નેશનલ કાઉન્સિલ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન – NCGO દ્વારા 15 ઓગસ્ટના રોજ શનિવારે હેરોના સંગત સેન્ટર હોલમાં ભારતના સ્વતંત્રતાદિન અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુંદર ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં યુકેમાં વસતા 75 જેટલા ગુજરાતીઓ દ્વારા સ્વતંત્રતાદિનની ઉજવણી કરવામાં આવી, જે બાદ લોકોએ ભજન સંધ્યાનો આસ્વાદ માણ્યો હતો.
ભજન સંધ્યામાં ભારતથી પધારેલાં જયશ્રીદાસ માતાજીએ પોતાના કંઠથી ભક્તિરસથી લોકોને તરબોળ કર્યા હતા. જામનગર અને મોરબીની વચ્ચે ખારચિયા ગામે સુંદર આશ્રમના સર્વેસર્વા જયશ્રીદાસ માતાજીનાં સુંદર ભજન ગાઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. જયશ્રી માતાજીની સાથે તબલાં પર જયભાઈ ઉસ્તાદ, જ્યારે તેમની સાથે કંઠ મિલાવવામાં કંચનબહેન વારાએ સાથ આપ્યો હતો. એનસીજીઓના પ્રેસિડેન્ટ વિમલજીભાઈ ઓડેદરા, વાઇસ પ્રેસિડેન્ટ જિતુભાઈ પટેલ, કાંતિભાઈ નાગડા - MBE અને કલ્ચર સેક્રેટરી ધીરુભાઈ ગઢવીની ભારે મહેનતના પરિણામે આ કાર્યક્રમનું આયોજન સફળ નીવડ્યું હતું. આયોજનના દિવસે જયબહેન દેસાઈ, દીપકભાઈ કેશવાળા, વંદનાબહેન જોશી, સુમંતભાઈ દેસાઈ, જયંતભાઈ પટેલ અને શૈલેશભાઈ ઓડેદરા સહિતના કમિટી મેમ્બર્સની સેવાનો એનસીજીઓને ખૂબ લાભ મળ્યો હતો.
ડો. અમૃતભાઈ શાહ ક્રોલી અને બ્રાઇટનથી ધીરુભાઈની સાથે અનેક મહેમાનોને લઈને પધાર્યા હતા. તમામ કમિટી મેમ્બર સાથે ડો. શાહની મહેનત આ કાર્યક્રમને આગળ ધપાવવામાં મહત્ત્વપૂર્ણ રહી. આ તબક્કે ગુજરાત સમાચાર અને તેના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલની ગેરહાજરી લોકોને ખૂબ સાલી હતી. અન્ય કાર્યક્રમોમાં વ્યસ્તતાના કારણે સી.બી. પટેલ અને ભીમાભાઈ ઓડેદરા ઉપસ્થિત રહી શક્યા નહોતા.
શરૂઆતમાં પ્રેસિડેન્ટ વિમલજીભાઈએ આમંત્રિત લોકોને મીઠો આવકાર આપ્યો અને કલાકારોનું સ્વાગત કર્યું હતું. આ નિમિત્તે તેમણે આવેલા આમંત્રિતોને એનસીજીઓ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા અને ધીરુભાઈ ગઢવીને બે શબ્દો લોકોને કહેવા આહવાન કર્યું હતું.
ધીરુભાઈ ગઢવીએ પોતાની ચારણી શૈલીમાં જયશ્રી માતાજીના આશ્રમ અને તેમનાં કાર્યો-સેવા અંગે ઓળખાણ કરાવી, સાથોસાથ માતાજીની સાથે હાજર કલાકારો તબલચી જયભાઈ, કંચનબહેન, અમિતભાઈ અને સંજયભાઈની લોકોને ઓળખ કરાવી હતી, જેમની હાજરીથી આ કાર્યક્રમને ચારચાંદ લાગી ગયા હતા. જયશ્રી માતાજીને રજૂ કરતા પહેલાં ‘ગાવાં-ગાવાં મારે માતાજીનાં ગીત’ લલકારી ધીરુભાઈએ ભક્તિમય વાતાવરણ બાંધ્યું હતું. આ ગીતના શબ્દોના સીમાડા પૂરા થતાં જ ભજન અને ભક્તિ સાથે જયશ્રી માતાજીને રજૂ કરવામાં આવ્યાં હતાં.
