ગ્રીનલેન્ડ પર કબજા માટે ડોનાલ્ડ ટ્રમ્પના ધમપછાડા

Wednesday 21st January 2026 05:13 EST
 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો જમાવવા માટે ભારે ધમપછાડા કરી રહ્યાં છે. આ માટે તે દાયકાઓથી મિત્ર રહેલા યુરોપના દેશોને પણ ધમકીઓ આપી રહ્યાં છે. ગ્રીનલેન્ડ પોતાને હસ્તક લેવાનો વિચાર આજકાલમાં ટ્રમ્પને આવ્યો નથી. સૌથી પહેલાં 2019માં તેમણે ડેન્માર્ક પાસેથી ગ્રીનલેન્ડ ખરીદી લેવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. અહીં વિચાર માગી લેતો મુખ્ય મુદ્દો એ છે કે શા માટે ટ્રમ્પ ગ્રીનલેન્ડ પોતાના હસ્તક ઇચ્છે છે. બીજીવાર અમેરિકી પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પ જીઓ પોલિટિક્સમાં જે રીતે તોડફોડ મચાવી રહ્યાં છે તે જોઇને ઘણા તેમને આપખુદ, સનકી પ્રમુખ તરીકે જોઇ રહ્યાં છે પરંતુ તેમના દ્વારા લેવાઇ રહેલા નિર્ણયો ભારે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ સાથે લેવાઇ રહ્યાં છે. ગ્રીનલેન્ડ કબજે કરવાનો નિર્ણય પણ ટ્રમ્પની સનકમાંથી પેદા થયો નથી પરંતુ તેના મૂળમાં વ્યૂહાત્મક, આર્થિક અને વૈશ્વિક વ્યવસ્થામાં અમેરિકી હિતોમાં થઇ રહેલાં બદલાવ છે.
સૌથી મહત્વની વાત એ છે કે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કટિક મહાસાગર પીગળી રહ્યો છે. તેના કારણે ભવિષ્યમાં નવા જળમાર્ગો અસ્તિત્વમાં આવી જશે. હાલ પણ આ વિસ્તારમાં રશિયા અને ચીનની વ્યૂહાત્મક હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્રીનલેન્ડ આર્કટિક વિસ્તારમાં નોર્થ અમેરિકા અને યુરોપ વચ્ચેનો અત્યંત વ્યૂહાત્મક પ્રદેશ બની રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી અને શીતયુદ્ધ દરમિયાન અમેરિકા માટે આ ટાપુ દેશ લશ્કરી દ્રષ્ટિએ અત્યંત મહત્વનો બની રહ્યો હતો. આર્કટિકનો બરફ ઓગળવાની સાથે નવા જળમાર્ગો ખુલ્લાં થતાં આ વિસ્તારમાં રશિયા અને ચીન પ્રભુત્વ જમાવી ન દે તે માટે ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક મહત્વ વધી ગયું છે.
લશ્કરી રીતે વ્યૂહાત્મક હોવાની સાથે સાથે ગ્રીનલેન્ડના કુદરતી સ્ત્રોત પણ સૌથી મોટું પરિબળ બની રહ્યાં છે. ગ્રીનલેન્ડ રેર અર્થ મિનરલ્સ, યુરેનિયમ, આર્યન ઓર, સંભવિત ક્રુડ અને ગેસનો ખજાનો ધરાવે છે. આધુનિક ટેકનોલોજી માટે રેર અર્થ મિનરલ્સ અત્યંત મહત્વના પૂરવાર થઇ રહ્યાં છે. તેના પર હાલ ચીનના પ્રભુત્વને તોડવા માટે અમેરિકી નીતિ ઘડવૈયાઓ દૂરંદેશી સાથે આગળ વધી રહ્યાં છે. ક્લાઇમેટ ચેન્જના કારણે ગ્રીનલેન્ડમાં બરફ ઓછો થતાં ખનીજનું ખાણકામ શક્ય બનવા જઇ રહ્યું છે તે તેઓ સારી રીતે જાણે છે. તેમાં પણ અમેરિકાને હાલ બિઝનેસ માઇન્ડેડ પ્રમુખ મળ્યાં છે જે દરેક મુદ્દાને બિઝનેસને ધ્યાનમાં રાખીને જ મૂલવે છે. તેઓ જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેપારની દ્રષ્ટિએ જ મૂલવતા આવ્યા છે.
અમેરિકાનો ઇતિહાસ જોઇએ તો તેનો વિસ્તાર ખરીદ વેચાણ અને લશ્કરી પગલાં દ્વારા જ થયો છે. લૂઇઝિયાના અને અલાસ્કાની ખરીદી તેના મહત્વના ઉદાહરણ છે. અમેરિકી પ્રમુખો હંમેશા લશ્કરી અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને જ નીતિ ઘડતાં રહ્યાં છે. તેમાં પણ ટ્રમ્પ જેવા બિઝનેસ માઇન્ડેડ પ્રમુખ હોય ત્યારે તો આ બાબતો અત્યંત મહત્વની બની રહે છે.
આમ પણ હાલ અમેરિકા 200 વર્ષ જૂની મનરો ડોક્ટરિન અમલમાં મૂકી રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જેમાં યુરોપના સામ્રાજ્યવાદીઓને અમેરિકાથી દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી હતી. ટ્રમ્પના પગલાં સૂચવે છે કે તેઓ અમેરિકાના બંને ખંડ સાથેના પશ્ચિમી ગોળાર્ધને સુરક્ષિત કરવા માગે છે. તેમની આ નીતિમાં ગ્રીન લેન્ડ અત્યંત વ્યૂહાત્મક બની રહેવાનો છે. કદાચ એટલે જ ટ્રમ્પ તેમના પરંપરાગત સાથી યુરોપિયન દેશો સામે બાથ ભીડતાં પણ ખચકાઇ રહ્યાં નથી.


comments powered by Disqus