(ગતાંકથી ચાલુ)
વારાણસી તીર્થ સ્થાન સાથે સંકળાયેલ અનેક દંતકથાઓનો ઇતિહાસ આપણે જાણ્યો.
હવે હું આપનો અમારો અનુભવ કહીશ. ભરચક વસ્તીવાળા
આ શહેરની નાની નાની ગલીઓમાંથી પસાર થવું એ એક કસોટી સમું લાગે.
અમુક એરિયામાં રીક્ષામાં જ જઇ શકાય. કાર ના જઇ શકે. અને રીક્ષા પણ જ્યાં ના જઇ શકે ત્યાં ચાલતા જવા તૈયાર રહેવું પડે. ગલીઓમાં જવાનો રસ્તો ય લાંબો છે.
મંદિરની બહાર પૂજાનો સામાન, ફુલ - હાર - પ્રસાદની થાળી વેચવાની પડાપડી થતી હોય. મંદિરમાં જવાની લાંબી કતાર લાગી હોય. જો કે વયોવૃધ્ધો કે અપંગો માટેની ખાસ અલગ વ્યવસ્થા છે. સુગમ દર્શન આધારિત ટિકિટ બારીઓ પણ હોય છે. ખિસ્સામાં હાથ નાંખીએ તો દર્શન સુલભ થાય.
અમને નસીબજોગે ત્યાં ફરજ બજાવતા એક ઇન્સ્પેક્ટર મળી ગયા હતા જેમના થકી વી.આઇ.પી. દર્શન થયા અને શીવલિંગની પૂજા તેમજ સ્પર્શ કરવાનું પુણ્ય કમાવા મળ્યું હતું. ગલીઓમાં અનેક મંદિરોના દર્શન પણ થયા હતા. મંદિરના પરિસરમાં પગરખાં મૂક્યા બાદ મોબાઇલ કે કોઇ ગેઝેટ હોય તો જમા કરાવી દેવાના. સાથે પેન પણ ના લઇ જઇ શકો. અંદર જતા જ “ઓમ નમ: શિવાય” અને “હર હર મહાદેવ”નો ધ્વનિ કાનોમાં ગૂંજયા કરે. ભોળાનાથ પાસે જાતજાતની માનતા પૂર્ણ કરવા ભાવિકો યાચક બની આવતા હોય.
દર્શન કર્યા બાદ વિશાળ પરિસરમાં વિસામો ખાવાની જગ્યા અને શાકાહારના ફુડ સ્ટોલ્સ છે. વાતાવરણની ઉર્જામાં હકારાત્મકતા અને સમરસતાની અનુભૂતિ થયા વિના ન રહે! મંદિરના ખૂણાએથી ખળખળ વહેતી ગંગા નદીના અને એના ઘાટના દર્શન કરી ધન્યતા અનુભવી.
જુદા જુદા ગંગાઘાટે પાછલા રસ્તે પગથિયા ચઢી જવા માટે નાની
નાની ગલીઓમાંથી પસાર થઇ જવું પડે. પગ ચાલતા ન હોય તો તકલીફ પડે.
ત્યાં બંગાળી બાબા લ્હેરી માર્શયની યાદ અપાવતું એમનું નિવાસ સ્થાન, સમાધિ સ્થળ અને મંદિર છે. ભાવિકો પ્રાર્થના કરવા ને મનની શાંતિ માટે આવતા હોય છે. એમના વંશજો ત્યાં અવાર નવાર આવી રહેતા હોય છે. ખાસ કરીને ગુરુ પૂર્ણિમાએ આવતા હોય છે. એમના સંખ્યાબંધ અનુયાયીઓમાં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં છે જે ત્યાં બેસી મેડીટેશન કરે છે. એકદમ શાંત વાતાવરણ છે. દેવીબહેનના પણ તે ગુરૂ છે એથી થોડો સમય ત્યાં પણ ગાળ્યો હતો. લંડનમાં એમના અનુયાયીઓની સંખ્યા પણ સારી એવી છે. ક્રિયા યોગનો પ્રચાર ભારત બહાર કરવામાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. એ સમાધિ સ્થળે જવાનો રસ્તો અટપટો અને સાઁકડી ગલીગૂચિ વાળો છે. રસ્તામાં સાડીઓની જૂની દુકાનો જોવા મળે છે. ગરીબાઇ છે પરંતુ દરેક જણ પોતપોતાની રીતે આજીવિકા મેળવી લે છે. વચમાં ફૂડ સ્ટોલ્સ પણ ઘણાં આવતા હોય છે.
