉપયોગ કરાઈ રહ્યો હતો. આ ખૂબ ક્રોનિક રોગો પણ હતા અને તેઓ ખરેખર જાણતા નહોતા. આવા સમયે જ નવી ઈમારત અસ્તિત્વમાં આવતાં હું અને ગુજરાત હિન્દુ સોસાયટી ખૂબ ઉત્સાહિત હતા. મારી પાસે વ્યાવસાયિકોની એક સારી ટીમ હોવાથી અમે વિચાર્યું કે, આપણે કેવી રીતે સાથે મળીને આરોગ્ય અસમાનતાને દૂર કરવા કંઈક કરી શકીએ. આના માટે અમે ભજન, ભોજન, મન્થલી વર્કશોપ અને વ્યાખ્યાનો શરૂ કર્યાં.
લોકો પહેલેથી જ કેન્દ્રમાં આવી રહ્યા હતા, તેથી ભજન-ભોજન પછી અમે તેમને સાથે લઈ એક કલાકનાં વ્યાખ્યાનો યોજ્યાં. હાજરી વધતી ગઈ, લોકોએ રસ દાખવ્યો. એક વર્ષ પછી અમે આ કાર્યક્રમને વિસ્તૃત કરવાનું વિચાર્યું, કારણ કે તેમની પાસે એક સારી જગ્યા હતી અને તેઓ અમને મદદ કરવા માટે ઉત્સુક પણ હતા. આ ઓફર મેં સ્વીકારી અને આરોગ્ય મેળો નામનું એક મોડેલ વિકસાવ્યું, જેને અમે GHS ખાતે 10 વર્ષ સુધી યોજ્યો. આ કાર્યક્રમને પ્રેસ્ટન પૂરતી સીમિત ન રાખી લેન્કેશાયર, કમ્બ્રિયા, યોર્કશાયર, ગ્રેટર માન્ચેસ્ટર, લંડન, ભારત અને લીબિયા સુધી વિસ્તૃત કરાઈ હતી. ફક્ત ભારતીયો, ગુજરાતીઓ કે કેરેબિયન્સ જ નહીં, પરંતુ સ્થાનિક વસ્તી પણ સમાન સમસ્યાઓનો સામનો કરી રહી છે. NHS નાં સંસાધનો મર્યાદિત છે, જે પહોંચી શકતા નથી. આ સ્થિતિમાં આધુનિક દવા સિવાયનાં સંસાધનો રેકી, યોગ, શ્વાસ, માઇન્ડ ફુલનેસ અને કસરતોનો ઉપયોગ કરી શકાય છે.
કોકિલાબહેન: અભિનંદનાબહેન તમે ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં સમાજને કેવી રીતે ટેકો આપ્યો?
અભિનંદનાબહેનઃ હું 18 વર્ષથી ગુજરાત હિન્દુ સોસાયટી સાથે જોડાયેલી છું. આ દેશમાં આવ્યા બાદ તરત જ મને વહીવટી અને કલાત્મક રીતે સંકળાવાની અદ્ભુત તક મળી. હું ‘અભિનંદના ડાન્સ એકેડમી’ની આર્ટિસ્ટિક ડિરેક્ટર છું. આ સેન્ટર ઘણી સાંસ્કૃતિક પ્રવૃત્તિનું કેન્દ્ર છે, જે માત્ર પ્રાદેશિક કે કાઉન્ટી પૂરતું જ નહીં, પરંતુ રાષ્ટ્રીયસ્તરે સેવા આપે છે. ગુજરાત હિન્દુ સોસાયટીમાં ક્લાસિકલ ડાન્સ ભરતનાટ્યમ અને કુચીપુડીના ક્લાસ ચાલે છે. ઘણા યુવાનો અને બાળકો અહીં ગાયકી અને ડાન્સ શીખવા આવે છે. ધર્મ અને સંસ્કૃતિ શીખવાની આ એક અદ્ભુત અને પરોક્ષ રીત છે. માત્ર પ્રાર્થના હોલની અંદર જઈને નહીં, પરંતુ આ કૌશલ્ય દ્વારા તેઓ ધર્મ પ્રત્યેનો પ્રેમ પણ વિકસાવે છે. દેશના પહેલા 10 કુચીપુડી ગ્રેજ્યુએટ્સ પ્રેસ્ટનથી છે, જેમને ગુજરાત હિન્દુ સોસાયટીમાં તાલીમ મળી હતી. બાળકો સેન્ટર પર બે મુખ્ય કાર્યક્રમો પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસે પર્ફોર્મ કરે છે. પ્રેસ્ટન બહાર આ વિદ્યાર્થીઓએ હાઉસ ઓફ કોમન્સની દિવાળી અને લંડન ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલમાં પણ પર્ફોર્મ કર્યું છે. વર્ષ 2012માં ઓલિમ્પિક ટોર્ચ લાઇટ સરઘસ નીકળ્યું, ત્યારે પણ પર્ફોર્મ કર્યું હતું.
