કુખ્યાત માફિયા લોરેન્સ બિશ્નોઇ ગેંગે વધુ બોલિવૂડ હસ્તીને નિશાન બનાવી છે. બે હુમલાખોરોએ રવિવારે સાંજે જેકી શ્રોફના પુત્ર અને એક્ટર ટાઈગર શ્રોફ પર જુહૂમાં ધડાધડ ગોળીબાર કરી તેની હત્યાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. ગોળીબારમાં તેના ડ્રાઈવર તથા એક રિક્ષાચાલક તથા અન્ય એક ચાહકને ઈજા થઈ છે, જ્યારે ટાઇગર શ્રોફને કાચના ટુકડાં વાગતાં ઇજા થઇ છે. હુમલાના થોડા જ સમયમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ચાહકો ટાઈગર શ્રોફનો વીડિયો ઉતારી રહ્યા હતા તે જ વખતે બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરો બિલકુલ ફિલ્મી સ્ટાઈલથી તેની કાર પર ધડાધડ ગોળીઓ વરસાવી ફરાર થઈ ગયા હતા. પહેલાં સલમાન ખાન અને રોહિત શેટ્ટીને ત્યાં ગોળીબાર અને બાદમાં બાબા સિદિકીની હત્યા બાદ વધુ એક બોલિવૂડ હસ્તી પર ગોળીબાર થતાં મનોરંજન ઉદ્યોગમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
ટાઇગર પર ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા ત્રણેય આરોપી રેહાન ઉર્ફે સુક્કા, રિતિક કુમાર ને ફૂલસિંહને પોલીસે રાજસ્થાનના કોટાથી ઝડપી લીધા છે. મૂળ હરિયાણાના રેહાને ટાઇગર પર ગોળીઓ વરસાવી હતી જ્યારે બિહારના વતની અને મુંબઇમાં રેપિડો રાઇડર તરીકે કામ કરતા રિતિકે બાઇક ચલાવવાની કામગીરી સંભાળી હતી. હુમલા વખતે હરિયાણાના ફૂલસિંહની ગન અણીના સમયે લોક થઇ જતાં ટાઇગર બચી ગયો હતો.
રવિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં 36 વર્ષીય ટાઈગર એક બર્થ ડે પાર્ટીમાં હાજરી આપ્યા બાદ બીએમડબલ્યૂ કારમાં બેસી તેના નિવાસસ્થાને જઈ રહ્યો હતો. ટાઈગર શ્રોફ અહીં આવ્યો હોવાની જાણ થતાં કેટલાક ચાહકો ગેટ બહાર તેનો વીડિયો ઉતારવા જમા થયા હતા. કેટલાક પાપારાઝી ફોટગ્રાફર પણ તેમાં સામેલ હતા. તે વખતે અચાનક જ બાઇક પર આવેલ હુમલાખોરો સાત ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. ગોળીબારને કારણે સ્થળ પર નાસભાગ અને અફડાતફડી થઈ ગઈ હતી. ગોળીબારમાં ટાઇગરના ડ્રાઈવર ફિરદૌસ તથા યોગેશ ચૌહાણ નામના બ્લોગરને ઈજા થઈ હતી. ફિરદૌસને ડાબા હાથ પર ગોળી વાગ્યાનું કહેવાય છે. જ્યારે ચૌહાણને છાતી પર ગોળી વાગી હતી. ટાઈગરને પણ કારનો કાચ વાગતાં ઈજા થઈ હતી. જોકે ટાઈગર ખુદ કાર ચલાવી ડ્રાઈવરને હોસ્પિટલે લઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ટોચના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. 15 જેટલી ટીમ રચીને સીસીટીવી ફૂટેજ તપાસીને હુમલાખોરોનું પગેરું શોધાયું હતું. ત્રણેય હુમલાખોરો બાઇક અંધેરીમાં છોડીને બોરીવલી પહોંચ્યા હતા અને ત્યાંથી કારમાર્ગે સુરત પહોંચ્યા હતા. અહીંથી ત્રણેય પૂણે-જયપુર ટ્રેનમાં બેસી ગયા હતા, પણ સીસીટીવીના ફૂટેજના આધારે પગેરું દબાવતાં પોલીસ તેમના સુધી પહોંચી હતી અને ત્રણેયને ટ્રેનમાં જ ઝડપી લીધા હતા.
બનાવના થોડા સમયમાં જ એક ઓડિયો સંદેશ સોશિયલ મીડિયા પર મૂકાયો હતો. જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારાઇ હતી. આ ઘટના બાદ તરત જ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ કમિશનર દેવેન ભારતી સાથે અને બાદમાં ટાઇગર શ્રોફ સાથે ટેલિફોન પર વાત કરીને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી.
‘ટાઈગરને ફોન કર્યો હતો, સમજ્યો નહિ એટલે આ રીતે સમજાવ્યો’
ગોળીબારની ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટાઈગર શ્રોફ પરના હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પોસ્ટમાં દાવો કરાયો હતો કે ટાઈગર શ્રોફને આ પહેલાં પણ ફોન કરીને ધમકી અપાઇ હતી. આ ઘટના બાદ ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘આજે ટાઈગર શ્રોફનું કામ થયું છે, આ ઘટનાની જવાબદારી અનિલ પંડિત અને હશ્મન સંધુ લે છે. અમે તેને કોલ કરીને સમજાવ્યું હતું પણ તે સમજ્યો નહોતો, તેથી આજે હવે તેને વધુ સારી રીતે સમજણ આપી છે. મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે પણ અમારી વાત નહીં માને અથવા સલમાન સાથે કામ કરશે, હવે પછી તેનો નંબર હશે. વેઈટ એન્ડ વોચ... જે અન્ય ગ્રૂપના લોકો અમારા નામથી ફેમસ થવાનું વિચારે છે તેમને પણ જલદી મારીને ફેમસ કરશું.’

