બ્રિટનના રક્ષણાર્થે યુદ્ધ માટે સજ્જ રહેવાની હાકલ

Wednesday 21st October 2026 06:14 EDT
 

યુરોપમાં મોંઘવારી, જીવનનિર્વાહ, શિક્ષણ, રહેણાંક સહિતની સમસ્યાઓ સંદર્ભે આંદોલનો થઈ રહ્યા છે ત્યારે બ્રિટિશ સૈનિકોએ દેશના રક્ષણાર્થે યુદ્ધ અને બલિદાન આપવા માટે સજ્જ થઈ જવું જોઈએની હાકલ દેશના લશ્કરી વડા જનરલ સર રોય વોકર દ્વારા કરવામાં આવી છે. આ વાત તેમણે કોઈ સામાન્ય પ્રવચનમાં કરી નથી, પરંતુ નોર્થ યોર્કશાયરની કેટરિક ગેરિસન સમક્ષ 700 સૈનિકો સમક્ષ કરી છે તે પરિસ્થિતિની ગંભીરતા સૂચવે છે. તેમણે તો એટલે સુધી કહેવું પડ્યું છે કે રાજકારણી નેતાઓ પણ ટુંક સમયમાં બ્રિટન સામેનાં જોખમો અને દેશના રક્ષણ માટે નાગરિકોએ શું કરવું જોઈશે તેની નિખાલસ વાતો કરતા જોવા મળશે. આ સજ્જતાની વાત કદાચ એટલા માટે થઈ હશે કે સરકાર સંરક્ષણ મુદ્દે રાષ્ટ્રીય વાતચીત આરંભશે તેનું વચન આપ્યા પછી જાણે ભૂલી જ ગઈ છે. પ્રજાએ પૂર અને દુકાળથી માંડી સશસ્ત્ર સંઘર્ષના કટોકટીપૂર્ણ સંજોગોમાં તૈયાર રહેવા વિશે કેમ્પેઈન પણ કરાવાની હતી, જે હજુ શરૂ થઈ નથી. રશિયા દ્વારા નાટો દેશ પર હુમલો થઈ શકે તેવી ચિંતા વધી રહી છે ત્યારે ચીફ ઓફ જનરલ સ્ટાફે અગાઉ પણ ચેતવણી આપી છે કે 2027નું વર્ષ બ્રિટન માટે સજ્જતા કેળવવાનું મહત્ત્વનું વર્ષ બની રહેશે. આવી જ ચેતવણી MI5ના વડા કેન મેક્લુમે વાર્ષિક સંબોધનમાં આપી છે. તેમણે બ્રિટન સામે ત્રાસવાદ, રશિયા અને ઈરાન દ્વારા હુમલાઓ, સાઈબર સિક્યુરિટી તેમજ દેશના સમુદાયોને વિભાજિત કરવાના શૈતાની પ્રયાસો સહિત અનેક ધમકીઓનું જોખમ હોવાની ચેતવણી ઉચ્ચારી છે. ત્રાસવાદ, આંતરિક વિભાજનની સમસ્યાઓમાં રશિયા તરફથી જોખમનો મુદ્દો આંખે ઉડીને વળગે તેવો છે. તાજેતરમાં પ્રાઈમ મિનિસ્ટર એન્ડી બર્નહામે પણ બ્રેક્ઝિટ વોટમાં રશિયાની દખલગીરી હોવાં વિશે જણાવ્યું હતું. એમ પણ મનાય છે કે રશિયાએ બ્રિટિશ ચૂંટણીઓમાં દખલગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અત્યારે ભલે રશિયા યુક્રેન સાથે યુદ્ધમાં ફસાયેલું છે, પરંતુ બ્રિટનને અવારનવાર હુમલાની ધમકીઓ આપતા અચકાતું નથી. દાયકાઓથી બ્રિટનમાં દખલગીરી કરતા રશિયાની સાથે હવે ઈરાન પણ જોડાયું છે તેને અવગણી શકાય નહિ. યુદ્ધ તત્કાળ થવાનું ન હોય તો પણ તેની તૈયારીઓ વિશે ગાફેલ રહેવું ન જોઈએ તેવો સૂર લશ્કરી વડા તેમજ સ્પાયમાસ્ટરના કથનોમાં સ્પષ્ટ થાય છે. લશ્કરી અધિકારીઓ પણ તત્કાળ હુમલાની ચેતવણી આપી રહ્યા નથી, પરંતુ RAF ના વોડિંગ્ટન, બ્રિઝે નોર્ટન, બેન્સન, ઓડિહાન, કોનિંગ્સબી, મરહામ અને લોસીમાઉથના સાત મુખ્ય ઓપરેટિંગ થાણાઓ પર રશિયા જેવા દુશ્મનો પ્રાથિમિક હુમલાઓ કરી શકે તેવી શક્યતા દર્શાવી છે ત્યારે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 10 બિલિયન પાઉન્ડના ખર્ચે ઉભી કરાનારી આયર્ન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ યુકેનું રક્ષણ કરવા માટે અપૂરતી રહેશે. RAFના ચાવીરૂપ થાણાં, રોયલ નેવીનું ન્યુક્લીયર સબમરિન હબ અને પાવર સ્ટેશનોને દુશ્મનોના મિસાઈલ હુમલાઓનું સૌથી વધુ જોખમ છે.


comments powered by Disqus