લંડનઃ નેશનલ કાઉન્સિલ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO) યુકે દ્વારા હેરોના સંગત સેન્ટરમાં રવિવાર 19 એપ્રિલે અદભૂત અને યાદગાર મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય બોલીવૂડ ગાયકો મહેશભાઈ ગઢવી અને નીતુબહેન ગઢવી કેન્દ્રમાં હતાં.
પ્રેસિડેન્ટ વિમલજીભાઈ, વાઈસ પ્રેસિડેન્ટ જીતુભાઈ પટેલ, કાંતિભાઈ નાગડા MBE, કલ્ચર સેક્રેટરી ધીરુભાઈ ગઢવી અને સીબી પટેલ સહિત NCGOની સમર્પિત ડીમ દ્વારા આયોજિત આ પ્રોગ્રામને ભારે સફળતા હાંસલ થઈ હતી. કાર્યક્રમની તારીખના ત્રણ સપ્તાહ પહેલા જ ટિકિટો વેચાઈ ગઈ હતી. ૧૦૦થી વધુ લોકો હાજરી સાથે હોલ હાઉસ-ફુલ હતો, જે કલાકારોની લોકપ્રિયતા દર્શાવે છે.
મહેમાનો 12:30 PMઅને 1:00 PMસુધી આવી ગયા હતા અને પ્રોગ્રામ પહેલા સબરસ દ્વારા પૂરા પડાયેલા ભોજનનો રસાસ્વાદ સહુએ માણ્યો હતો. ધીરુભાઈ ગઢવીએ તેમની આગવી શૈલીમાં મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પછી, પ્રમુખ વિમલજીભાઈએ સંબોધનમાં સખત મહેનત બદલ તમામ કમિટી સભ્યોનો આભાર માનવા સાથે કલાકારોનું સ્વાગત કર્યું હતું. આ પછી, કમિટી સભ્યો સાથે ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો. મ્યુઝિકલ કાર્યક્રમનો આરંભ બપોરના 2.00 વાગ્યે થયો હતો. મહેશભાઈ ગઢવીએ રાગ યમનમાં ગીતની શરૂઆત સાથે જ ઓડિયન્સને મંત્રમુગ્દ કરી લીધું હતું. બ્રાઈટન અને ક્રોલી સહિત તમામ જગ્યાએથી લોકો આવ્યા હતા. બ્રાઈટનનું ગ્રુપ ગુજરાતી કલ્ચરલ સોસાયટી દ્વારા આયોજિત મિની કોચમાં આવ્યું હતું. નીતુબહેન અને મહેશભાઈએ તેમના અંગત પ્રસંગોના સંસ્મરણો તાજા કરી મોહમ્મદ રફી, મુકેશ, કિશોર કુમાર, લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા મહાન ભારતીય કલાકારોના ગીતો ગાઈને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. નીતુબહેન ગઢવી દ્વારા ‘આજા સનમ મધુર ચાંદની મેં હમ’ની રજૂઆતે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મહેશભાઈ ગઢવીએ દિલને સ્પર્શી લેનારા ‘હોઠોં સે છૂ લો તુમ’ અને ‘બહારો ફૂલ બરસાઓ’ ગીતો ગાઈને વાતાવરણને સંગીતમય બનાવી
દીધું હતું.
થોડા વિરામ દરમિયાન, ધીરુભાઈ ગઢવીએ મહેશભાઈ ગઢવી અને નીતુબહેન ગઢવીને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ વતી ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ- એ ટાઈમલેસ ટ્રેઝર’ સોવેનિયર અર્પણ કર્યો હતો. અર્પણવિધિમાં પ્રેસિડેન્ટ વિમલજીભાઈ અને સીબી પટેલ પણ જોડાયા હતા. આ પુસ્તકની કિંમત 25 પાઉન્ડ છે, પરંતુ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિને તે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સીબી પટેલે તેમની આગવી શૈલીમાં સંબોધન કરી કાર્યક્રમની સફળતા અંગે ખુશી વ્યક્ત કરી હતી.
આ એક ચેરિટી કાર્યક્રમ હોવાથી મહેશભાઈ ગઢવી અને નીતુબહેન ગઢવીએ કોઈપણ ફી લીધા વિના નિઃશુલ્ક પરફોર્મન્સ આપ્યું હતું. જે તેમની ઉદારતા અને કલાકાર તરીકે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કાર્યક્રમને આગળ વધારતા નીતુબહેને ‘ગલી મેં આજ ચાંદ નિકલા’ ગાઈને ફરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મહેશભાઈએ ફરમાઈશ પર ‘ઓ સાથી રે’ની રજૂઆત કરી હતી જેનાથી લાગણીશીલ વાતાવરણ સર્જાયું હતું. ક્લાસિક અને સમકાલીન ગીતોના સંમિશ્રણને સહુએ આનંદસહ માણ્યા હતા. કાર્યક્રમના સમાપને કાંતિભાઈ નાગડા MBE એ NCGO વતી સહુનો આભાર માન્યો હતો તેમજ કાર્યક્રમની સફળતા માટે પ્રમુખ વિમલજીભાઈ અને ધીરુભાઈ ગઢવીના પ્રયાસોનો વિશેષ આભાર માન્યો હતો. જયરાજભાઈ અને ઉપપ્રમુખ જીતુભાઈ પટેલે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સીબી પટેલે બ્રાઈટન અને ક્રોલીના ગ્રૂપ અને ડો. શાહનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પોતાના સમૃદ્ધ સંગીત વારસા માટે પ્રસિદ્ધ અને લંડનમાં ભારે લોકપ્રિયતા ધરાવતા મહેશભાઈ અને નીતુબહેન ગઢવીએ ફરી એક વખત તેમના સમૃદ્ધ કલા અને ઓડિયન્સ સાથે સંબંધને તાજો કર્યો હતો. સંગીતમય સંધ્યાની સમાપ્તિએ હાજર લોકોએ ટુંક સમયમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજવા NCGOને વિનંતી કરી હતી. NCGO પણ આવો કાર્યક્રમ યોજવાનું આયોજન કરી રહ્યું છે.