જયશ્રી માતાજીએ ‘પૃથ્વીના માલિક તમે રે, તારો તે અમે તરીએ’, ‘મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ’ ગાઈ આ કાર્યક્રમને ભક્તિમય અને સંગીતમય બનાવી દીધો હતો.
સોનામાં જેમ સુગંધ ભળે તેમ આ કાર્યક્રમમાં મહેશભાઈ અને નીતુબહેન ગઢવીની વિશેષ હાજરી રહી હતી. મહેશભાઈ અને નીતુબહેને કાર્યક્રમમાં પોતાના કંઠથી વાતાવરણને દેશભક્તિમાં તરબોળ કરી દીધું હતું. મહેશભાઈએ દેશભક્તિનાં બે સુંદર ગીત ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા, તો નીતુબહેને ‘એ મેરે વતન કે લોગો’ ગીત લલકારતાં લોકોની આંખમાં આંસુ આવી ગયાં હતાં. મહેશભાઈ અને નીતુબહેનને સાંભળ્યા બાદ ફરી જયશ્રી માતાજીનો કાર્યક્રમ પૂર્વવત્ થયો હતો.
ધીરુભાઈએ આ દરમિયાન માતાજી પાસે એક ખાસ શિવભજન ‘નગર મેં જોગી આયા, જશોદા કે ઘર આયા’ રજૂ કરવા આગ્રહ કર્યો, જેમાં ભગવાન શંકર સાધુનું રૂપ લઈ બાળકૃષ્ણનાં દર્શન કરવા આવે છે. આ જોગી એટલે જ ભગવાન શંકર. આ સિવાય જયશ્રી માતાજીના કંઠે ‘હમ કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કી, યે રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી’ ભજન રજૂ કરવામાં આવ્યું, સાથોસાથ લવ-કુશ અને શ્રીરામ અંગે વાત કરી. માતાજીએ જ્યારે આ ભજન ગાયું ત્યારે હાજર મેદનીની આંખ ભીંજાયેલી હતી. આવાં તો અનેક ભજન સાથે જયશ્રી માતાજી, મહેશભાઈ અને નીતુબહેને પણ પોતાના કંઠે દેશભક્તિ અને શિવભક્તિ રજૂ કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો.
કાંતિભાઈ નાગડાએ કાર્યક્રમની પૂર્ણાહુતિ દરમિયાન હાજર શ્રોતાઓનો ખૂબખૂબ આભાર માની ધીરુભાઈ ગઢવીની મહેનતને બિરદાવી હતી. જે બાદ એનસીજીઓના વાઇસ પ્રેસિડેન્ટ જિતુભાઈ પટેલે એનસીજીઓ, કમિટી મેમ્બર્સની મહેનત અને આગામી કાર્યક્રમો અંગે લોકોને વાકેફ કર્યા હતા, તો 22 ઓગસ્ટે નવનાત સેન્ટરમાં યોજાનારા સ્વતંત્રતાદિનના કાર્યક્રમની રૂપરેખા પણ આપી હતી. આ સાથે કમિટી મેમ્બર વંદનાબહેને પણ એનસીજીઓ અંગે પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું. દેશભક્તિ અને શિવભક્તિથી તરબોળ કાર્યક્રમ બાદ સૌએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો, સબરસ તરફથી જિતુભાઈએ ગોઠવેલી જમણવારની વ્યવસ્થા ખૂબ સુંદર હતી.
કાર્યક્રમમાં હાજર મહેમાનોએ જયશ્રીદાસ માતાજી દ્વારા સંચાલિત આશ્રમમાં થતાં સેવાકીય કાર્યો માટે પોતપોતાની શક્તિ પ્રમાણે સેવા લખાવી હતી, જે એનસીજીઓ કમિટી દ્વારા માતાજીને અર્પણ કરવામાં આવી હતી.
અંદાજિત સાત વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થતાં જ હાજર મહેમાનો દ્વારા એનસીજીઓ દ્વારા આવા સંગીતમય કાર્યક્રમ અવારનવાર કરવા જોઈએ તેવી માગણી ઊઠી હતી. લોકોએ આ સમયે બે મહિના પહેલાં મહેશભાઈ ગઢવી એને નીતુબહેન ગઢવીની નાઇટનું આયોજન કરાયું હતું તે પણ યાદ કર્યો હતો. કાર્યક્રમના અંતે ધીરુભાઈએ બ્રાઇટન-ક્રોલી અને યુકેના અન્ય સ્થળોથી આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

