હરીશ રાણાને ઇચ્છા મૃત્યુને મંજૂરી આપવાનાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમલમાં મૂકવા એઇમ્સ-દિલ્હીએ પ્રક્રિયા શરૂ કરી છે. સૂત્રો અનુસાર આ પ્રક્રિયામાં બે થી ત્રણ સપ્તાહનો સમય લાગી શકે છે.
• ડ્રગ્સ પાર્ટીમાં સાંસદ સહિત 11 લોકોની ધરપકડઃ હૈદરાબાદ પાસે મોઈનાબાદમાં શનિવારે ડ્રગ પાર્ટીથી પોલીસે 11 લોકોની ધરપકડ કરી. જેમાં ટીડીપી સાંસદ પુટ્ટા મહેશ યાદવ અને બીઆરએસના પૂર્વ ધારાસભ્ય રોહિત રેડ્ડીનો સમાવેશ થાય છે.
• રાહુલ ગાંધીની કાશીરામને ‘ભારત રત્ન’ આપવા માગઃ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને બીએસપીના સ્થાપક કાશીરામની જન્મજયંતી પર મરણોત્તર ‘ભારત રત્ન’ આપવા માગ કરી હતી. રાહુલે કહ્યું કે, કાશીરામે ભારતીય રાજકારણની દિશા બદલી રાજકીય ચેતના જાગૃત કરી હતી.
• અનિલ અંબાણીના પુત્રની સતત 5 કલાક પૂછપરછઃ સીબીઆઇએ રૂ. 228 કરોડના કથિત બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણીના પુત્ર જય અંબાણીની 5 કલાક પૂછપરછ કરી. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા આ છેતરપિંડીના કેસમાં પૂર્વ ડાયરેક્ટર જય અને અન્ય સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
• સોનમ વાંગચૂકને જેલમુક્ત કરવા નિર્ણયઃ લદાખમાં હિંસાને કારણે પકડાયેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકને તત્કાળ જેલમુક્તિનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે, લદાખમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા તમામ પક્ષકારો સાથે રચનાત્મક સંવાદ લાધવા આ નિર્ણય લેવાયો છે.
• ઇન્ડિગો હવેથી અલગથી ફ્યૂઅલ ચાર્જ વસૂલશેઃ દેશની સૌથી મોટી પ્રાઇવેટ એરલાઇન ઇન્ડિગોએ 14 માર્ચથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટ પર ફ્યૂઅલ ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ ચાર્જ રૂ. 425થી 2,300 સુધી રહેશે. એટીએફના ભાવમાં ઝડપથી વધારો થતાં આ નિર્ણય લેવાયો છે.

