ભવન ખાતે ભારતના પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતની વિકાસગાથાનું પ્રતિબિંબ છેઃ મુખ્ય અતિથિ એક્ટિંગ હાઇ કમિશ્નર કાર્તિક પાંડે

Tuesday 17th February 2026 07:19 EST
 
 

ભવન, લંડન ખાતે 10 ફેબ્રુઆરીના મંગળવારના રોજ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે બ્રિટન ખાતેના ભારતના એક્ટિંગ હાઇકમિશ્નર કાર્તિક પાંડે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સમારોહનો પ્રારંભ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એમ એન નંદાકુમારા દ્વારા વેદિક પ્રાર્થનાની સાથે કરાયો હતો. ત્યારબાદ સીનિયર ટ્રસ્ટી વરિન્દર સિંહે આવકાર સંબોધન કર્યું હતું.
પ્રસંગને આગળ ધપાવતાં હેમરસ્મિથ એન્ડ ફુલહામના મેયર શેરોન હોલ્ડરે તેમના સંબોધનમાં કલ્ચરના માધ્યમથી સમાજને એકજૂથ કરતી ભવનની કામગીરીને બિરદાવી હતી. તેમણે ભવન દ્વારા કાઉન્સિલને કરાયેલી પાર્કિંગ અપીલના પ્રયાસોને પણ સમર્થન જાહેર કર્યું હતું.
ભવનના પેટ્રન અને લિબરલ ડેમોક્રેટના ડેપ્યુટી લીડર લોર્ડ નવનીત ધોળકિયા (ઓબીઇ)એ વિદેશની ધરતી પર સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાના ભવનના સતત પ્રયાસો અંગે
માહિતી આપી ભારતના વિકાસ અને આત્મનિર્ભરતાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત અને યુકે વચ્ચે ગાઢ બની રહેલા સંબંદોને પણ બિરદાવ્યા હતા.
મુખ્ય અતિથિ કાર્તિક પાંડેએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતની વિકાસગાથાનું પ્રતિબિંબ છે. તેમણે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયા, આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્તરે ભારતના રાજદ્વારી મહત્વને રજૂ કર્યાં હતાં.
કાર્તિક પાંડેએ ભારત અને યુકે વચ્ચેના અર્થપૂર્ણ દ્વિપક્ષીય સંબંધ પર ગૌરવ વ્યક્ત કર્યું હતું અને બંને દેશ વચ્ચેના સંબંધને સમૃદ્ધ બનાવવા અને બંને દેશ વચ્ચે લિવિંગ બ્રિજ બની રહેવા માટે ભારતીય ડાયસ્પોરાના યોગદાનને પણ બિરદાવ્યું હતું. તેમણે ભારતીય કલા અને સંસ્કૃતિ તમામને ઉપલબ્ધ કરાવવા માટે ભવનની કામગીરીને પણ મહત્વની ગણાવી હતી.
ભવનના ઉપાધ્યક્ષ ડો. સુરેખા મેહતાએ આભારદર્શન કર્યું હતું. તેમણે ભવનને સતત સમર્થન અને સહાય માટે ભારતીય હાઇ કમિશન અને કાર્તિક પાંડેનો આભાર માન્યો હતો. સમારોહમાં યુનિવર્સિટી ઓફ લંડન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન કવિતા રેડ્ડી, ગિરિશ સેન્ગર અને શોભના ઐયરની હાજરી માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
સંબોધનો બાદ ભવનના મ્યુઝિક અને ડાન્સ્ટ સ્ટુડન્ટ્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. ભારતના રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરાઇ હતી.


comments powered by Disqus