છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી અમેરિકાની સરકારો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સંતુલિત કરવા માટે ભારતને એક મહત્વપૂર્ણ સાથી દેશ તરીકે જોતી આવી છે પરંતુ વર્તમાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ નવી દિલ્હીને દંડિત કરીને બેઇજિંગ તરફ વધુ ઝૂકાવ ધરાવતું હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. અમેરિકાની વિદેશ નીતિમાં ભારતનું મહત્વ મોટે ભાગે વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચેના તણાવના આધારે નક્કી થતું રહ્યું છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ વચ્ચેની મુલાકાત ભારત માટે આશંકા અને પડકારો વધારનારી બની રહી છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ બેઇજિંગ સાથેના દ્વિપક્ષીય સંબંધોને જે રીતે પ્રાથમિકતા આપી રહ્યા છે તે જોતાં ભારતની ચિંતામાં વ્યાજબી વધારો થવો યોગ્ય છે. અમેરિકા ચીનને એશિયામાં એક મુખ્ય વ્યુહાત્મક પડકાર માનવાને બદલે એક મુખ્ય વાટાઘાટકાર ભાગીદાર તરીકે સ્વીકારી રહ્યો છે તેવી પરિસ્થિતિમાં ભારતે તેના વ્યુહાત્મક મૂલ્યને એટલું મજબૂત બનાવવું પડશે કે અમેરિકા તેને નજરઅંદાજ ન કરી શકે.
ટ્રમ્પનું જિનપિંગ સાથેનું સમાધાનકારી વલણ સ્પષ્ટ ઇશારો કરી રહ્યું છે કે તેઓ હંમેશા મજબૂત પકડ ધરાવતા નેતાની તરફદારી કરે છે. એ વાત અલગ છે કે ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં ચીનને ઘેરવા ભારતને કાખમાં બેસાડીને ક્વાડ ગઠબંધનને વેગ આપ્યો હતો. ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર યુદ્ધના કારણે ભારતને મોટો ફાયદો પણ થયો હતો. પરંતુ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકી વિદેશ નીતિમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. વેપાર અને ટેરિફના મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. ટ્રમ્પે જે રીતે ભારતને રશિયા પાસેથી ક્રુડ ખરીદતા અટકાવી મસમોટો ટેરિફ લાદ્યો તે નવી દિલ્હી અને વોશિંગ્ટનના દ્વિપક્ષીય સંબંધોમાં મોટા આંચકાસમાન પગલું હતું.
વોશિંગ્ટન અને બેઇજિંગ ભલે પોતાના વ્યાપારી તાલમેલ પર આગળ વધી રહ્યા હોય, પરંતુ ભારત માટે આનાથી એક નવું ભૌગોલિક-રાજકીય ચિત્ર ઊભું થયું છે. અમેરિકાની અનિશ્ચિત બનેલી વિદેશ નીતિને ધ્યાનમાં રાખતાં ભારત માટે આ એક ચેતવણી છે કે તે અમેરિકાની ફક્ત વ્યૂહાત્મક પસંદગી છે અને અમેરિકાનો સાથ અને સહકાર કાયમી ગેરેંટી નથી.
આમ ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની મુલાકાત પરથી ભારતે એક મહત્વનો પાઠ એ શીખવાનો છે કે ચીન જેવા આક્રમક પાડોશી દેશ સામે ટકી રહેવા કોઇ અન્ય વૈશ્વિક મહાસત્તા પર સંપુર્ણપણે નિર્ભર રહેવું એ એક ભૂલભરેલી વ્યૂહરચના છે. આ માટે ભારતે પોતાની સ્વાયત્તતા વધારવી અત્યંત આવશ્યક બની રહે છે. તે માટે ભારતે યુરોપ, જાપાન તથા દક્ષિણ-પૂર્વ એશિયા સાથેની પોતાની વ્યુહાત્મક ભાગીદારીને વધુ વ્યાપક બનાવવી પડશે. જ્યારે અમેરિકા અને ચીન સહઅસ્તિત્વ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ભારતે એ સુનિશ્ચિત કરવું પડશે કે તે પોતે એક મજબૂત વૈશ્વિક ધરી તરીકે ઉભરીને આ પ્રાદેશિક રાજનીતિને આકાર આપે.
અમેરિકા અને ચીનના સગવડિયા લગ્નને કારણ એક વાત તો સ્પષ્ટ છે કે ભારતે વધુ સાવધ બનવું પડશે. જે રીતે ચીન અને હવે અમેરિકા પણ પાકિસ્તાનને વધુ પડતું મહત્વ આપી રહ્યાં છે તે બાબત નવી દિલ્હી માટે લાલ બત્તી સમાન છે. ફક્ત પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતના અન્ય પાડોશી દેશોને પણ નવી દિલ્હી વિરુદ્ધ ભડકાવવામાં ચીને કોઇ કસર બાકી રાખી નથી. છાશવારે ભારતીય પ્રદેશો પર દાવા કરી નવી દિલ્હીને દબાણમાં રાખવાની બેઇજિંગની નીતિ પણ સર્વવિદિત છે. ત્યારે ભારતે એક વાત સમજી લેવાની જરૂર છે કે અંકલ સેમ ક્યારેય કોઇનો સગો થયો નથી અને થવાનો નથી. ટ્રમ્પ જે રીતે યુરોપ અને નાટોને તરછોડી રહ્યા છે તે જોતાં તેમનો કેટલો વિશ્વાસ કરવો તે ભારત સરકારે નક્કી કરવાનું છે.
