નવરાત્રિ દરમિયાન બ્રિટનભરના શહેરો નગરોમાં મા જગદંબાની આરાધના સાથે મા'ના ગુણલા ગાતા ગરબા-રાસ યોજાઇ રહ્યા છે. એમાંય વેમ્બલી એટલે ગુજરાતીઓ, સનાતનધર્મીઓનો ગઢ. અહીં નવરાત્રિના નવ રાતોમાં લગભગ દરેક સમાજના હોલ, સ્કુલોના હોલ અને મંદિરોમાં મા જગદંબાના ગરબાનું આયોજન થાય છે જેમાં ઢોલ સંગીતના તાલે હજારો ખેલૈયા મોડી રાત સુધી ગરબે ઘૂમે છે.
વેમ્બલીમાં 'કલાની સેવા' દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી યોજાતા નવરાત્રિ મહોત્સવમાં ગુજરાતની સંસ્કૃતિ, લોકકલા અને આસ્થાનો અનેરો મહિમા નિહાળવા મળ્યો. ગયા શુક્રવારે (૧૬ ઓકટોબેર) ઓકીંગ્ટન મેનોર સ્કૂલના વિશાળ હોલમાં ૮૫૦થી વધુ ખેલૈયાઓ રંગબેરંગી પરિધાનમાં સજ્જ થઇ ગરબે ઘૂમવા ઉમટ્યા હતા. એ દિવસે 'કલાની સેવા' દ્વારા પરંપરાગત બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એકશન માટે જુદી જુદી એઇઝ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. જગદંબાની આરાધના કરતા ગરબાની સૂરાવલીના તાલે ઘૂમતા ખેલૈયાઓએ વાતાવરણને ભક્તિસભર, શ્રધ્ધામય બનાવી દીધું હતું.
“કલાની સેવા' નવરાત્રિ મહોત્સવના આયોજક અને શક્તિ ઉપાસક શીના પોપટ, લતાબહેન પોપટ તથા જયંતિભાઇ પોપટ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી ઓકીંગ્ટન મેનોર સ્કૂલના સ્પર્ટસ હોલમાં યોજાતા પરંપરાગત નવરાત્રિ મહોત્સવમાં બોલીવુડના ફિલ્મી ગીતો કે મોર્ડન સંગીતના સૂરોના તાલે માતાજીના ગરબા ગવાતા નથી, અહીં માત્ર મા આદ્યશક્તિના પ્રાચીન ગરબાના સૂર અને ઢોલના ઢમકારે ખેલૈયા ઉત્સાહથી અને શ્રધ્ધાભેર ગરબા રમે છે.
શુક્રવારે યોજાયેલ સ્પર્ધામાં બેસ્ટ વસ્ત્રપરિધાન, પરંપરાગત અલંકાર અને લઢણ (એકશન)થી ગરબા ખેલનારા વિજેતાઓને ટ્રોફી અને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે હેરોના મયેર કાઉન્સિલર શ્રી યોગેશભાઇ તેલી અને બ્રેન્ટના મેયર શ્રી અમેર આગાના વરદ હસ્તે સૌ વિજેતાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
‘કલાની સેવા' દ્વારા તા.૨૪ ઓકટોબર, શનિવારે સાંજે ૮.૦૦ વાગ્યાથી ગરબા-દાંડિયા રાસની રમઝટ યોજવામાં આવી છે. શરદ પૂનમની અજવાળી રાતે રંગબેરંગી લાઇટોની સજાવટ સાથે રાધાકૃષ્ણભક્તિને રજૂ કરતા રાસની રમઝટ માણવા 'કલાની સેવા' નવરાત્રિ મહોત્સવનો લાભ લેવા સમયસર જરૂર પહોંચી ટિકિટ ખરીદી લેજો. આ લોકસંસ્કૃતિ સભર મહોત્સવને યુ.કે. તથા દુબઇ સ્થિત ફાયનાન્સિયલ સર્વિસીસ "લૂનારો" (Lunaro) કંપની દ્વારા ડિજીટલ કેમ્પેઇન દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે.

