લંડનમાં બ્રહ્માકુમારીઝ ખાતે મહા શિવરાત્રિ પર્વની ઉજવણી કરાઇ

Wednesday 18th February 2026 07:25 EST
 
 

લંડનઃ બ્રહ્માકુમારીઝના લંડન સ્થિત ગ્લોબલ કોઓપરેશન હાઉસ ખાતે મહા શિવરાત્રિની ઉજવણી કરાઇ હતી જેમાં રાજ યોગ પ્રદર્શન, રામેશ્વરમ ખાતે રામનાથસ્વામી મંદિરના જિર્ણોદ્ધાર અને ભગવાન શિવના આધ્યાત્મિક મહત્વને દર્શાવતા સ્ટેજ પ્રોગ્રામ રજૂ કરાયા હતા. ઉજવણીમાં હિન્દુ, જૈન, શીખ અને પારસી સમુદાયના વેલજી વેકરિયા, તૃપ્તિ પટેલ, માલ્કમ ડેબુ, મયુર મેહતા, ગોપાલ ભચુ સહિતના આગેવાનો જોડાયાં હતાં.
ઉજવણીના પ્રારંભે સિસ્ટર જૈમિની પટેલે પ્રતીકાત્મક દીપક અને ગુલાબ રજૂ કરી મેડિટેશનની યાદ અપાવી હતી. રિસેપ્શન એરિયામાં એક મેડિટેશન સ્પેસની રચના કરાઇ હતી. એક પ્રતીકાત્મક અનુભવ દ્વારા મહેમાનોને ફરીથી નિર્માણ કરાયેલા શિવલિંગમના દર્શન કરવા આમંત્રણ અપાયું હતું.
ત્યારબાદ ડો. રાગસુધા વિંજામુરીએ ભગવાન શિવને સમર્પિત એક દુર્લભ 16મી સદીની ભરતનાટ્યમ રચના રજૂ કરી, જેમાં શાસ્ત્રીય નૃત્ય દ્વારા દૈવી ઉર્જાનો આહ્વાન કરવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારી શાંતનુ મંડલ અને સિસ્ટર જૈમિની પટેલ દ્વારા તેમની આધ્યાત્મિક યાત્રા અને ધ્યાન દ્વારા સર્વશક્તિમાન સાથે જોડાવાના અનુભવની રજૂઆત કરવામાં આવી હતી. તેમણે ભગવાનને પ્રેમના મહાસાગર તરીકે રજૂ કરતાં આંતરિક પરિવર્તનના મહત્વ વિશે વાત કરી હતી.
કાર્યક્રમનું સમાપન માર્ગદર્શિત મેડિટેશન સાથે થયું, જેમાં શ્રોતાઓને વિશ્વમાં શાંતિ, પ્રેમ અને શક્તિ ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સિસ્ટર જાગૃતિએ રોજિંદા જીવનમાં ભગવાનના સાથનો અનુભવ કરવાના વિચારો સાથે કાર્યક્રમનું સમાપન કર્યું.


comments powered by Disqus