પાછલા રસ્તે જૈન ઘાટ પર પણ ગયા હતા. ત્યાં ૭મા તીર્થંકર સુપાર્શ્વનાથ ભગવાનનું પૌરાણિક દેરાસર છે. ૧૯મી સદીમાં આ ઘાટ જાણીતા જૈન બેન્કર વચ્છરાજે એ બંધાવ્યો હતો. શાંત અને આધ્યાત્મિક વાતાવરણ છે. દર્શન કર્યા બાદ ઘાટ પર ઉભા રહી પવિત્ર ગંગાની લ્હેરોની શીતળતા અનુભવી હતી.
જૈનોના ચાર તીર્થંકરોની એ જન્મભૂમિ છે. સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, શ્રેયાંસનાથ અને પાર્શ્વનાથ. જૈન સાહિત્ય મુજબ ૯મી સદીમાં કાશી નરેશ અશ્વસેનનું શાસન હતું. જેઓ ભગવાન પાર્શ્વનાથના પિતા થાય. વામામાતાના એ નંદન.
વારાણસીમાં ઘણાં બધાં જૈન મંદિરો આવેલ છે. મહાવીર સ્વામિ, ચિંતામણી પાર્શ્વનાથ વગેરે મંદિરો ઉપરાંત ભેલુપુરમાં આવેલ પાર્શ્વનાથના દિગમ્બર અને શ્વેતામ્બર મંદિર વિશાળ પરિસરમાં આવેલની અમે મુલાકાત લીધી હતી. આ વિશાળ સંકુલમાં દેરાસરો ઉપરાંત જૈન ધર્મશાળા પણ છે. તીર્થંકરોના આ જન્મ સ્થળના ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલ મૂર્તિઓના અવશેષો તથા અન્ય સામગ્રી સંગ્રહાલયમાં સુરક્ષિત રખાઇ છે.
દિવસભરના રઝળપાટ બાદ સાંજે અમે અંગત બોટ ભાડે રાખી ૮૪ ગંગા ઘાટની પ્રદક્ષિણા કરી. જેમાં મુખ્ય ઘાટોમાં અહલ્યાબાઇનો ઘાટ, સ્મશાન ઘાટ (સતત શબોના અંતિમ સંસ્કાર થતા હોય), તુલસી ઘાટ (જ્યાં તુલસીદાસે રામચરિત માનસ પૂર્ણ કર્યું હતું), જૈન બચરાજ ઘાટ (એવું મનાય છે કે જૈન મહારાજા બચરાજાની માલિકીનો આ ઘાટ હતો. આ ઘાટ પર ત્રણ જૈન મંદિરો આવેલા છે. જેમાનું એક તીર્થંકર સુપાર્શ્વનાથનું છે)., મહા નિર્વાણી ઘાટ, મણીકર્ણીકા ઘાટ (સૌથી લોક પ્રિય - જ્યાં સંધ્યા આરતીએ મોટી સંખ્યામાં યાત્રિકો એકત્ર થાય છે) - એક કથા એવી છે કે, વિષ્ણુ ભગવાને એમના ચક્ર વડે વિવિધ પ્રાયશ્ચિત તપ કર્યા હતા. આ સ્થળે શિવજીના કાનની મણિકર્ણિકા બુટ્ટી પડી ગઇ હતી. એવું કહેવાય છે કે આ ઘાટ પર જેના અંતિમ સંસ્કાર થાય તેના આત્માને શિવજી પૂછે છે કે, તમે મારી બુટ્ટી જોઇ? મતલબ શિવજીનો સાક્ષત્કાર!) બીજી એવી વાયકા છે કે પાર્વતીજીએ શિવની એક બુટ્ટી આ સાઇટ પર સંતાડી દીધી હતી અને શિવજીને એ શોધવા વિશ્વ ભ્રમણ કરવું પડ્યું હતું. અસ્સી ઘાટ બહુ જાણીતો છે. કારણકે આ ઘાટને ભગવાન શિવજી અને માતા પાર્વતીના આશીષ મળેલા છે. એવું પણ મનાય છે કે આસ્સી ઘાટ પર દુર્ગા માતાએ બે આસુરો-શુંભ અને નિશુંભને હરાવ્યા હતાં.
ત્રિલોચન ઘાટ, ન.મો. ઘાટ (વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો) આરતી જોવા માટે આ ઘાટ પણ લોકપ્રિય છે), દશાશ્વમેઘ ઘાટ (કાશી વિશ્વનાથ મંદિરથી સૌથી નજીકનો) , ગંગા મહલ ઘાટ, જાનકી ઘાટ, માનસરોવર ઘાટ, મા આનંદમયી ઘાટ, રાજેન્દ્રપ્રસાદ ઘાટ, આદી કેશવ ઘાટ સહિત અનેકને બોટમાંથી નિહાળ્યા. તથાગત ઘાટ (સારનાથ પાસે આવેલ છે. અત્રે ભગવાન બુધ્ધે એમના પ્રથમ પાંચ શિષ્યોને બોધ આપ્યો હતો. તથાગત એ ગૌતમ બુધ્ધનો પર્યાય છે
ગંગા નદીના કિનારે આવેલ સંખ્યાબંધ ઘાટ સાથે એક-એક કથા સંકળાયેલ છે. બધા વિષે લખવા બેસું તો પાનાં ને પાનાં ભરાય!
