ઓમ ફ્યુનરલ કેરઃ સંવેદના, સેવા અને સમર્પણનું જીવંત ઉદાહરણ

Saturday 18th April 2026 05:18 EDT
 
 

દેવીશા પટેલ... એટલે છ અક્ષરનું એક એવું નામ જે હેરો વિસ્તારમાં જ નહીં, સમગ્ર ગુજરાતી સમુદાયમાં મોખરાનું નામના ધરાવે છે. જ્યાં સેવા કે સહાયની હોય ત્યાં દેવીશાબહેન હાજર હોય. ભારતીય સંસ્કૃતિનું બહુ જાણીતું સુભાષિત છેઃ સેવા પરમો ધર્મઃ. જોકે દેવીશાબહેને આનાથી પણ એક ડગલું આગળ વધીને જીવનમાં માનવસેવા જ પરમ ધર્મના સૂત્રને સાકાર કર્યું છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી.
સમાજસેવા માટે સદૈવ તત્પર દેવીશાબહેન ઘણા સમયથી હેરો વિસ્તારમાં લેબર પાર્ટીનાં સભ્ય તરીકે સક્રિય છે. આ જ કારણ છે કે લેબર પાર્ટીએ આગામી દિવસોમાં યોજાનારા લોકલ ઇલેક્શનમાં તેમને એજવેર વોર્ડમાંથી લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
હેરોમાં વસવાટ કરતાં દેવીશાબહેન એક સમર્પિત કોમ્યુનિટી વર્કર તરીકે બહોળી લોકપ્રિયતા ધરાવે છે. હેરો સાથે તેમનો દિલનો નાતો છે કેમ અહીં જ તેમનું જીવન ઘડતર થયું છે ને કારકિર્દીના ઘડતરમાં પણ આ જ વિસ્તારનું યોગદાન છે.
વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડના લીધે કોમ્યુનિટી સર્વિસ ક્ષેત્રે પણ તેમનું યોગદાન ઊડીને આંખે વળગે છે. હેરોમાં ભાગ્યે જ કોઇ પરિવાર એવો હશે જે દેવીશાબહેનના નામ અને કામથી અજાણ હશે. આથી જ સંવેદનશીલ સમયસંજોગોમાં તેઓ સહુકોઇનો સધિયારો બની રહ્યા છે.
હેરોના જાહેરજીવનમાં દેવીશાબહેન મહત્ત્વનું સ્થાન ધરાવે છે તો દેવીશાબહેનના જીવનમાં પતિ શ્રી સેજલભાઇ જેમનો સતત સહયોગ અને પ્રોત્સાહન રહ્યુંા છે. ભાઇ કલ્પેશભાઇ અને ઓમ ફ્યુનરલ કેર સર્વિસ આગવું સ્થાન ધરાવે છે. દેવીશાબહેન કહે છે, ‘અમારું વતન ગુજરાતના ચરોતર વિસ્તાર સાથે જોડાયેલું છે. અમે 2000ના દાયકામાં બ્રિટનમાં આવ્યા હતા અને હાલમાં હેરો વિસ્તારમાં સ્થાયી થયેલા છીએ. અમારા ફેમિલીમાં જીવનસાથી શ્રી સેજલ પટેલ, ભાઇ શ્રી કલ્પેશકુમાર પટેલ અને ભાભી શ્રીમતી ભારતીબેન પટેલનો સમાવેશ થાય છે. અમે હેરોને અમારું ઘર બનાવીને અહીંના સ્થાનિક સમુદાય સાથે સક્રિય રીતે જોડાયેલા છીએ અને સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં યથામતિ - યથાશક્તિ યોગદાન આપી રહ્યા છીએ. સેવા અમારા જીવનનું અભિન્ન અંગ છે.
