ગુજરાત સમાચારનો ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગત સાંપ્રત પ્રવાહ અને સમાજને એક કરવાની નેમ સાથે ભારતીય સાહિત્ય, શાસ્ત્રોની ચર્ચા, કાવ્યપઠન અને દેવ-દેવીઓની આરાધનાના પર્વ-મહત્ત્વ અંગે ચર્ચા માટે જાણીતો છે. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે સોનેરી સંગતનો અધ્યાય-92 મા અંબાનાં વિવિધ રૂપ અને તેના મહત્ત્વની ચર્ચાને સમર્પિત રહ્યો.
આ સુંદર કાર્યક્રમની શરૂઆત કરતાં ભારતીબહેન પંકજ વોરાએ હાજર સૌકોઈનું સ્વાગત કર્યું હતું. આ સાથે વિષયની ચર્ચા કરતાં કહ્યું કે, નવરાત્રી માત્ર ઉત્સવ નથી, તે શક્તિની ઉપાસના, સંસ્કૃતિનો ઉત્સવ, સંગીતનો આનંદ અને ભક્તિનો મહિમા છે.
કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે કાર્યક્રમનું સંચાલન સંભાળતાં કાર્યક્રમના વક્તાઓ ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો. ડો. સંજયભાઈ મકવાણા, અનેક એવોર્ડથી નવાજાયેલાં અને આકાશવાણીનાં કવિયત્રી અને ગાયિકા રક્ષાબહેન શુક્લ અને રાજેન્દ્રભાઈ જાનીની ઓળખ કરાવી હતી.
સંજયભાઈએ નવરાત્રીને શક્તિની આરાધનાનો પર્વ ગણાવી કહ્યું કે, નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા સાથે સાંસ્કૃતિક ઉજવણીની ખાસ વિશેષતા છે. આદિકાળથી અસ્તિત્વ ધરાવતી આદ્યશક્તિની ઉપાસના કરી આપણી અંદર બિરાજમાન કરી પૂજા-અર્ચનાથી તેને વધાવી લેવી જોઈએ. આ સાથે નવરાત્રીમાં માતાજીનાં તમામ નવ સ્વરૂપ ‘શૈલપુત્રી’, ‘બ્રહ્મચારિણી’, ‘ચંદ્રઘંટા’, ‘કુષ્મંડા’, ‘સ્કંદમાતા’, ‘કાત્યાયની’, ‘કાલરાત્રી’, ‘મહાગૌરી’ અને ‘સિદ્ધિદાત્રી’ની ઓળખ કરાવવાની સાથે તેના મહત્ત્વ અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહિષાસુર અને દેવી દુર્ગાના યુદ્ધ અંગે અને સાંપ્રત પ્રવાહમાં તેના મહત્ત્વ અંગે પણ સુંદર ચર્ચા કરતાં કહ્યું કે, નવરાત્રી મૂળ સ્વરૂપે દુષ્ટ શક્તિ પર સતશક્તિના વિજયરૂપ છે. આગળ જતાં સંજયભાઈએ ચંડીપાઠ, નવચંડી અને ‘શક્રાદિકૃત દેવી સ્તુતિ’નો પણ ગૂઢ અર્થ સમજાવ્યો હતો.
કાર્યક્રમમાં હાજર વક્તા રક્ષાબહેન શુક્લએ કહ્યું કે, નોરતાંની રાત્રીએ શક્તિ અને ભક્તિની પવિત્રતાનો સમન્વય થાય છે. બ્રહ્માંડની સર્જનહાર શક્તિનાં નવ રૂપ તો છે, પરંતુ તેનાં મુખ્ય ત્રણ સ્વરૂપ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી છે. શક્તિ અને ગરબાનું તાદાત્મ્ય આપણને આંતરિક આનંદ આપે છે અને આપણે ભાવવિભોર થઈ જઈએ છીએ.
રક્ષાબહેન અનુસાર ગરબાનું નામ આમ તો દીપ ગર્ભો ઘટઃ, સમયાંતરે ઘટઃ શબ્દ લુપ્ત થયો અને દીપ ગર્ભો જળવાઈ રહ્યું. જો કે સમયાંતરે ગરભો અને હાલમાં તે ગરબો તરીકે પ્રચલિત છે. તાલીઓના તાલથી અને ભક્તિના ભાવથી કે ચરણોની ગતિથી ઝળહળતો આદ્યશક્તિની આરાધનાનો આ મહોત્સવ માનવ સમાજમાં ચેતના, સ્ફૂર્તિ તથા આસ્થાને જીવંત રાખે છે.
અંબાજી માતાના હિસાબી અધિકારી રહી ચૂકેલા રાજેન્દ્રભાઈ જાનીએ ભાદરવી પૂનમના મેળાનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, સમગ્ર બ્રહ્માંડનું મૂળ તત્ત્વ શક્તિ છે અને શક્તિની આરાધના જ આપણો ઉદ્દેશ્ય છે. આઇન્સ્ટાઇને એક સૂત્ર આપ્યું છે કે, E = mc², એટલે કે આપણને જે સ્થૂળ સહિતની વસ્તુઓ દેખાય છે તેની ગતિ માત્ર શક્તિ એટલે કે એનર્જી જ છે.
આપણા શાસ્ત્રોએ હજારો વર્ષ પહેલાં જ સિદ્ધ કરી દીધું કે એનર્જી એ જ સર્વવ્યાપી અને એ જ મૂળભૂત વસ્તુ છે. ભાદરવી પૂનમે ભક્તો નવરાત્રીમાં પોતાના ગરબામાં માતાજીને આમંત્રિત કરવા શક્તિના સ્રોત સમાજ અંબાજી ખાતે પગપાળા જાય છે. આ સાથે રાજેન્દ્રભાઈએ ઉમેર્યું કે, શક્તિનું કોઈ સ્વરૂપ બાંધી શકાય નહીં. શક્તિને વશ થઈ આખું નભોમંડળ સતત નર્તન જ કરતું હોય છે, જેને દર્શાવવા ગરબાના દીવાનો પ્રકાશ નભોમંડળની પ્રતિકૃતિ રજૂ કરે છે, જેને સતત ચલ રાખી ગરબે ઘૂમવામાં આવે છે.
કાર્યક્રમનું સમાપન કરતાં સંપાદક-તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, આદ્યશક્તિને વરેલા કાર્યક્રમનું સમાપન થતું જ નથી. આજનો કાર્યક્રમ ધન્ય કરનારો રહ્યો. હું મક્કમપણે માનું છું કે આદ્યશક્તિ આપણને સૌને શક્તિ આપે છે, તેમની જ કૃપાથી અખિલ બ્રહ્માંડ ઉજ્જવળ છે.
કાર્યક્રમમાં મીનાબહેન ત્રિવેદીએ તેમના કંઠે ‘કુમકુમનાં પગલાં પડ્યાં...’, ‘હે રુડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ...’, તો માયાબહેન દીપકે ‘ધબકારે ધબકારે વાગે છે ઢોલ’ ગાઈને કાર્યક્રમને દીપાવ્યો હતો.
(સંપૂર્ણ કાર્યક્રમ જોવા અમારી YouTube ચેનલની મુલાકાત લેવાનું ભૂલશો નહીં,
જેનો ક્યુઆર કોડ નીચે આપેલો છે)

