અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધઃ કોણ શું ઇચ્છે છે?

Wednesday 18th March 2026 06:07 EDT
 

અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે અને હાલ પુરતું તો આ યુદ્ધ ક્યારે અને ક્યાં જઇને અટકશે તે કોઇ અંદાજ માંડી શક્તું નથી. આજે મોટાભાગનું વિશ્વ ઇચ્છે છે કે જેમ બને તેમ ઝડપથી આ યુદ્ધનો અંત આવે. અમેરિકાના સહયોગી એવા મીડલ ઇસ્ટના આરબ દેશો અને યુરોપ સ્થિત નાટો સંગઠનના દેશો પણ સીધે સીધા આ યુદ્ધમાં સામેલ થવા ઇચ્છતા નથી. ત્યારે આ યુદ્ધના સ્ટેક હોલ્ડર્સ જેવા અમેરિકા, ઇઝરાયેલ, ઇરાન અને ખાડીના આરબ દેશો કયા હિતો માટે લડી રહ્યાં છે તે એક મહત્વનો સવાલ છે.
અમેરિકાની વાત કરીએ તો ટીમ ટ્રમ્પ પોતે કયા હેતૂ માટે આ લડાઇ લડી રહી છે તે અસ્પષ્ટ છે. અમેરિકા ઇરાનમાં સંપુર્ણ સત્તાપરિવર્તન માટે યુદ્ધ મેદાનમાં ઉતર્યો છે કે પછી ઇરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવા તે સ્પષ્ટ થઇ રહ્યું નથી. 3 સપ્તાહના અવિરત યુદ્ધમાં અત્યારે તો એમ જ લાગી રહ્યું છે કે અમેરિકા યેનકેન પ્રકારે ઇરાનનો સર્વનાશ જ ઇચ્છી રહ્યો છે.
બીજી તરફ ઇરાન ઇચ્છે છે કે યુદ્ધ લંબાય નહીં પરંતુ તેના માટે તે તેના હિતો સાથે સમાધાન કરવા જરાપણ તૈયાર નથી. આજે તે એકલા હાથે અમેરિકા અને ઇઝરાયેલનો સામનો કરી રહ્યો છે પરંતુ રશિયા અને ચીન જેવા સાથીદેશોની સીધી મદદ ન મળવાના કારણે તે પણ અંદરખાને લાચાર તો હશે જ. જો યુદ્ધ વધુ લંબાશે તો ઇરાન ખસ્તાહાલ થઇ જશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી પરંતુ મરતા ક્યા ન કરતા તેમ તે મીડલ ઇસ્ટમાં વિનાશ વેરતો પ્રત્યાઘાત આપતો રહેશે. આવી સ્થિતિમાં ઇરાને પણ તેની ઇઝરાયેલ અને અમેરિકા વિરોધી પ્રવૃત્તિઓ પર લગામ કસી મીડલ ઇસ્ટમાં શાંતિની સ્થાપનાની દિશામાં પહેલ કરવી અત્યંત જરૂરી બની રહે છે.
આ યુદ્ધમાં મુખ્ય એવો ઇઝરાયેલ યુદ્ધ ઝડપથી પુરું થાય તેની ઉતાવળમાં જણાતો નથી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઇરાનના મિસાઇલ અને ડ્રોન કાર્યક્રમનો ખાત્મો કરી લશ્કરી રીતે નબળો બનાવી દેવાનો છે જેથી ઇરાન ઇઝરાયેલ સામેના પ્રોક્સી વોરને ઝાઝું સમર્થન આપી ન શકે.
આ યુદ્ધમાં વગર કામના આરબ દેશો પીસાઇ રહ્યાં છે. તેમણે યુદ્ધે સીધું સમર્થન જાહેર કર્યું નથી તેમ છતાં ઇરાનના મિસાઇલ અને ડ્રોન મારાની સામે ઝઝૂમી રહ્યાં છે. જોકે અંદરખાને તો આરબ દેશો પણ ઇચ્છે છે કે ઇરાન ખોખરું થઇ જાય.
આમ મીડલ ઇસ્ટની કૂટનીતિમાં દરેક પ્લેયર પોતાનો રોલ અદા કરી રહ્યો છે. હવે જોવું રહ્યું કે કોણ પોતાના ઇરાદામાં કેટલું સફળ રહે છે.


comments powered by Disqus