હિમાલય સમર્પણ મેડીટેશન સેન્ટર યુ.કે.ની મુલાકાત - ‘હું શુધ્ધાત્મા છું’ના ભાવ સહિતનું ધ્યાન ચૈતન્ય પ્રગટાવનારૂં...

-જ્યોત્સના શાહ Wednesday 21st October 2026 07:15 EDT
 
 

નોટીંગહામ સ્ટેશનથી નજીક લોંગ એકર, મેલ્ટોન, મોબ્રે, LE14 3QG ખાતે સમર્પણ યોગા સેન્ટર ફોર મેડીટેશન અને રીટ્રીટ એક વિશાળ જમીનના પ્લોટમાં પથરાયેલ છે. રવિવાર તા.૧૧ ઓક્ટોબર’૨૬ના રોજ એની મુલાકાત લેવાનો મોકો આ સેન્ટર માટે સમર્પિત દંપતિ ગ્લોબલ ટ્રાવેલના શ્રી પારસ (મેનજીંગ ટ્રસ્ટી)અને જીનાલી મૈશેરીના આગ્રહથી મળ્યો. આ મેડીટેશનની સેવાનો પ્રારંભ યુ.કે.માં ઇ.સ. ૨૦૦૦થી થયો છે. ૨૦૧૬માં ટ્રસ્ટે ધ્યાનશાલી/આશ્રમ માટે જમીન ખરીદી. ૨૦૨૫માં જાહેર જનતા માટે ગુરૂશક્તિ ધામ મેડીટેશન હોલ ખુલ્લો મૂકાયો. લંડનથી કારમાં લગભગ બે કલાકના ડ્રાઇવ કર્યા બાદ આ સેન્ટરે હું અને જીનાલીબહેન પહોંચ્યાં. રસ્તામાં સમર્પણ મેડીટેશનમાં જીનાલીબહેનને જાગેલ રસ, એનાથી થતા ફાયદા અને જાત અનુભવની અવનવી વાતો કરી એ વિષે જાણકારી મેળવી. મૂળ કચ્છના વતની દસા ઓસવાલ આ પરિવારે મેડીટેશનને પોતાના જીવનનો હિસ્સો બનાવી દીધો છે. વ્યસ્ત જીવનમાં બે યંગ બાળકોના આ પરિવારની સવાર અડધો કલાકના મેડીટેશનથી થાય છે જે એમના જીવનને સુખ - શાંતિ -સમતુલા બક્ષે છે.
સેન્ટરમાં ત્રણ બેડરૂમનું એક મકાન છે. જેનો એક રૂમ હિમાલય સમર્પણ મેડીટેશનના પ્રણેતા સદ્ગુરૂ શ્રી શિવાનંદ સ્વામિની તસવીર સામે બેસી સાધકો દશેક મિનિટનું પ્રાઇમરી મેડીટેશન કરી શકે છે. એક નાના રૂમમાં લાયબ્રેરી છે જ્યાં મેડીટેશનને લગતા પુસ્તકો, શ્રી શીવકૃપાનંદ સ્વામિજીની સ્પીરીચ્યુઅલ જર્નીની આત્મકથા તથા મેગેઝીનો છે. જે વાચન અને આદ્યાત્મિક વિકાસમાં સાધકને મદદરુપ થાય છે. પાછળના ભાગમાં ૪૦૦૦ ચો.ફૂટનો મેડીટેશન હોલ લગભગ છે એની મુલાકાત લીધી. એ જ સમયે જૈન સમાજ યુરોપ, જૈન નેટવર્ક અને વણિક કાઉન્સિલમાં સેવા સાદર કરતા વિજયભાઇ શેઠ એમના મિત્ર ભરતભાઇ આવ્યા જે પણ અમારી સાથે જોડાયાં. ગુરૂ શક્તિ ધામમાં શાંત અને નેચર સાથે મૈત્રી કરાવે તેવું પવિત્ર હકારાત્મક વાતાવરણ છે. એ વિશાળ હોલની ઊંચાઇ ધરાવતી છત પર પિરામિડ આકારની ગ્લાસની વિન્ડોમાંથી (યુનિવર્સલ એનર્જી ફ્લો) સૂર્ય પ્રકાશના કિરણોનો ઊર્જા સ્ત્રોત વહે છે. જેની નીચે એક સ્ટેપીંગ સિંહાસન
બનાવી એના પર સ્વામિજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ પ્રતિમાજી બિરાજમાન છે.
હોલમાં બેસી અડધો કલાક આંખો બંધ કરી “હું શુધ્ધાત્મા છું, હું પવિત્ર આત્મા છું..’ના રટણથી દુન્યવી બંધનોથી પર જઇ આત્મા સાથેના સંધાનની પ્રક્રિયામાં ક્રમશ: સાધક વિકાસ સાધે છે. એનો પણ અમે અુનભવ કર્યો.
આ હોલમાં સાધક નિ:શુલ્ક કોઇપણ જાતના ધર્મ, વર્ણ કે જાતિના ભેદભાવ વિના સાધના કરી સ્વ-ઓળખ, શાંતિ અને આદ્યાત્મિક દિશામાં પ્રગતિ કરી શકે છે. સોમવારથી રવિવાર દરરોજ સવારના ૯ થી ૧૨ અને બપોરના ૩ થી ૬ મેડીટેશન માટે સેન્ટર ખુલ્લું રહે છે. વધુ વિગત માટે સંપર્ક નંબર: +44 7404 255 432. આ મેડીટેશન સેન્ટરના યુ.કે.માં અનેક વિસ્તારોમાં કેટલાક સેન્ટરો છે. એ સિવાય વિશ્વના ૭૨ દેશોમાં એના સેન્ટરોનો વ્યાપ છે.
વધુ વિગત અને એની પ્રવૃત્તિઓ માટે એની વેબસાઇટની વીઝીટ કરો: www.SAMRPANMEDITATIONUK.ORG


comments powered by Disqus