યુકેની બર્ફીલી હવામાં સમાજ, સેવા, સંસ્કૃતિ, નાટ્યમંચ, સંગીત, દેશભક્તિ અને આઝાદીના લડવૈયા અંગે ગુજરાત સમાચારનો સોનેરી સંગત કાર્યક્રમ ઉષ્માભરી ચર્ચા કરતો આવ્યો છે. સોનેરી સંગતનો અધ્યાય-95 પણ લોખંડી વ્યક્તિત્વના સ્વામી સરદાર વલ્લભભાઈ પટેલ ‘સરદાર-ધ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયા’ને સમર્પિત રહ્યો.
કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે કાર્યક્રમની શરૂઆત કરતાં જણાવ્યું કે, 31 ઓકટોબર, શનિવારે અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની જન્મજયંતી દેશવિદેશમાં ઊજવવામાં આવનાર છે. આ તકે સરદારની વીરલ ઘટનાઓથી પ્રેરિત નાટક ‘સરદાર-ધ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયા’ ભારતનાં શહેરો, નગરોના રંગમંચ પર ધૂમ મચાવી રહ્યું છે, જેના મુખ્ય પાત્રમાં જાણીતા ફિલ્મ કલાકાર અને પદ્મશ્રી મનોજભાઈ જોશીએ સરદારની ભૂમિકા ભજવી છે, આ નાટકનાં લેખિકા છે ગીતાબહેન માણેક. ગીતાબહેને સરદાર પટેલ પર 10 પુસ્તકો લખ્યાં છે, જે પૈકી તેમના પુસ્તક ‘સરદાર-ધ ગેમ ચેન્જર’ આધારિત આ નાટકની રચના થઈ છે. આ નાટકનું દિગ્દર્શન રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત વીરલભાઈ રાચ્છ દ્વારા કરાયું છે. સરદારનું દેશ માટેનું યોગદાન અનન્ય તો છે જ, પરંતુ તેમણે પોતે ક્યારેય કોઈ પુસ્તક કે ડાયરી લખી જ નથી. સ્વતંત્ર ભારતનાં 75 વર્ષ બાદ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની નોંધ લેવાય છે. ગીતાબહેન માણેક દ્વારા લિખિત પુસ્તકો અને નાટકમાં સરદારની એવી ઘણી બધી વાતો રજૂ કરવામાં આવી, જે વિશ્વને ક્યારેય ખબર જ નહોતી.
સરદારની ઓળખ આપતાં મુખ્ય વક્તા ગીતાબહેન માણેકે જણાવ્યું કે, સરદારે ક્યારેય કંઈ લખ્યું નથી, તેમણે જેલમાં લખેલી માત્ર 40 પાનાંની ડાયરી છે. જેની સામે ગાંધીજી અને નહેરુ જેવા નેતાઓએ વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું હતું. સરદારે ઘણાં મહત્ત્વનાં કામ કર્યાં, પરંતુ તેમણે ભારતના વીલીનીકરણનું જે કાર્ય કર્યું છે, તે અદ્વિતીય છે. ઇતિહાસમાં કંડારાયેલું છે કે જ્યારે એક રાજાએ અન્ય રાજ્ય કે દેશને હસ્તગત કર્યાં ત્યારે ત્યાંના રાજાને ખતમ કરી દીધા હતા, જેની સામે ભારત વિશ્વભરમાં એકમાત્ર દેશ છે, જેણે 565 રજવાડાંના રાજાઓને ખતમ કર્યા વિના કે લોહીનું ટીપું પણ પાડ્યા વગર વિલીનીકરણ કર્યું. આ કાર્ય સરદારની કુનેહભરી દૃષ્ટિ સિવાય શક્ય જ નહોતું. માત્ર હૈદરાબાદ અને જૂનાગઢ એવાં રજવાડાં રહ્યાં, જેમને હસ્તગત કરવા સામાન્ય મિલિટરી એક્શન થઈ હતી.
કુનેહભરી રાજનીતિના સ્વામી સરદારનું નામ વિશ્વભરમાં ખૂબ આદર સાથે લેવાય છે. જે-તે સમયે રશિયાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ નિકોલાઈ બુગલાઈએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, તમે ભારતીયો ગજબ છો કે, એકપણ રાજાને ખતમ કર્યા વિના આટલાં રજવાડાં એકત્ર કરી લીધાં.
સરદારે ભલે કંઈ ન લખ્યું, પરંતુ તેમના અંગત સચિવ એવાં એમનાં પુત્રી મણિબહેન તેમને કાયમ કહેતાં કે તમે આટલાં કાર્ય કરો છો તેના અંગે લખો. આ સમયે સરદાર કહેતા, જ્યારે આપણે ઇતિહાસનું સર્જન કરી શકીએ તેમ છીએ, ત્યારે લખવામાં સમય શા માટે વ્યય કરવો?
વૈશ્વિક સ્તરે જેની નોંધ લેવાઈ તેવાં કાર્યો સરદારે કર્યાં તે ઇતિહાસ લખવાની જવાબદારી આપણી એટલે કે ભારતીયોની હતી, પરંતુ કેટલાંક કારણોસર તે ન થઈ શક્યું. આ હકીકતો ઇતિહાસનાં વિવિધ પુસ્તકોનાં વિવિધ પાનાંઓ પર ખૂણેખાંચરે અંકાઈને રહી હતી. આ હકીકતોની માહિતી 250 જેટલાં પુસ્તકો અને ઇન્ટરનેટનાં વિવિજ પેજ પર હતી, જેનો સંગ્રહ કરી ક્રમબદ્ધ શ્રેણીમાં ડોક્યુ નોવેલમાં મૂકવાનો મેં પ્રયાસ કર્યો, જેથી સામાન્ય માણસ પણ તેને સરળતાથી સમજી શકે.
