સ્વ. શ્રી જોગિન્દર સેંગરનું જીવન અનેક ભારતીય ડાયસ્પોરાન સભ્યો માટે જાણીતી જીવન સફર છે. આ એક એવી કહાની છે જેમાં કોઈ વ્યક્તિ પોતાના વતનને છોડીને આશા અને દૃઢ નિશ્ચય સાથે વિદેશમાં સ્થળાંતર કરે છે, કઠિન મહેનત દ્વારા સફળતા મેળવવાનો પ્રયાસ કરે છે અને સાથે સાથે પોતાના મૂળ દેશ અને વસવાટના દેશ બંને માટે અર્થપૂર્ણ યોગદાન આપે છે.
શ્રી જોગિન્દરજી ખૂબ નાની ઉંમરે જ પંજાબના જલંધરથી યુકે આવ્યા હતા. ઉત્સાહ અને મહત્ત્વાકાંક્ષાથી સભર શ્રી જોગિન્દરજીની વ્યાવસાયિક સફરનો પ્રારંભ ટ્રાવેલ એજન્ટ તરીકે થયો. દૃઢ નિશ્ચય, લાંબા કામના કલાકોની મહેનત અને પોતાના દ્રષ્ટિકોણ પર અડગ વિશ્વાસના આધારે તેમણે ધીમે ધીમે પોતાના વ્યવસાયને વિકસાવ્યો. એકસમયે નાનો બકેટ શોપ ટ્રાવેલ વ્યવસાય આગળ જઈને એક મોટા ઉદ્યોગમાં પરિવર્તિત થયો.
સમયની સાથે તેમની ઉદ્યોગસાહસિક વૃત્તિ અને સાહસિક નિર્ણયો લેવાની તૈયારીને કારણે તેમણે ટ્રાવેલ ક્ષેત્રથી આગળ વધી હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. જોગિન્દરજી પાસે તીક્ષ્ણ અવલોકન શક્તિ અને તકો ઓળખવાની અનોખી ક્ષમતા હતી. તેમના સાહસ અને વ્યાવસાયિક કુશળતા ત્યારે ખાસ સ્પષ્ટ થયાં જ્યારે તેમણે મેફેરમાં આવેલ વોશિંગ્ટન મેફેર હોટેલ ખરીદી. આ હોટેલ સોદો આંતરરાષ્ટ્રીય હૉસ્પિટાલિટી જગતમાં તેમના પદાર્પણનો એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હતો.
માસ્ટક્રાફ્ટ ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ તરીકે તેમણે વર્ષો દરમિયાન હોટેલ્સ અને અન્ય વ્યવસાયોના પ્રતિષ્ઠિત પોર્ટફોલિયોનું સર્જન કર્યું. પાછળથી તેમના બાળકો ગિરિશ અને રીમા પણ વ્યવસાયમાં જોડાયા અને સાથે મળીને તેમણે ગ્રુપનું વધુ વિસ્તરણ કર્યું. આજે તેમાં અનેક જાણીતી હોટેલ્સ અને હૉસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ સામેલ છે.
જોકે શ્રી જોગિન્દર સેંગરની સિદ્ધિઓ માત્ર વ્યવસાયિક સફળતા પૂરતી મર્યાદિત નહોતી. સમાજ પ્રત્યે તેમની ગાઢ પ્રતિબદ્ધતા પણ એટલી જ નોંધપાત્ર હતી. શરૂઆતના સમયમાં, ખાસ કરીને પશ્ચિમ લંડનમાં, કબડ્ડી, રમતગમત અને સમુદાય વિકાસ માટે તેમના યોગદાનને વ્યાપક માન્યતા અને પ્રશંસા મળી હતી. તેઓ એકતાના પ્રખર સમર્થક હતા.
તેઓ અનેક મહત્વપૂર્ણ સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. ડડલીમાં આવેલ શ્રી વેંકટેશ્વર (બાલાજી) મંદિર અને ઑસ્ટરલીમાં આવેલ ઇન્ડિયન જિમખાના ક્લબ ઉપરાંત યુકે અને ભારતમાં અનેક મંદિરો અને ગુરુદ્વારાઓને સહાય આપી અને શાંતિપૂર્વક ધાર્મિક, સાંસ્કૃતિક અને પરોપકારી પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું. તેમના આ સખાવતી કાર્યોથી સમાજ વધુ મજબૂત બન્યો હતો.
