વર્તમાન રાજકીય સંકટની વૈતરણી સ્ટાર્મર પાર કરી શકશે?

Wednesday 20th May 2026 06:02 EDT
 

મેન્ડલસનના એપસ્ટિન વિવાદ અને ત્યારબાદ ઇંગ્લેન્ડની કાઉન્સિલ, સ્કોટલેન્ડ અને વેલ્સની સંસદીય ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ લેબર પાર્ટીમાં જે રીતે નેતૃત્વ પરિવર્તનનો જુવાળ ફાટી નીકળ્યો છે તે જોતાં આજનો સૌથી મોટો સવાલ એ છે કે શું વડાપ્રધાન સ્ટાર્મર વર્તમાન રાજકીય સંકટની વૈતરણી પાર કરી શકશે કે કેમ...
ચૂંટણીના નબળા પરિણામોએ સ્ટાર્મરની નેતાગીરી સામેના અસંતોષની ચિતામાં ઘી હોમવાનું જ કામ કર્યું છે પરંતુ આ અસંતોષ તો મહિનાઓથી ઉગ્ર બની રહ્યો હતો. સતત વધતી મોંઘવારી, સામાન્ય જનતા માટે મુશ્કેલ બનેલી આર્થિક નીતિઓ અને પીટર મેન્ડલસનના વેટિંગ વિવાદે બે વર્ષ પહેલાં પ્રચંડ બહુમતી મેળવનાર સ્ટાર્મરની લોકપ્રિયતાનો ગ્રાફ તળિયે લાવી દીધો હતો. આજના દિવસે સ્ટાર્મરની લોકપ્રિયતાનું રેટિંગ લિઝ ટ્રસ કરતાં પણ નીચલી સપાટી પર આવી ગયું છે.
સ્ટાર્મર સરકારની નિષ્ફળતાઓનો જવાબ બ્રિટિશ મતદારોએ તાજેતરની ચૂંટણીમાં આપી દીધો છે. આ જનાક્રોશના કારણે લેબર પાર્ટીમાં આંતરિક બળવાને પણ વેગ આપ્યો છે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગ સહિતના મંત્રીઓના રાજીનામા અને કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓ દ્વારા સ્ટાર્મરની ટીકાએ પણ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
હવે સવાલ એ છે કે શું સ્ટાર્મર આ રાજકીય તોફાન સામે ટકી શકશે? ટેકનીકલ રીતે જોઇએ તો સ્ટાર્મરને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી હટાવવા સરળ કામ નથી. આ માટે 20 ટકા લેબર સાંસદના સમર્થનની જરૂર રહેલી છે. આમ તો 85થી વધુ સાંસદ સ્ટાર્મરની વિદાય માટે ખુલીને બહાર આવી ચૂક્યાં છે પરંતુ નેતૃત્વ પરિવર્તન માટે હજુ તેમનો પનો ટૂંકો પડી રહ્યો છે. બીજીતરફ સ્ટાર્મર પણ પોતાની ખુરશી બચાવવા લેબર સાંસદોને રાજકીય અસ્થિરતાની ચેતવણી આપી રહ્યાં છે અને પાર્ટીની આંતરિક લડાઇ કન્ઝર્વેટિવ અને રિફોર્મ યુકે જેવી પાર્ટીઓને લાભ કરાવશે તેવો ભય પણ વ્યક્ત કરી રહ્યાં છે.
તેમ છતાં હાલની સ્થિતિ જોતાં એમ કહી શકાય કે વડાપ્રધાન સ્ટાર્મર પોલિટિકલ મોમેન્ટમ સંપુર્ણપણે ગુમાવી ચૂક્યા છે. યેન કેન પ્રકારે તેઓ આ વૈતરણી પાર કરી દે તો પણ તેમના નેતૃત્વ પર બટ્ટો લાગી ચૂક્યો છે. એટલે જ એવા પણ અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યાં છે કે વરવી વાસ્તવિકતા સમજીને સ્ટાર્મર એક સન્માનજનક વિદાય પર વિચારણા કરી રહ્યાં છે. સ્ટાર્મર કદાચ છટકબારીઓનો ઉપયોગ કરીને આગામી થોડા અઠવાડિયા સત્તા પર ટકી જાય તો પણ એક પ્રભાવશાળી અને પરિવર્તનકારી નેતા તરીકે તેમનું વડાપ્રધાનપદ હવે પૂર્ણતાના આરે છે.


comments powered by Disqus