ગીતાબહેને આ ચર્ચામાં જૂનાગઢના નવાબ મહોબતખાન રસૂલખાન બાબીનો જૂનાગઢના પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય અને તેમનો શ્વાનપ્રેમ, હૈદરાબાદના નિઝામ તેની સંપત્તિ ઉપરાંત હૈદરાબાદમાં સર્જાયેલી હિંસાત્મક અરાજકતા, તેના નિર્દયી રઝાકાર કાસમ રિઝવીની ક્રૂરતા, હૈદરાબાદમાં ઓપરેશન પોલો, હૈદરાબાદને બ્રિટિશ સરકારે ગિરવે આપેલું બસ્તર, લક્ષદ્વીપ, કાશ્મીરનો પ્રશ્ન અને શીખોને કાશ્મીરમાં વસાવવાની સરદારની યોજના, પુત્ર કે પૌત્રને દિલ્હીમાં આવવાની અને પોતાના નામને ન વટાવવાની શીખ, પુત્રી મણિબહેનનું યોગદાન, સરકારી આવાસ હોવા છતાં ખર્ચમાં કરકસર, સરદારના બેન્ક એકાઉન્ટમાં જમા માત્ર રૂ. 216, આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં સરદારની બાદબાકી અને સરદારે જિંદગીની અંતિમ ઘડીએ પુત્રી મણિબહેન માટે છોડેલા પાંચ ફૂટના ઓરડા અંગેની રસપ્રદ ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં સરદાર પાસે વિશાળ સરકારી બંગલો હતો પણ માત્ર બે રૂમ અને એક રસોડું જ વાપરતા અને મણિબહેન જાતે સફાઈ કરતાં. સરદારના કુર્તા, ધોતિયાં ઘસાઈ જાય એમાંથી મણિબહેન પોતાનાં બ્લાઉઝ અને ચણિયા સીવતાં. આ સાથે ગીતાબહેને સરદારની ખુમારી અને સરદારની અંતિમયાત્રામાં કોઈપણ રાજકારણી, સંરક્ષણ અધિકારી અને રાષ્ટ્રપતિને ન જવાના નહેરુના હુકમ અંગેની ચર્ચા પણ કરી હતી.
કાર્યક્રમમાં આગળ જતાં દિગ્દર્શક વીરલ રાચ્છે જણાવ્યું કે, રંગમંચની મર્યાદા વચ્ચે તે સમય, તે વિશ્વ અને તે સ્થિતિને ઊભાં કરવાં મારા માટે પડકારસમાન હતા. નાટકમાં અનેક રજવાડાં સાથેનો સંવાદ અને તે સ્થિતિ ઊભી કરવાનાં હતાં. લંડનમાં ચર્ચિલ સાથે શરૂ થતી નાટ્યયાત્રા દિલ્હી, ભોપાલ, જોધપુર, લક્ષદ્વીપ, દિલ્હી-કરોલબાગ, જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર અને ગાંધીનિવાસ જેવાં અનેક સ્થળોએ ફરે છે. હું નસીબદાર છું કે એ સમયને દુબઈમાં કરાયેલા એલઈડી કન્ટેન્ટથી તાદૃશ્ય કરવામાં સફળ રહ્યો. મારા આ સાહસને મારા પ્રોડક્શન હાઉસ ‘નીમ ટ્રી’, ધનરાજ નથવાણી અને ભૂમિ નથવાણીનું ખૂબ પીઠબળ રહ્યું.
આ સુંદર વિશ્વને ઊભું કરવામાં સામાન્ય નાટકમાં ન હોય તેટલું બજેટ અમને ફાળવાયું છે. અમારા 60થી 70 કેરેક્ટર્સ છે, જે પૈકી કેટલાક મલ્ટિપલ કેરેક્ટર પ્લે કરે છે. આ કેરેક્ટર્સ માટે અમે અંદાજે 500થી 600 રિયાલિસ્ટિક કોસ્ચ્યૂમ નેશનલ એવોર્ડ વિનર નિકી જોશી દ્વારા ડિઝાઇન કરાવ્યા છે. આમ હું તે સમયના રિયાલિસ્ટિક વર્લ્ડને હાલના સમયમાં ઊભું કરવામાં સફળ પુરવાર થયો છું.
સરદારની રાજનીતિ પર ચર્ચા કરતાં વીરલભાઈ રાચ્છે 222 રજવાડાં ધરાવતું યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ અને યુએનમાં ગયેલો કાશ્મીર મુદ્દો ઉલ્લેખીને સરદાર સાથે જોડાયેલી અજાણી ઘટનાઓને લોકો સમક્ષ રજૂ કરી હતી.
ગીતાબહેન માણેક પાસેથી સરદાર અને મણિબહેન અંગેની કદી નહીં સાંભળેલી વાતો, ઘટનાઓ જાણીને પ્રકાશક-તંત્રી સી.બી.પટેલે ખૂબ જ ભાવવિભોર થઈ કહ્યું કે, આજના કાર્યક્રમમાં સરદારનો ઇતિહાસ જાણે કે જીવંત થઈને નજર સમક્ષ તરવરી ગયો.
(સંપૂર્ણ કાર્યક્રમ જોવા અમારી YouTube ચેનલની મુલાકાત લેવાનું ભૂલશો નહીં,
જેનો ક્યુઆર કોડ નીચે આપેલો છે)