તેમના જીવનનું બીજું મહત્વનું પાસુ લંડન સ્થિત ભારતીય વિદ્યાભવન સાથેનો તેમનો નજીકનો સંબંધ. વર્ષો દરમિયાન જોગિન્દરજી આ સંસ્થાના મહત્વપૂર્ણ સહયોગી અને શુભેચ્છક બન્યા અને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ઉદાર સહાયતા આપી. તેમના પત્ની સુનિતાબેને શરૂઆતથી જ ભવનની પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ખાસ કરીને દિવાળી જેવા પ્રસંગોએ નાણાં એકત્ર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.
સુનિતાબેન પોતે પણ સમાજસેવા અને નેતૃત્વની પરંપરા ધરાવતા એક પ્રતિષ્ઠિતનું ફરજંદ છે.. તેમના પરિવારનો કેન્યાના મોમ્બાસામાં આર્ય સમાજ સાથેનો સંબંધ અનેક દાયકાઓ જૂનો છે. તેમના દાદા શિવ ચંદ બૌરી આશરે વર્ષ 1900 આસપાસ કેન્યામાં આવ્યા હતા. તેમના પિતા વિષ્ણુ બૌરી હિંદુ અને પંજાબી સમાજમાં મહત્વપૂર્ણ નેતા તરીકે ઊભર્યા અને આર્ય સમાજ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યાં.
પરિવારની બીજી પેઢીના સુનિતા સેંગરનો જન્મ 1950માં મોમ્બાસામાં થયો હતો. મે 1964માં તેઓ પોતાના પરિવાર સાથે લંડન આવ્યા અને જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો. તે સમયના ઘણા પ્રવાસી ભારતીય પરિવારોની જેમ તેમના માટે પણ શરૂઆતના વર્ષો સરળ નહોતા. છતાં તેમની માતા સુષ્મા બૌરી સતત પ્રેરણા અને શક્તિનો સ્ત્રોત બની રહ્યાં. તેમણે પરિવાર સંભાળ્યો અને બાળકોને સારા શિક્ષણ સાથે સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડી રાખ્યાં.
વ્યક્તિગત રીતે હું શ્રી જોગિન્દર સેંગરને ઘણા વર્ષોથી ઓળખતો હતો. સમાજમાં કોઈ પડકાર ઊભો થાય ત્યારે તેઓ મને ફોન કરતા, મુલાકાત ગોઠવતા અને અમે સાથે મળીને ઉકેલ શોધતા. તેમનો સ્વભાવ હંમેશા એકતા, યોગદાન આપવાનો અને સમુદાયને મજબૂત બનાવવાનો રહ્યો હતો.
તેમના અવસાનના સમાચાર મળ્યા ત્યારે મેં વિચાર્યું કે જીવનમાં લોકો આવે છે અને જાય છે, પરંતુ કેટલાક લોકો એવી સ્મૃતિ અને યોગદાન છોડી જાય છે જે લાંબા સમય સુધી જીવંત રહે છે. શ્રી જોગિન્દર સેંગર નિશ્ચિતપણે એવા વ્યક્તિત્વ હતા.
સન્માનનીય સુનિતાબેન તેમજ રીમા અને ગિરિશને હું એટલું જ કહું છું કે શ્રી જોગિન્દર સેંગર એક અદભૂત વારસો છોડી ગયાં છે. ઉદ્યોગ, સમાજ સેવા અને મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો વારસો. તેમની પુત્રવધૂ કનિકાનો અને તેમના ત્રણ પૌત્રોનો પણ ઉલ્લેખ કરવો યોગ્ય છે. તેઓ પરિવારની આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આ વારસાને આગળ વધારશે અને સમાજ સેવા તથા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખશે. મને પૂરો વિશ્વાસ છે કે તેમણે નાખેલો પાયો આવનારા વર્ષોમાં વધુ મજબૂત અને વિકસિત થશે.

