ઉર્જા સુરક્ષાઃ ભારતે આત્મનિર્ભર બનવાની તાતી જરૂર

Wednesday 18th March 2026 06:07 EDT
 

આજે એક એવા વિશ્વનું નિર્માણ થઇ ચૂક્યું છે જ્યાં કૂટનીતિ અને મંત્રણાઓ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાને સ્થાને ઘાતકી અને ક્રુર શક્તિ પ્રદર્શનને નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે. નવી વૈશ્વિક વ્યવસ્થાને જોતાં એમ લાગી રહ્યું છે કે ભારતે તેની નબળાઇઓ ઘટાડીને ક્ષમતાઓમાં અનેક ગણો વધારો કરવાનો સમય આવી પહોંચ્યો છે.
તાજેતરના વર્ષોમાં આપણે જોઇ ચૂક્યાં છીએ કે વિશ્વની મહાસત્તાઓ કૂટનીતિ અને મંત્રણાઓને પડતી મૂકીને પોતાની ક્ષમતાઓ અને શક્તિઓનો ઉપયોગ કરી રહી છે. જાન્યુઆરીમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની પ્રચંડ પ્રહારશક્તિનું પ્રદર્શન કરતાં વેનેઝુએલામાં સત્તાપરિવર્તન કરાવી દીધું. હવે તેઓ ઇઝરાયેલ સાથે મળીને ઇરાનમાં હાહાકાર મચાવી રહ્યા છે. આ પહેલાં ફેબ્રુઆરી 2022થી રશિયા યુક્રેનને આજ નીતિ અપનાવીને ઝૂકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લા એક દાયકાથી ચીન પણ તાઇવાનની સામે શક્તિપ્રદર્શન કરી ઝૂકાવવાના પ્રયાસોમાં છે.
અમેરિકા સામે લશ્કરી શક્તિમાં વામણા એવા ઇરાન માટે આ અસ્તિત્વનો સવાલ છે. ઇરાને અમેરિકાનું નાક દબાવવા માટે વિશ્વમાં એનર્જી ક્રાઇસિસ સર્જવાની વ્યૂહરચના અપનાવી છે. હોર્મુઝની ખાડીની તાળાબંધી અને મીડલ ઇસ્ટના સાઉદી અરબ, યુએઇ, કતાર, ઓમાન, કુવૈત સહિતના ક્રુડ ઉત્પાદક દેશો પર હુમલા કરી ત્યાંથી થતી નિકાસોને પણ અટકાવવામાં સફળતા મેળવી છે. તેના કારણે ભારતમાં પણ ઉર્જા કટોકટીના પડઘમ વાગી રહ્યાં છે. કુદરતી ગેસ અને રાંધણ ગેસની અછત ચોતરફ વર્તાવા લાગી છે ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે વર્તમાન અને ભૂતકાળની નવી દિલ્હીની સરકારોએ ભારતની ઉર્જા જરૂરીયાતો સુરક્ષિત કરવાના પ્રયાસો કેમ કર્યા નથી. અમેરિકા અને રશિયા પાસે ઉર્જાની મોટી અનામતો ઉપલબ્ધ છે. ચીને પણ આ દિશામાં પાઇપલાઇનો અને લાંબાગાળાના કરારો દ્વારા પોતાની ઉર્જા જરૂરીયાતો સુરક્ષિત રાખી છે. બીજીતરફ ભારતને તેની ઉર્જા જરૂરીયાતો પૂરી કરવા માટે મોટાપાયે ક્રુડ ઓઇલ, એલએનજી, પીએનજી અને ફર્ટિલાઇઝરની આયાતો કરવી પડે છે. નવી દિલ્હી સારી રીતે જાણે છે કે ભારતમાં ક્રુડ અને ગેસનું ઉત્પાદન નહીંવત છે. આવી સ્થિતિમાં મોટાપાયે અનામત જથ્થો સંગ્રહ કરવાની ક્ષમતાની તાકિદે જરૂર છે. પારકા યુદ્ધના સમયે પણ જો ભારતમાં ઉર્જા કટોકટી સર્જાતી હોય તો જો ભારતને યુદ્ધમાં સંડોવાવું પડે અને ઉર્જા આયાતો અવરોધાય તો દેશમાં કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ શકે તે ગહન વિચાર માગી લેતો વિષય છે.
ભારતની સંરક્ષણ ક્ષમતાઓ પણ મર્યાદિત છે. સમસ્યા એ છે કે ભારત ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર છે જ નહીં. તેને પોતાની રાષ્ટ્રીય સુરક્ષાની જરૂરીયાતો પૂરી કરવા માટે અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને ઇઝરાયેલ જેવા દેશો પર આધાર રાખવો પડે છે. હજુ સુધી ભારત પોતાનું સ્વદેશી યુદ્ધ વિમાન પણ સંપુર્ણપણે વિકસાવી શક્યું નથી. ભારતે સંરક્ષણ ટેકનોલોજી માટે હંમેશા વૈશ્વિક લશ્કરી તાકાતો પર આધાર રાખવો પડે છે. સંરક્ષણ જરૂરીયાતો માટે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયાસો જરૂર થઇ રહ્યાં છે પરંતુ તે અપુરતા પૂરવાર થઇ રહ્યાં છે. ભારતીય સશસ્ત્ર દળો પણ તેમની જરૂરીયાતો માટે વિદેશી ટેકનોલોજી પર નિર્ભર છે કારણ કે જ્યાં સુધી ભારત પોતે તે ટેકનોલોજીમાં આગળ વધે ત્યાં સુધીમાં વૈશ્વિક સ્તરે તે ટેકનોલોજી જરીપુરાણી થઇ જાય છે.
આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ કેવી રીતે લાવી શકાય તેની પળોજણમાં પડ્યા કરતાં ભારતે સૈદ્ધાંતિક રીતે સ્પષ્ટ વિઝન અપનાવવાની જરૂર છે કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. જો તેને મૂર્તિમંત ન કરી શકાય તો વ્યૂહાત્મક સ્વાયત્તતા એક દીવાસ્વપ્ન સમાન જ બની રહેશે. ભારતે કોઇપણ દેશતરફી અથવા તો વિરોધી બનવાને બદલે પોતાને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આજથી દોડવાનું શરૂ કરવાની તાતી જરૂર વર્તાઇ રહી છે.
અમેરિકા- ઇઝરાયેલ – ઇરાન યુદ્ધ ભારતના વ્યૂહરચનાકારો માટે પદાર્થપાઠ લઇને આવ્યું છે. આ યુદ્ધ અન્ય કોઇ દેશની ચિંતા કર્યા વિના પોતાના સ્વાર્થ સાધવા માટે જ લડાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતે પણ પોતાના હિતોની સુરક્ષા માટે નવેસરથી વિચારવું જ રહ્યું.


comments powered by Disqus