નવી દિલ્હીઃ ઇરાને હોર્મુઝ રૂટ પરથી પસાર થનારા ભારત, ચીન, ઈરાક અને કતારનાં વેપારી જહાજોને અવરજવરના પ્રતિબંધથી છૂટ આપી છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ પર સંસદીય સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોગદ્દમે કહ્યું કે, આ ચાર દેશોનાં જહાજ આ દરિયાઈ રસ્તેથી સ્વતંત્ર રીતે અવરજવર કરી શકે છે. અમેરિકા પણ તેમને રોકી રહ્યું નથી.
ઇરાની સાંસદ અનુસાર ભારતને આ છૂટ એટલે અપાઈ છે, કારણ કે ત્યાંથી દવાઓની આયાત યથાવત્ રહી શકે. ચીનને રાજકીય સમર્થનને કારણે છૂટ અપાઈ છે. તેમણે જણાવ્યું કે, ભારત અને ચીનનાં જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ફી વસૂલાય છે, જ્યારે કતારનાં જહાજ ટોલ વગર પસાર થાય છે.
ઉલ્લેખનીય છે કે, દેશના 60 ટકા એલપીજીની જરૂરિયાત આયાતથી પૂરી થાય છે. તેમાંથી 90 ટકા હોર્મુઝથી આવે છે. એટલે કે કુલ વપરાશના 54 ટકા આ રસ્તા ૫૨ નિર્ભર છે. જરૂરિયાતનું અંદાજે 90 ટકા ક્રૂડ આયાત થાય છે. પહેલા કુલ આયાતના 70 ટકા હોર્મુઝથી આવતું હતું, જે હવે ઘટી 30 ટકા રહ્યું છે. રશિયા, અમેરિકા અને પશ્ચિમ આફ્રિકાથી ખરીદી વધારી પરંતુ હવે પેટ્રોલ સસ્તું થઈ શકે છે. એલએનજી અને ખાદ્યની આયાત માટે આ મહત્ત્વપૂર્ણ છે. સપ્લાય સુધરવાથી વીજળી, ઉદ્યોગ અને ખેતીને રાહત મળશે. એટલું જ નહીં આ રૂટ સરળ થવાથી સપ્લાય ચેઇન અને વેપારને ગતિ મળશે અને નાવિકોની સુરક્ષામાં પણ વધારો થશે.
યુદ્ધ પહેલાં હોર્મુઝથી રોજ સરેરાશ 100-120 જહાજ પસાર થતાં હતાં. ફેબ્રુઆરી 2026માં આ સંખ્યા 78 જહાજ પ્રતિ દિવસ હતી. યુદ્ધ બાદ માર્ચમાં તે ઘટીને સરેરાશ 3 જહાજ પ્રતિ દિવસ રહી હતી. 4 નવેમ્બર 2026ના ડેટા અનુસાર છેલ્લા 7 દિવસમાં સરેરાશ 9 જહાજ પસાર થયાં હતાં.
દવાઓનું ગણિત
ઈરાનને ભારતીય દવાઓની નિયમિત સપ્લાયનો ફાયદો મળશે. 2025માં ભારતે ઈરાનને રૂ. 500 કરોડની દવા નિકાસ કરી હતી. સુરક્ષિત દરિયાઈ રસ્તો મળવાથી તેની સપ્લાય સરળ થઈ શકે છે.