કોકિલાબહેનઃ નાનકડા પ્રેસ્ટનમાં ભાઈશ્રીની ભાગવત સપ્તાહ દરમિયાન કેવી રીતે આટલું મોટું ફંડ એકત્ર કરાયું?
દશરથભાઈઃ મંદિર લીધું ત્યારે અમારી પાસે માત્ર 800 પાઉન્ડ હતા અને 17 હજાર પાઉન્ડનું બિલ્ડિંગ ખરીદ્યું હતું. જો કે મૂર્તિપ્રતિષ્ઠા થઈ તે દિવસે 17 હજાર પાઉન્ડનું ક્લિયર એકાઉન્ટ થઈ ગયેલું. આ જે મોટું બિલ્ડિંગ બનાવ્યું તે સમયે અમારી પાસે 3,50,000 પાઉન્ડ એકાઉન્ટમાં હતા અને મેં જોખમ લીધું 3થી 4 મિલિયન પાઉન્ડનું. અમને વિશ્વાસ હતો કે ભગવાન અમારી સાથે છે, તેઓ જે રસ્તો બતાવશે એ રસ્તે જઈશું તો અમને સફળતા મળશે. આ રીતે અમે આખું મંદિર નવું બનાવ્યું.
ભાઈશ્રીની કથા કરી ત્યારે મેં પહેલા જ દિવસે 2 લાખ પાઉન્ડ એકત્ર કરવાનો ટાર્ગેટ હોવાની રજૂઆત કરી હતી. એ વખતે બધાને લાગતું હતું કે, દશરથભાઈ ક્યાંથી પૈસા લાવશે? જો કે જેમજેમ લોકોને અપીલ કરાઈ એમ લોકોના સપોર્ટથી અમારું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું. આ 10 દિવસની અંદર અમે 3,50,000 પાઉન્ડ રકમ એકત્ર કરી, જેમાં ખર્ચ કાઢતાં 2,60,000 પાઉન્ડ અમે ભાઈશ્રીને અર્પિત કર્યા. લોકોને ભલે લાગે કે પ્રેસ્ટન નાનું છે, વસ્તી ઓછી છે, કોઈ રિસોર્સ નથી, છતાં આ સંસ્થા કેવી રીતે કામ કરી શકે છે એ આપ જોઈ શકો છો. અમને વિશ્વાસ છે કે અમારા સંકલ્પો ભગવાન યેનકેન પ્રકારેણ પૂર્ણ કરે છે.
સી.બી. પટેલઃ પ્રેસ્ટન મંદિરમાં બિરાજતા સાક્ષાત ભગવાનની અપાર કૃપાદ્રષ્ટિ પ્રાર્થું છું. પ્રેસ્ટનમાં વસતા આપણા ગુજરાતી, ભારતીય સહિતની તમામ પ્રજા મૂલ્યવાન અને સક્રિય છે.
અહીંની પ્રજા રંગેચંગે તમામ પ્રસંગ અને તહેવારોની ઉજવણી કરે છે અને સમાજને એકત્ર રાખે છે. પ્રેસ્ટન આપણને પ્રેરણા આપે છે કે, ઊંચા આદર્શ રાખો, મનોરથ રાખો અને ઇશ્વર પર શ્રદ્ધા રાખો. મહેનત અને સૌહાર્દને વરેલા આ પ્રેસ્ટનવાસીઓ પર ઇતિહાસ લખાવો જોઈએ. વન્સ અગેઇન પ્રેસ્ટનમાં બિરાજેલ પરમાત્માના સૌ સ્વરૂપને હું પ્રણામ કરું છું. ઓમ નમઃ શિવાય

