જૈન વિશ્વ ભારતી સંસ્થાએ સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી

-જ્યોત્સના શાહ Wednesday 19th August 2026 09:51 EDT
 
 

-જ્યોત્સના શાહ
લંડનમાં પીનર સ્થિત જૈન વિશ્વ ભારતી લંડન સેન્ટરના પ્રાંગણમાં સ્વદેશપ્રેમીઓની હાજરીમાં ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગૌરવભેર કરવામાં આવી હતી. એમના સભ્યોમાં મુખ્યત્વે હિન્દી ભાષી છે. તેમછતા તેઓ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના ગ્રાહક-ચાહક છે...
આ પ્રસંગે આમંત્રિતોમાં હર્ટ્સમીયર કાઉન્સિલના મેયર કાઉન્સિલર પરવીન રાની અને ઇલિંગ કાઉન્સિલના કાઉન્સિલર તારીક મોહમ્મ્દ, મુંબઇથી પધારેલ ડો.ગૌતમ ભણશાળી તેમજ ગુજરાત સમાચારના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબહેન શાહે ખાસ હાજર રહી પ્રાસંગિક પ્રવચન સહિત સૌને આઝાદી દિનની શુભકામના પાઠવી હતી. આ રંગીન અને સંગીન કાર્યક્રમ જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમના ગીતો ગાઇ, નૃત્ય, નાટિકા, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહિદ થયેલા અમરવીરોની સંઘર્ષભરી ગાથા, વક્તવ્યો વગેરે પ્રસ્તુત કરી સભાજનોને પ્રભાવિત કરી દીધાં હતાં. આઝાદીના એ જુવાળના ઇતિહાસની યાદોં, આપણી વિવિધતામાં એકતા ઉજવણીના મહિમાને ઉજાગર કરે છે. નવોદિત પેઢીમાં સંસ્કાર બીજના વાવેતર થતાં જોઇ ઉજ્જવળ ભાવિની આશા બળવત્તર બને છે. આ પ્રસંગે કો-ચેરમેન જીત ધેલરિઆએ નવી ચૂંટાયેલ એક્ઝીક્યુટીવ કમિટી (પ્રેસિડેન્ટ મિહિર શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પ્રદીપ ટેટર) અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ (રશ્મિ બેંગાની, શુભમ જૈન, ડો.રૂપાલી ડુગ્ગલ, અમીત બૈદ, અમીત ગર્ગ)ને એમની નિ:સ્વાર્થ સેવા અને નેતૃત્વને બિરદાવ્યાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી ધારા જૈન અને પ્રિયા ટેટરે કર્યું. ઇલિંગમાં JVB નું નવું સેન્ટર આકાર લઇ રહ્યાની ઘોષણા અને પ્લાનનું નિદર્શન કરાયું. સમાપનમાં શાકાહારી ભોજન લઇ યાદગાર પળો વાગોળતાં વિદાય લીધી હતી.


comments powered by Disqus