નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલા રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે મીડિયા બ્રીફિંગ દરમિયાન ભારતની રાજદ્વારી ક્ષમતાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન તંગદિલીના સંજોગોમાં કેટલાક જરૂરી મુદ્દાનું સમાધાન શોધી શકાય તે હેતુસર હાલમાં પાકિસ્તાન અમેરિકા અને ઇરાન વચ્ચે સંવાદ સ્થાપવામાં મદદ કરી રહ્યું છે, પરંતુ લાંબા સમય માટે કોઇક સ્થાયી મધ્યસ્થતાની જરૂર પડે તો ભારત આ ભૂમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યું કે, ભારત વ્યાપક રાજદ્વારી અનુભવ ધરાવે છે અને વિશ્વકક્ષાએ સંવાદ સ્થાપિત કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે, ‘ભારત અને રશિયા વિશેષ વ્યૂહાત્મક સહભાગિતાને બળવતર કરવા પ્રયાસ કરી રહ્યા છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર તેમજ વડાપ્રધાન મોદી સાથે મારી વિસ્તારપૂર્વક વાતચીત થઈ છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન તેમજ વડાપ્રધાન મોદી વચ્ચે છેલ્લે યોજાયેલી શિખર બેઠકમાં જે મુદ્દે સહમતી સધાઈ હતી તે મુખ્ય મુદ્દાઓને વાતચીતમાં આવરી લેવાયા હતા. ભારત અને રશિયા વેપાર, અર્થવ્યવસ્થા અને રોકાણ ક્ષેત્રે સહયોગને વધુ બળવતર કરવા પર ભાર મૂકી રહ્યા છે. બંને દેશો પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને આર્થિક દબાણોના પ્રમાણમાં ઘટાડો થાય તેવું તંત્ર વિકસાવવાની નેમ ધરાવ છે.’
લાવરોવે જણાવ્યું હતું કે, બંને દેશો વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વધારીને 100 અબજ ડોલરની સપાટીએ પહોંચાડવાની નેમ ધરાવે છે. તે ઉપરાંત પરિવહન કોરિડોર તેમજ કનેક્ટિવિટીને મજબૂત કરવાને મુદ્દે પણ વાતચીત થઇ હતી.

