આસો સુદની અજવાળી રાતે કુમકુમના પગલે આદ્યશક્તિ મા જગદંબા અવની પર ગરબે રમવા ઉતરે છે. આ નવ દિવસના પાવન પર્વે શક્તિ ઉપાસકો મા જગદંબાની આરાધના-અર્ચના અને પૂજન-હવન સાથે "યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમોનમ: ”ના મંત્રોચ્ચાર સાથે મા જગદંબાની આરાધના કરે છે. આપણે પૃથ્વી પરના જીવાત્માઓને મા જગતજનની આખા વર્ષની રાત્રિ સુવડાવે છે, પણ આસોની નવરાત્રિનું પર્વ રિચાર્જ થવાનું પર્વ છે,, ચેતનાને જાગૃત કરવાનું છે. નવરાત્રિનું પર્વ જાગવાનું, જગાડવાનું પર્વ છે. મા જગદંબા કહે છે મોહમાયામાં સૂતેલા તમે જાગો અને મારી સાથે સંધાણ કરો.
નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા ચંડીપાઠ અને ચંડીયજ્ઞનું મહત્વ અનેરું છે. મહારાષ્ટ્રના સપ્તશૃંગી પર્વત ઉપર બેસીને માર્કંન્ડ મુનિએ માર્કંન્ડ પુરાણ અને સપ્તશતીની રચના કરી હતી. દુર્ગા સપ્તશતીનો પ્રત્યેક શ્લોક, પ્રત્યેક અક્ષર મંત્ર છે. નવરાત્રિ દરમિયાન મહા અષ્ટમી એટલે કે આઠમના દિવસે મા જગદંબાના ઉપાસકો, ભક્તો નવચંડી મહાયજ્ઞનું આયોજન કરી મા ભગવતીની કૃપા મેળવે છે.
ગયા સપ્તાહે મહાઅષ્ટમીના પાવન પર્વે અમને નવચંડી યજ્ઞમાં મા ભગવતીનું આહવાન કરતા દુર્ગા સપ્તશતી, દેવી સુક્તમના પાઠ અને શક્રાદય સ્તુતિ સાથે હોમ કરવાનો લહાવો સાંપડ્યો. સરેના કલેગેટ રહેતા ગર્ભશ્રીમંત શ્રી કિરીટભાઇ રામભાઇ પટેલ તથા સુલોચનાબહેન કિરીટભાઇ પટેલ પરિવાર યોજિત નવચંડી મહાયજ્ઞમાં આદ્યશક્તિમયી થવાનો અદભૂત અવસર સાંપડ્યો. છેલ્લા ૨૬ વર્ષથી નવરાત્રિની મહાઅષ્ટમીના દિવસે કિરીટભાઇ તથા સુલોચનાબહેન નવ દિવસના ઉપવાસ, પૂજા-આરાધના કરીને નવચંડી યજ્ઞનું આયોજન કરે છે. એમના ઘરના વિશાળ પ્રાંગણમાં મંડપ બાંધીને ૧૦૮ કાચી ઇંટોનો વિશાળ યજ્ઞ કુંડ સજાવી સવારથી સાયંકાળ સુધી યજ્ઞકુંડમાં સંસ્કૃતના વિશારદ પંડિતો શાસ્ત્રોક્ત વિધિથી આદ્યશક્તિના સતત બીજમંત્રોના શુધ્ધ ઉચ્ચારણ સાથે હોમ-હવન કરાવે છે.
શનિવારે ૧૭ ઓકટોબરના રોજ મહાઅષ્ટમીએ યોજાયેલ આ નવચંડી મહાયજ્ઞનું શસ્ત્રોક્ત વિધીથી પૂજન અને હોમાત્મક વિધી કરાવનાર વેમ્બલી સ્થિત જાણીતા સંસ્કૃત વિશારદ નિત્યાનંદાજી (નિતેશભાઇ મહેતા)ના નેતૃત્વ હેઠળ શાસ્ત્રીજી સાગરજી, શાસ્ત્રીજી મયંકજી, શાસ્ત્રીજી યોગેશજી (સીતારામ), શાસ્ત્રીજી વિજયજી, શાસ્ત્રીજી યશજી, શાસ્ત્રીજી પાર્થજી, શાસ્ત્રીજી ધર્મેશજી તથા શાસ્ત્રીજી ધર્મેશજીએ વેદોક્ત વિધીથી શ્લોકોચ્ચાર કરીને ઢોલ, થાળી ને મંઝીરાના નાદ સાથે નવચંડી સંપન્ન કરાવ્યો ત્યારે વાતાવરણ ખૂબ ભક્તિસભર બન્યું હતું.
લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં ઓક્સફર્ડ સ્ટ્રીટ અને માર્બલઆર્ચ ખાતે ડબલ ટ્રી હિલ્ટન હોટેલ અને કેન્ટમાં વિશાળ હોટેલના માલિક અને ડાયરેકટર શ્રી કિરીટભાઇ રામભાઇ પટેલ, એમનાં ધર્મપત્ની સુલોચનાબહેન પટેલ, દિકરો જીજ્ઞેશભાઇ, દિકરીઓ પુનિતા તથા સુનીરા મા જગદંબાના પરમ ઉપાસક છે. કિરીટભાઇ કલેગેટના વૈભવી વિસ્તારમાં રહે છે જ્યાં મોટેભાગે બુધ્ધિજીવી પૈસાપાત્ર અંગ્રેજ લોકો વસે છે. તેમ છતાં કિરીટભાઇ નવચંડીના આયોજન માટે એમના પ્રાંગણમાં વિશાળ શમિયાણો બાંધીને સૌ આમંત્રિત દર્શનાર્થીઓની હાજરીમાં ચંડીપાઠ અને દેવીસ્તોત્રમના શ્લોકોચ્ચાર સાથે શક્રાદય સ્તુતિ સાથે હોમહવન કરી મા જગદંબાનું આહવાન કરે છે પરંતુ સ્થાનિક લોકોએ કયારેય વિરોધ કર્યો નથી.
ગયા શનિવારે ૧૧x ૧૧ ફૂટનો વિશાળ યજ્ઞ કુંડ તૈયાર કરનાર શાસ્ત્રીજી નિત્યાનંદાજીએ અમને આ ત્રણ સ્ટેપ ધરાવતા કુંડ વિશે માહિતી આપતાં જણાવ્યું કે, “આ ત્રણ પરીધ (સ્ટેપ) ઉપર સફેદ એટલે મા સરસ્વતી, બીજો લાલ અથવા પીળો એટલે મહાલક્ષ્મી અને ત્રીજો કાળો અથવા ડાર્ક બ્લુ એટલે મહાકાલી. એ પછી ચાર દિશામાં ચાર વેદોની સ્થાપન થાય. બ્રહ્માનું સ્થાપન થાય એમની હાજરીમાં અગ્નિનું સ્થાપન થાય. ઢોલ, મંજીરાના અને થાળીના નાદ સાથે શક્રાદય સ્તુતિ થાય એ પછી નાળીયેર હોમાય.”
“નવચંડી યજ્ઞ એ શાક્ત પરંપરામાં પૂજાના સૌથી ગહન અને સંપૂર્ણ સ્વરૂપોમાંનું એક છે જે દેવી દુર્ગાના નવ દૈવી અભિવ્યક્તિઓનું સન્માન કરે છે જેને આપણે નવદુર્ગા તરીકે ઓળખીએ છીએ. નવચંડી યજ્ઞના કેન્દ્રમાં દુર્ગા સપ્તશતી છે, જે ૭૦૦ શ્લોકોનો પવિત્ર ગ્રંથ છે, જે અંધકારના વાદળો પર દેવીના વિજયનું વર્ણન કરે છે. આ શ્લોકો નવચંડી દરમિયાન સતત જપવામાં આવે છે જે વાતાવરણમાં શક્તિશાળી સ્પંદન સાથે વાતાવરણમાં સકારાત્મકતા ઉત્પન્ન કરે છે.”