બોટમાં અમે આ બધા જ ઘાટોની પ્રદક્ષિણા કરી છેવટે ન.મો. ઘાટ પર ઉતરી ત્યાં થતી આરતી જોવા બેઠાં. એ અદભૂત આરતીનો નજારો શબ્દોમાં વર્ણવી ન શકાય એવો સુંદર હતો.
એ જોવા સેંકડો યાત્રીકો લાઇનોમાં ગોઠવાઇ જાય છે. ભરચક વસ્તી. આરતીનું સમુધુર સંગીત અને દીવા નૃત્ય સહિતની રંગબેરંગી લાઇટોથી ઝળહળતી આરતી અપ્સરાલોકમાં હોઇએ એવી અનુભૂતિ કરાવે. બનારસની અન્ય એક વિશેષતા બહેનો માટે તો ખાસ રસનો વિષય. બનારસી સિલ્કની સાડીઓ અહિંની વખણાય. અમે એ વણતા વણકરને પણ જોયા. અને સાડીઓ લીધા વિના તો જાત્રા અધૂરી જ કહેવાય ને! બીજા દિવસે પ્રયાગરાજ કારમાં ગયા અને ત્યાં જઇ બોટ ભાડે કરી ત્રિવેણી સંગમ પાસે ગયા અને એ પવિત્ર જળ માથે ચડાવ્યું. ગયા વર્ષે તો મહાકુંભમાં જામેલ માનવમેળાએ વિક્રમ સર્જ્યો હતો. રસ્તામાં અંડેલ ખાતે મહાપ્રભુજીની બેઠક નિજધામ, શ્રી ગોપીનાથજીની બેઠક, શ્રી ગોકુલનાથજીની બેઠક, શ્રી યદુનાથજીની બેઠક એવં પ્રાકટ્ય સ્થળના પણ દર્શન કર્યા.
ત્રીજા દિવસે ટ્રેનમાં બેસી અયોધ્યામાં રામલ્લાના દર્શન માટે ગયા. ત્યાંથી રીક્ષા ભાડે કરી ગામના કેટલાક મંદિરોના દર્શન કરી રામલલ્લાના મંદિરે પહોંચ્યા. ત્યાં પણ લાંબી કતાર. જો કે વડિલો માટે ખાસ વ્હીલ ચેરની સગવડ અને વી.આઇ.પી. લાઇનમાં જવાની વ્યવસ્થાને કારણે અગવડતા ન પડી. (વડિલ હોવાનો આ ફાયદો!) બાળ સ્વરૂપ ભગવાન રામની મન મોહી લે તેવી ભાવવાહી મૂર્તિ સામેથી આંખ હટવાનું નામ ન લે. હજી એ વિશાળ પરિસરમાં બાંધકામ ચાલુ જ હતું. હનુમાન મઢીના પણ દર્શન કર્યા. આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએ તો વારાણસી, અયોધ્યા, પ્રયાગરાજ સહિત અનેક યાત્રાધામોની સૂરત બદલી નાંખી છે. “સબકા સાથ, સબકા વિકાસ’ની હરળફાળ અત્રે પણ જોવા મળી.
અયોધ્યા જૈનોનું ય તીર્થ સ્થળ છે. અયોધ્યા ભગવાન ઋષભદેવ, અજીતનાથ, અભિનંદન સ્વામિ, સુમતિનાથ, અનંતનાથની જન્મભૂમિ છે. હસ્તિનાપુર શાંતિનાથ, કુથુંનાથ અને અરનાથની જન્મભૂમિ છે. અખાત્રીજના વણલેખ્યા મૂહુર્તે જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદીશ્વરે વર્ષીતપના પારણા સદીઓ પૂર્વે હસ્તિનાપુરમાં કર્યા હતા. ત્યારથી કંઇ કેટલાય જૈન ભાઇબહેનો દર વર્ષે મોટી સંખ્યામાં વર્ષીતપ કરે છે જે ૧૩ માસ ૧૩ દિવસના હોય છે. અને એના પારણા હસ્તિનાપુર જઇ કરે છે. ૨૦ એપ્રિલના અખાત્રીજના દિવસે તપસ્વીઓ ત્યાં જઇ શેરડીના રસથી પારણાં કરશે. સૌ તપસ્વીઓની અનુમોદના. (સમાપ્ત)

