ધ એકતા ફાઉન્ડેશન યોજિત કવ્વાલી નાઇટ: વારસી બ્રધર્સે સૂફી સંગીતની જમાવી રંગત

- જ્યોત્સના શાહ Wednesday 20th May 2026 06:04 EDT
 
 

શનિવાર તા. ૯ મે’૨૬ની રાતે એજવેરના કેવેન્ડીશ બેન્ક્વેટીંગ હોલમાં સૂફી સંગીત માણવા મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. વારસી બ્રધર્સનું નામ સૂફી સંગીત જગતમાં સમ્માનનીય છે. એમના નામથી જ હોલ ચિક્કાર થઇ ગયો.
સૌ પ્રથમ ધ એકતા ફાઉન્ડેશનના ચેર પર્સન ઝેહરાબહેને સૌનું સ્વાગત કરી એમની ચેરિટી શું કરી રહી છે તેની માહિતી આપી હતી. તેઓ એશિયાના દેશોમાં ગરીબ અને પછાત વિસ્તારોમાં જરૂરિયાતમંદોને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવી જ્ઞાનની જ્યોત જલાવવાનું કામ કરે છે. ૨૦૦૦માં એની સ્થાપના થઇ હતી એની ૨૫ વર્ષની મજલમાં ૧૦ સક્રિય સભ્યોનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. આ ચેરિટીમાં શકીનાબહેન ફકરૂભાઇ અને આસ્માબહેન હાતિમભાઇ સૂતરવાલા ફેમિલીનું અનુદાન સરાહનીય છે.
સમા અને ઇન્ડસ મ્યુઝીક આર્ટ્સના શ્રી વિશ્વદેવાએ વારસી બ્રધર્સનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, નાઝીર ખાન વારસી અને નાસીર ખાન વારસી ઝાહીર એહમદ ખાનના પુત્રો છે. તેઓએ એમના દાદા પદ્મશ્રી અઝીઝ એહમદખાન પાસેથી સૂફી સંગીતની તાલીમ લીધી હતી. ભારતના હૈદ્રાબાદ સ્થિત વારસી બ્રધર્સને આ સંગીત પેઢીઓથી વારસાગત ઉતરી આવ્યું છે. એમના પૂર્વજ મોહમ્મદ સિદ્દીકી ખાન મોગલ દરબારમાં ૧૮૫૭માં ગાયક હતા. મોગલ સલ્તનતનો અંત થતાં વારસી બ્રધર્સ હૈદ્રાબાદના નિઝામના કોર્ટ ગાયક બન્યા.
૧૩મી-૧૪મી સદીના કવિ અને સંગીતજ્ઞ આમીર ખુસરોની કવ્વાલી, ગઝલ્સ, ઠુમરી, ભજનો વગેરે વારસી બ્રધર્સ ભારતીય ક્લાસીકલ શૈલીમાં બુલંદ અવાજે રજુ કરે છે.. ઇન્ડો-પર્સીયન કવિતાના વિષયોમાં પ્રેમ, આદ્યાત્મિકતા, કુદરત, ગ્રામીણ જીવન વગેરે હોય છે.
અમીર ખુસરો સાહેબ “Poet of the people” હતા. વારસી બ્રધર્સે “ મૌલા રે મૌલા…થી લઇને હિન્દવી (ઉર્દૂ અને હિન્દી) ભાષાની કવિતા “ છાપ તિલક સબ ચીની રે મોસે નૈના મિલાયકે, પ્રેમ ભાતીકા માધવા પીલાઇકે, મતવાલી કર લીની મોસે નૈના મિલાયકે, ગોરી ગોરી બાહેં, હરી હરી ચૂરીયાઁ,
બૈયાં પકર ધર લીની રે મોસે નૈના મિલાયકે….’
“ખુસરુ દરિયા પ્રેમકા, ઉલટી વા કી ધાર,
જો ઉતરા સો ડૂબ ગયા, જો ડૂબા સો પાર..’
”બહુત કઠીન હૈ ડગર પનઘટ કી
કૈસે મૈં ભર લાઉં માધવ સે મટકી,
પનીયાઁ ભરનકો મૈં ગઇ થી,
દાઉદ ઝપટ મોરી મટકી પટકી,
ખુસરુ નિઝામ કે બલબલ જય્યે…જેવી અમીર ખુસરો સાહેબ અને મિરઝા ગાલીબની અનેક કવ્વાલી અને ગઝલોમાં શ્રોતાઓ ડૂબી ગયા હતા.
૨૦૧૪માં વારસી બ્રધર્સને સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો હતો. પ્રતિષ્ઠિત આગાખાન મ્યુઝીક એવોર્ડ લંડનના સાઉથ બેન્ક સેન્ટર ખાતે નવેમ્બર ૨૦૨૫માં એનાયત થયો હતો. દિલ્હી ઘરાનાના શાસ્ત્રીય સંગીત અને આધ્યાત્મિક ઊંડાણ એમની ગાયકીમાં છે. તેઓ વિશ્વભરમાં કવ્વાલી સંગીતનો પ્રસાર કરે છે.
વારસી બ્રધર્સ એમના આઠ સાથીઓ સહ સંગીતની સુરાવલી છેડી સૂફી ભક્તિના તાનમાં સૌને ડોલાવી આદ્યાત્મિક વાતાવરણ જમાવવામાં સફળ રહ્યાં. કહેવાય છે ને કે, સંગીતને કોઇ ભાષા કે રાષ્ટ્રના સિમાડા નડતા નથી એમ ઉર્દૂ કે પર્સીયન ભાષાના કેટલાક શબ્દો અને ગઝલ સમજવામાં અક્ષમ શ્રોતાજનો પણ એના રંગમાં રંગાઇ તાલ પૂરાવતાં હતાં.
સમા અને ઇન્ડસ મ્યુઝીક દ્વારા ૧૩-૧૪મી સદીના જાણીતા કવિ અમિર ખુસરોની પરંપરાગત સૂફી કવ્વાલીની યુ.કે ટૂરનું આયોજન ૧૫ એપ્રિલથી ૧૧ મે દરમિયાન કરવામાં આવ્યું હતું. લંડન, વેસ્ટ બ્રોમીચ, નોટિંગહામ, લીડ્સ, સાઉધમપ્ટન, માંચેસ્ટર, લેસ્ટર, બ્રિસ્ટલ, કેમ્બ્રીજ અને બ્રેડફર્ડ વગેરે સ્થળોએ વારસી બ્રધર્સના કાર્યક્રમો યોજાયાં હતાં. બધાં જ સફળતાને વર્યા હતા.


comments powered by Disqus