વોશિંગ્ટન ડીસીઃ અમેરિકા આવતા અઠવાડિયે ઇરાન પર ફરીથી સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યું છે. લોકલ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર પેન્ટાગોને હુમલાના ઘણા વિકલ્પો તૈયાર કર્યા છે અને હવે અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેવાનો છે.
અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું કે, જરૂર પડ્યે સૈન્ય કાર્યવાહી વધારવાની યોજના તૈયાર છે. અમેરિકી અધિકારીઓ અનુસાર હુમલાના વિકલ્પોમાં ઇરાનના સૈન્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઠેકાણાં પર મોટા હવાઈ હુમલા સામેલ છે.
એક વિકલ્પ અમેરિકી સ્પેશિયલ ઓપરેશન ફોર્સિસને જમીન પર ઉતારીને ઇસ્ફહાન પરમાણુ સાઇટમાં દબાયેલી પરમાણુ સામગ્રી એટલે કે એનરિચ્ડ યુરેનિયમ સુધી પહોંચવાનો પણ છે. જો કે અધિકારીઓએ સ્વીકાર્યું કે, આવું ઓપરેશન અત્યંત જોખમી હશે અને તેમાં ભારે સૈન્ય નુકસાન થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર અમેરિકાએ મિડલ-ઇસ્ટમાં 50 હજારથી વધુ સૈનિકો તહેનાત કર્યા છે. આ ઉપરાંત બે એરક્રાફ્ટ કેરિયર, એક ડઝનથી વધુ નેવી ડિસ્ટ્રોયર અને મોટી સંખ્યામાં ફાઇટર પ્લેન પણ આ ક્ષેત્રમાં હાજર છે. લગભગ 5 હજાર મરિન અને 82મી એરબોર્ન ડિવિઝનના 2 હજાર પેરાટ્રૂપર્સ પણ આદેશની રાહ જોઈ રહ્યા છે.

