બ્રિટનમાં દોઢ દાયકા સુધી શાસન કરનાર કન્ઝર્વેટિવ પાર્ટીમાં અરાજકતા ચરમસીમા પર પહોંચી છે. એક પછી એક ટોરી નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડીને જમણેરી વિચારધારા ધરાવતી રિફોર્મ યુકેમાં સામેલ થઇ રહ્યાં છે. એક સમયે શિસ્ત અને ભારે લોકપ્રિયતા ધરાવતી કન્ઝર્વેટિવ પાર્ટી તાજેતરના છેલ્લા કેટલાક વર્ષોથી વિભાજિત અને દિશાહીન જણાઇ રહી છે. શા માટે એકસમયની સૌથી મજબૂત ગણાતી રાજકીય પાર્ટી આજે અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહી છે. એ વાતમાં કોઇ શંકા નથી કે કન્ઝર્વેટિવ પાર્ટીની અંધાધૂંધી બ્રિટિશ રાજનીતિને નવો આકાર આપી રહી છે.
ટોરીઝની અંધાધૂંધીનું મુખ્ય કારણ નેતૃત્વની અસ્થિરતા છે. 2010ના દાયકા પછી પાર્ટીમાં વારંવાર નેતાગીરી બદલાઇ રહી છે. આંતરિક બળવા, કૌભાંડો, ચૂંટણીમાં પરાજય જેવી બાબતોના કારણે કોઇ નેતા લાંબા સમય સુધી ટકી શક્યો નથી. દુર્ભાગ્યની વાત તો એ છે કે નેતૃત્વના દરેક બદલાવની સાથે પાર્ટીની સમસ્યાઓ દૂર થઇ નથી પરંતુ વધુ વિભાજિત થઇને બહાર આવી છે. બ્રેક્ઝિટ, કોરોના મહામારી અને ત્યારબાદના સમયગાળામાં કન્ઝર્વેટિવ સરકારોની દિશાવિહિન નીતિઓને કારણે પાર્ટી મતદારોને સ્પષ્ટ સંદેશ આપી જ શકી નથી. પાર્ટીના ડાબેરી ઝોક ધરાવતા, આર્થિક મુક્ત વિચારધારા ધરાવતા, સામાજિક રીતે રૂઢિચુસ્ત અને રાષ્ટ્રવાદી જૂથો દ્વારા જે રીતે પાર્ટી પર નિયંત્રણ મેળવવાના હથકંડા અજમાવાયા તેના કારણે પાર્ટીની છબિ વધુ ખરડાઇ ચૂકી છે.
કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા કેટલાક વર્ષથી નીતિવિષયક મૂંઝવણ સામે ઝઝૂમી રહી છે. બ્રેક્ઝિટ, નેટ માઇગ્રેશન, આર્થિક સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિ મામલે પણ પાર્ટીમાં પ્રવર્તતા મતભેદોએ પાર્ટીને નબળી બનાવવામાં મહત્વની ભુમિકા ભજવી છે. 2024 પહેલાંની કન્ઝર્વેટિવ સરકારો અને ત્યારબાદના વિપક્ષી નેતાઓએ દરેક મુદ્દા પર વિરોધાભાસી વલણો અપનાવતાં મતદારો મધ્યે પાર્ટીની વિશ્વસનિયતામાં મોટો ઘટાડો થયો છે.
સંસદ અને સ્થાનિક ચૂંટણીમાં કારમા પરાજયે પાર્ટીના પાયાના કાર્યકર્તાઓનો વિશ્વાસ પણ ડગમગાવી દીધો છે. ટોરી સમર્થક મતદારો પણ વિભાજિત થઇને અલગ અલગ પાર્ટીઓ તરફ વળી રહ્યાં છે. કન્ઝર્વેટિવ નેતાઓ માટે તેઓ દેશ અને જનતાને ખરેખર શું આપવા માગે છે તે જ સ્પષ્ટ કરવું મુશ્કેલ બની રહ્યું છે અથવા તો જનતાને સ્પષ્ટ જવાબ આપી શક્તાં નથી.
આવી સ્થિતિમાં નેતાઓએ હવે પાર્ટીમાંથી પલાયન શરૂ કરી દીધું છે તો કેમી બેડનોક પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે પોતાના માટે ભયજનક એવા નેતાઓની હકાલપટ્ટીના માર્ગે આગળ વધી રહ્યાં છે. દરરોજ કોઇને કોઇ નેતા ટોરીઝને અલવિદા કરીને અન્ય પાર્ટીઓ સાથે હાથ મિલાવવા તરફ આગળ વધી રહ્યાં છે. નધીમ ઝહાવી, રોબર્ટ જેનરિક સહિતના કદાવર નેતાઓ પણ તેમાં સામેલ છે અને સુએલા બ્રેવરમેન જેવા બીજા ડઝનેક વરિષ્ઠ નેતાઓ આ દિશામાં આગળ વધે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે.
સીધી અને સ્પષ્ટ વાત એ છે કે કન્ઝર્વેટિવ પાર્ટી જ્યાં સુધી દરેક મુદ્દા પર વલણ સ્પષ્ટ નહીં કરે ત્યાં સુધી હવે તે મતદારોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકશે નહીં. ટોરીઝને ફરી એકવાર એક મજબૂત નેતૃત્વની જરૂર છે. પરંતુ હાલ પુરતું તો મજબૂત નેતૃત્વ પુરું પાડે તેવો કોઇ નેતા પટલ પર દેખાઇ રહ્યો નથી.
