આનંદ મંગલ ગૃપના ‘ગુજરાત દિવસ’ની અદભૂત ઉજવણી

- જ્યોત્સના શાહ Wednesday 20th May 2026 06:07 EDT
 
 

શનિવાર તા.૯ મે’૨૬ના રોજ વોટલીંગ કોમ્યુનિટી સેન્ટર, એજવેર ખાતે નવા નવા સ્થપાયેલ આનંદ મંગલ ગૃપની “ગુજરાત દિવસ’ ની ઉજવણીએ અનોખી ભાત પાડી. બચુલાલ મહેતા , કલ્પનાબહેન ભટ્ટ અને તૃપ્તિબહેન પારેખની ત્રિપુટીએ આ નવી સંસ્થાની સ્થાપના સ્થાનિક વડિલોની જરૂરિયાતને લક્ષમાં લઇને કરી જેને ખૂબ જ સારો સહકાર સાંપડ્યો. અગાઉ મધર્સ ડે ની ઉજવણી પણ શાનદાર રીતે કરી હતી. સ્વાદિષ્ટ ભોજન, અદ્વિતીય કાર્યક્રમ અને છેલ્લે ચા-બિસ્કીટના અલ્પાહાર સાથે મિલનની મોજ સૌ સભ્યોએ માણી.
આ કાર્યક્રમમાં ૪૯ માનનીય વડિલ કલાકારો અભિનય અને નાટક તેમજ નૃત્ય કલા ઉજાગર કરવા સાથે કોસ્ચ્યુમ પણ કલરફુલ અને આકર્ષક પહેરી નિજાનંદમાં મસ્ત જોવા મળ્યાં. નાના બજેટમાં સુંદર પ્રસ્તુતીકરણે સૌના મન હરી લીધાં. કલ્પનાબહેનની કોરિયોગ્રાફી, દાતા કર્ણ બચુલાલની ઉદારતા તથા મહેનત અને કલાકારોની જહેમત રંગ લાવી હતી.
આ કાર્યક્રમ રજુ કરનાર એમેચ્યોર કલાકારો પ્રોફેશ્નલથી સહેજે ય કમ ન હતા. હાઉસ ફૂલ હતું એ જ એની સફળતાનો માપદંડ!
પરંપરા મુજબ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શિરડીવાલે સાઁઇબાબાના ભક્તિ રંગથી પ્રારંભ થયો. રંગીલા રાજકોટ શહેરના રાસની રમઝટ, ઝટ જાઓ ચંદનહાર લાવોની નટખટ પત્નીની માંગ, રાજા ભરથરી અને રાણી પીંગળાની પ્રેમ કહાનીના અંતે સંન્યાસ ધારણ કરતા રાજા ભરથરી, વિષ્ણુના દશાવતાર, ઠુમ્મક ચલત રામચંદ્ર, કૃષ્ણ-સુદામા મિત્રોનું મિલન, અતીતની યાદ તાજી કરતું આંબુડું જાંભુડું ગીત-નૃત્ય, રાજકુમારીના સ્વયંવરમાં ૧ થી ૨૦ ગણત્રી કરી એના ગર્ભિત અર્થ બતાવે તે રાજકુમાર વરમાળાના અધીકારી બન્યા બાદ દ્વારિકાના નાથનો મહિમા ગાતા નૃત્યે વિવિધ રસથાળ પીરસ્યો. આ સમગ્ર કાર્યક્રમના સૂત્રધારનો કિરતાર જયશ્રીબહેન રાજકોટીયાએ નિભાવ્યો. વક્તાઓના પ્રેરક વક્તવ્યો અને કદરદાની દાદ માગી લે તેવા હતાં.
ગુજરાત સમાચારના પ્રતિનિધિ પૂજાબહેન રાવલે તો આ કાર્યક્રમ જોઇ પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, “ આ દૈવિક પ્રોગ્રામમાં મને હાજર રહેવા મળ્યું એને મારૂં સૌભાગ્ય સમજું છું. આવી સુંદર કોરિયોગ્રાફી અને પ્રેરક રજુઆત મેં અગાઉ યુ.કે.માં જોઇ નથી! કલ્પનાબહેન, બચુલાલ અને સૌ કલાકારોને મારા ખૂબ ખૂબ અભિનંદન’


comments powered by Disqus