નવનાત વણિક એસોસિએશનના હોલમાં ૧૧ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર દરરોજ રાતના નવરાત્રીની રમઝટ જામે છે અને જગદ્જનની મા જગદંબાના પૂજન-અર્ચન-ગરબા-રાસ-આરતી-થાળનો લ્હાવો સેંકડોની સંખ્યામાં ભાવિકો લઇ રહ્યા છે. નાના ભૂલકાંઓનો તો આ પ્રિય તહેવાર છે. જય અંબે...જય જય અંબે..ના નારાથી હોલ ગૂંજી ઊઠે છે. થાળ વેળા તસવીરમાં દર્શાવ્યા મુજબ આગલી હરોળમાં બાળકોને રખાય છે જેથી તેઓ વધુ ઉત્સાહભેર ભાગ લઇ આનંદ માણી શકે. સાથે કેટલાક નવનાતના સક્રિય કાર્યકરો આગલી હરોળમાં જોઇ શકાય છે.
હોલમાં નવરાત્રીનું ભવ્ય ડેકોરેશન અસ્મિતાબહેન દોશીની નિગરાની હેઠળ થયું હતું. ૨૦ ઓક્ટોબરે દશેરા, ૨૩ ઓક્ટોબરે ડીસ્કો દાંડિયા, ૨૪ ઓક્ટોબરે શરદ પૂનમના ગરબા ..આ લાંબા પર્વનો ઉત્સાહ અનેરો હોય છે. પરંપરાગત સુંદર ડ્રેસ અપ કરી રોજ-રોજ ભક્તિ સાથે ગરબે ઘૂમવાની, રાસે રમવાની અને રમઝણીયું ખેલવાની મજાની ઊર્જા દિવ્ય હોય છે. આ ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો પોતાનું અનુદાન આપી સફળતા બક્ષે છે. એના પ્રમુખ શ્રી જશવંત દોશીની સતત ચાલતા કાર્યક્રમોમાં સક્રિયતા માન ઉપજાવે તેવી છે. ધન્ય છે સૌ નિષ્ઠાવાન કાર્યકરોને!