કિરીટભાઇ કહે છે કે, “કેન્યા-નૈરોબી હતો ત્યારથી હું માતાજીનો પરમ ઉપાસક રહ્યો છું. મારી સાથે કદમ મિલાવી ચાલનાર મારી અર્ધાંગિની સુલોચના પણ જગદંબાની ખૂબ ભક્તિ કરે છે. કેન્યામાં નાના બીઝનેસથી મારી કેરિયર શરૂ થઇ હતી આજે મા જગદંબાની અસીમ કૃપાથી મારી સાચી નીતિ અને મહેેનતનું ફળ મળ્યું છે સાથે મને દિકરા-દિકરીઓનો સુખી વિશાળ પરિવાર આપ્યો છે.” કિરીટભાઇ અને સુલોચનાબહેન સાથે એમના દિકરા જીજ્ઞેશભાઇ, પૌત્ર આર્યન, દિકરી પુનિતા, જમાઇ શમિક, પૌત્રી-પૌત્ર ત્રિષ્ના અને આર્યન, રિયાના,મિહિર,અમર, દિકરી સુનીરા તથા જમાઇ ઉમંગ, પૌત્ર વીર અને પૌત્રી વિયાના સહિત સમગ્ર પરિવાર નવચંડીના હવનમાં ભક્તિભાવથી જોડાય છે.
નિત્યાનંદજીએ જણાવ્યું કે, “કિરીટભાઇ તથા સુલોચનાબહેનનો પરિવાર ખૂબ ભક્તિસભર અને મા જગદંબાના પરમ ઉપાસક છે. શનિવારે મહાઅષ્ટમીએ ભોળાનાથ શિવજીની હાજરીમાં પંડિતો શક્રાદય સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે કિરીટભાઇ તથા સુલોચનાબહેનના હસ્તે ચૂંદડી (જરીબોર્ડરની સાડી) અને તાજા પુષ્પનો હાર યજ્ઞમાં અર્પણ કરાયો ત્યારે મા જગદંબાએ યજ્ઞકુંડમાં સાક્ષાત હાજર રહીને ચૂંદડી અને હાર સ્વીકાર્યો હોય એવો યજ્ઞજવાલામાં દર્શન થતાં સૌએ દીઠાં. ન ભૂતો, ન ભવિષ્યતિ, અર્થાત આવો નવચંડી કોઇ દિવસ થયો નથી અને કદાચ ભવિષ્યમાં થઇ ના શકે, કારણ કે મા જગદંબાની અસીમ કૃપા અને એમના સાક્ષાત્કાર વચ્ચે આ નવચંડી સંપન્ન થયો છે.”
દુર્ગાસપ્તશતીના શ્લોકો અને સૂર સંગીતના નાદ સાથે ભક્તિસભર બનેલા વાતાવરણથી ભાવવિભોર બનેલા ગુજરાત સમાચાર"ના તંત્રીશ્રી સી.બી પટેલે જણાવ્યું કે, ‘આજે મારા સંન્યાસી પિતાજીની યાદ તાજી થઇ. તેઓએ વર્ષો પૂર્વે ભાદરણમાં શિવ મહારૂદ્ર યજ્ઞ કરેલો ત્યારે આવું વાતાવરણ બની જતું, તેઓ નવરાત્રિમાં જગદંબાનું અનુષ્ઠાન પણ કરતા અને નવચંડી યજ્ઞ કરતા એ સમય યાદ આવ્યો. ખરેખર આજે કિરીટભાઇને ત્યાં ગજબનું સકારાત્મક વાતાવરણ સર્જાયું, સૌ શિવશક્તિમય બની તલ્લીન થઇ ગયા, ધન્ય છે આ પટેલ દિકરાને….” નવચંડી યજ્ઞ સંપન્ન થયા પછી કિરીટભાઇ તથા સુલોચનાબહેન સૌ આમંત્રિતોને ભાવથી જમાડે છે સાથે કેન્યાના વિવિધ નાસ્તા સાથે મોંઘી લ્હાણીની ભેટ આપે છે.
KR તરીકે જાણીતા મૂળ બાકરોલના વતની કિરીટભાઇ પટેલનું વેમ્બલી સ્થિત સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ)માં નોંધપાત્ર અનુદાન રહ્યું છે. વેમ્બલી પાર્ક, ફોર્ટી એવન્યુ ઉપર પાટીદાર સેન્ટરનો ભવ્ય “મોસ્ટીન” હોલ એ કિરીટભાઇ પટેલની ઉદાર સખાવતથી સમાજને મળેલી યશસ્વી ભેટ છે. કિરીટભાઇએ ગુજરાતના નડિયાદ નજીક ચાંગા ખાતે ચારૂસત ઇન્સ્ટીટયૂટને અને હાર્ટ હોસ્પિટલને કરોડો રૂપિયાની સખાવત કરી છે.

