GHS પ્રેસ્ટનના ‘ભજન ભોજન પ્રોગ્રામ’ ઈનિશિયેટિવની સતત આગેકૂચ

Wednesday 22nd April 2026 06:55 EDT
 
 

પ્રેસ્ટનઃ ઈશ્વરને સમર્પિત ભક્તપૂર્ણ ભજનો ગાવા સાથે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાવા બાળકો અને યુવાનોને પ્રેરિત કરવાના હેતુસર GHS પ્રેસ્ટનની પહેલ ‘ભજન ભોજન પ્રોગ્રામ’ સતત આગળ વધી રહ્યો છે.
કોમ્યુનિટીના વિદ્વાન, સમર્પિત અને નિષ્ઠાવાન નેતાઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આપણી આસ્થાના મુલ્યો અને ઉપદેશોને શીખવા, સમજવા અને કદર કરવાની તક આપવામાં આવે છે. યુવા પાર્ટિસિપેન્ટ્સને ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભક્તિગીતો ગાતા જોવા અને સાંભળવાનું ઘણું સારું લાગે છે. આ પ્રોગ્રામ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સમજને ગાઢ બનાવવાની સાથે આત્મવિશ્વાસને વધારવામાં મદદ કરતો હોવાથી પેરન્ટ્સને તેમના બાળકોને સાથે લાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ચંદ્રકાન્ત લિંબાચિયા અને પરિવાર દ્વારા સ્પોન્સર કરાયેલો આ મહિનાનો ‘ભજન ભોજન પ્રોગ્રામ’ 19 એપ્રિલે યોજાયો હતો. આ ઈવેન્ટમાં ભારે રસ જોવા મળ્યો હતો અને 80થી વધુ બાળકો તેમના પેરન્ટ્સની સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેન્ટ્સની સંખ્યા આશરે 250 જેટલી હતી.
પ્રેસિડેન્ટ દશરથભાઈએ આ માસિક મેળાવડામાં હાજરી આપવાની પ્રતિબદ્ધતા દાખવવા બદલ બાળકો અને તેમના પેરન્ટ્સને બિરદાવ્યા હતા. બાળકોને માર્ગદર્શન આપવાના સતત સપોર્ટ માટે તરલિકાબહેન અને તેમની ટીમની પણ તેમણે પ્રશંસા કરી હતી. સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવા માટે મહિલાઓની રાંધણ ટીમને તેમજ ઈવેન્ટના સરળ સંચાલનમાં મદદ માટે વોલન્ટીઅર્સને તેમણે ખાસ બિરદાવ્યા હતા.
40મા વર્ષમાં પ્રવેશેલો ‘ભજન ભોજન પ્રોગ્રામ’ જોરશોરથી આગળ વધી રહ્યો છે. નાની વયથી જ બાળકોમાં આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક ઓળખ કેળવવાની બાબત આ પ્રોગ્રામના કેન્દ્રમાં રહી છે. આ અભૂતપૂર્વ માસિક મેળાવડામાં હાજરી આપવાનો સંન્નિષ્ઠ પ્રયાસ કરવા તમામ પેરન્ટ્સને પ્રોત્સાહિત કરવામાં આવે છે.


comments powered by Disqus