SPMS UK દ્વારા સરદાર પટેલની જન્મજયંતીએ તેમના જીવન અને વારસાની ઉજવણી

- યશ મહાજન Wednesday 18th November 2026 07:33 EST
 
 

લંડનઃ ભારતીય હાઈ કમિશન અને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS UK)ના સંયુક્ત ઉપક્રમે સોમવાર 9 નવેમ્બરે ઈન્ડિયા હાઉસ ખાતે ભારતના લોહપુરુષ, દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તેમના જીવન અને વારસાની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીની ઉજવણીની સાથોસાથ યોજાએલા આ ઈવેન્ટમાં પાર્લામેન્ટેરિયન્સ, રાજદ્વારીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને યુવા નેતાઓ ઐતિહાસિક ગાંધી હોલમાં એકત્ર થયા હતા. વંદે માતરમ અને રાષ્ટ્રગીતના ગાયન સાથે આરંભ કરાયેલા કાર્યક્રમમાં લોર્ડ રેમી રેન્જર અને લોર્ડ ક્રિશ રાવલ દ્વારા દીપપ્રાગટ્ય કરાયું હતું, સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી અને તેમના જીવન વિશે ટુંકી ફિલ્મ પણ દર્શાવાઈ હતી.
SPMS UK વતી કાર્યક્રમનો આરંભ કરતાં સંસ્થાના સેક્રેટરી ડો. કૃષ્ણાબહેન પૂજારાએ દીર્ઘકાલીન પાર્ટનરશિપ માટે હાઈ કમિશનનો આભાર માન્યો હતો તેમજ દિવાળીના સંદેશા અને સરદાર પટેલના વારસાની સરખામણી કરી હતી. તેમણે આગામી વર્ષ માટે ત્રણ ઈનિશિયેટિવની જાહેરાત કરી હતી. જાન્યુઆરી 2027માં સોસાયટીનું ડેલિગેશન ગુજરાતના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાત લેશે. જૂન 2027માં યુનિટી વોકનું આયોજન કરાશે તેમજ ભારતની એકતામાં સરદારની ભૂમિકાની યાદગીરી તરીકે લેસ્ટર અથવા મિડલેન્ડ્સમાં કોઈ સ્થળે સરદાર પટેલ બસની સ્થાપનાની પણ યોજના છે.
SPMSના અધ્યક્ષ લોર્ડ રેમી રેન્જર CBEએ સરદારને એવા નેતા ગણાવ્યા હતા જેમણે ભારતને માત્ર આઝાદી ન અપાવી, પરંતુ તેને એકતા અપાવી જેનાથી તે મજબૂત અને પોતાની રક્ષા કરવા સમર્થ બની શકે. તેમણે કહ્યું હતું કે રજવાડાઓને ભારતસંઘમાં સામેલ કરવાનું કાર્ય સહેલું ન હતું, પરંતુ ક્યારે દબાણ કરવું અને ક્યારે બળપ્રયોગ કરવો તે જાણતા માસ્ટર કૂટનીતિજ્ઞ સરદારે તેમાં સફળતા હાંસલ કરી હતી. તેમણે વિભાજનની પણ યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ પણ નિર્વાસિતોમાં એક હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સાધેલી પ્રગતિની ગૌરવસહ પ્રશંસા કરી હતી.
ચીફ ગેસ્ટ લોર્ડ ક્રિશ રાવલ OBEએ સોસાયટીના પ્રથમ મેમોરિયલ લેક્ચર આપવા સાથે પરિવારની વાત કરી હતી. સરદાર પટેલ 27 મે 1950ના દિવસે પોરબંદરમાં મહાત્મા ગાંધી અને કસ્તુરબાના સ્મારક કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કરવા ગુજરાત આવ્યા ત્યારે લોર્ડ રાવલના નવ વર્ષીય પિતા પણ મહાન નેતાની એક ઝલક મેળવવા ભીડમાં ઉભા હતા. લોર્ડ રાવલે સરદાર વલ્લભભાઈની ગુજરાતના ગામડામાંથી લંડનમા મિડલ ટેમ્પલ સુધીની સફર, ગાંધીજી સાથે મુલાકાત, સરદારનું બિરુદ, તેમના જેલવાસ તેમજ આઝાદી પછી 565 રજવાડાને એક રાષ્ટ્રમાં સામેલ કરવા ઉઠાવેલી જહેમત સહિતની પણ વાત કરી હતી. તેમણે સરદાર પટેલના રમુજી સ્વભાવ વિશેના કિસ્સા પણ સંભળાવ્યા હતા. તેમણે સરદાર પટેલને સાચા કર્મયોગી ગણાવ્યા હતા.
લોર્ડ રાવલે ઈન્ડિયા હાઉસને કોમ્યુનિટી માટે ખુલ્લું મૂકવા બદલ હાઈ કમિશનર પી.કુમારનનો આભાર માન્યો હતો તેમજ 2021થી SPMS નું અધ્યક્ષસ્થાન સંભાળનારા લોર્ડ રેન્જરની પણ પ્રશંસા કરી હતી. હાઈ કમિશનર પી.કુમારને પણ સરદાર પટેલના મૂલ્યોને ભારતના 2047ના વિઝન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સાથે સાંકળ્યા હતા.


comments powered by Disqus