દેવીશાબહેનની વાતને આગળ ધપાવતા શ્રી સેજલભાઇ અને કલ્પેશભાઈ કહે છે, ‘અમે ઘણા વર્ષોથી ફ્યુનરલ સર્વિસ ક્ષેત્રમાં કાર્યરત છીએ. ફ્યુનરલ સર્વિસ શરૂ કરનારા અમે સૌથી પહેલા ભારતવંશી છીએ. સમય સાથે અનુભવ, સમજ અને સમર્પણ વધતું ગયું છે, જે અમને વધુ સંવેદનશીલ અને જવાબદાર સેવા આપવા પ્રેરિત કરે છે. આ ક્ષેત્રમાં કામ કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોના જીવનના સૌથી મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં તેમને યોગ્ય સહારો મળી રહે. જ્યારે કોઈ પરિવાર પોતાના પ્રિયજનને ગુમાવે છે, ત્યારે તેમની લાગણીઓને સમજીને તેમને માન, સંસ્કાર અને શાંતિ સાથે અંતિમ વિદાય આપવામાં મદદરૂપ થવું એ અમારું મુખ્ય ધ્યેય છે. આ જ કારણસર અમે માત્ર ગુજરાતી સમુદાય પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ભારતીય સમુદાયને તેમજ જરૂરિયાત મુજબ અન્ય સમુદાયોને પણ સેવા આપીએ છીએ. અમારી સેવાઓ સૌ માટે ખુલ્લી છે અને દરેક વ્યક્તિ તથા પરિવારને સમાન માન અને સંવેદનાથી સેવા આપવામાં આવે છે આ જ અમારી ઓળખ છે.’
કલ્પેશભાઈ કહે છે, ‘અમે સંપૂર્ણ ફ્યુનરલ સર્વિસ આપીએ છીએ, જેમાં અંતિમ સંસ્કારની તમામ વ્યવસ્થા, પરિવહન, ધાર્મિક વિધિઓ માટે સહાય તેમજ પરિવારને સંપૂર્ણ મદદ પૂરી પાડીએ છીએ. દરેક તબક્કે પરિવારને માર્ગદર્શન અને સહારો આપવામાં આવે છે જેથી તેઓ જીવનના આ સૌથી કપરા સમયમાં શાંતિ અનુભવી શકે. સાથે જ અમે worldwide repatriation (વિદેશથી મૃતદેહને તેમના વતન સુધી પહોંચાડવાની સેવા) પણ પ્રદાન કરીએ છીએ,જેમાં માત્ર દેશમાં પહોંચાડવું જ નહીં પરંતુ તેમના ઘર સુધી સન્માન સાથે ડિલિવરી કરવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેઓ કહે છે, ‘અન્ય ફ્યુનરલ સર્વિસની સરખામણીએ અમારી વિશેષતા એ છે કે
અમે દરેક પરિવાર સાથે વ્યક્તિગત રીતે જોડાઈને સેવા આપીએ છીએ. અમે માત્ર વ્યવસાય તરીકે નહીં પરંતુ સેવા તરીકે આ
કાર્ય કરીએ છીએ. દરેક પરિવારની લાગણીઓ, પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓને સમજવા અને માન આપવાને વિશેષ મહત્ત્વ આપીએ છીએ.’
દેવીશાબહેન વાતનો દોર સાંધતા કહે છે કે ખાસ કરીને કોવિડના સમયગાળા દરમિયાન, જ્યારે ઘણા પરિવારો પોતાના પ્રિયજનોને અંતિમ વિદાય આપવા માટે હાજર રહી શક્યા નહોતા ત્યારે અમે તેમની જગ્યાએ રહીને સંપૂર્ણ માન અને સંવેદનાથી અંતિમ વિધિઓ પૂર્ણ કરી હતી. તે સમય અમારાં માટે પણ અત્યંત કઠિન અને ભાવનાત્મક રહ્યો હતો, પરંતુ અમે અમારી જવાબદારી નિભાવવા માટે સંપૂર્ણ સમર્પિત
રહ્યા. દુઃખની વાત છે કે આ પ્રકારની અદ્રશ્ય અને અત્યંત મહત્વપૂર્ણ સેવાઓ સમાજ અને મીડિયા દ્વારા ખાસ ધ્યાને લેવાતી નથી.’
સેજલભાઇ અને કલ્પેશભાઈ કહે છે અમારી સેવાઓ મુખ્યત્વે નોર્થવેસ્ટ લંડન અને ઇસ્ટ લંડન વિસ્તારમાં ઉપલબ્ધ છે, પરંતુ જરૂરિયાત મુજબ અમે સમગ્ર લંડન તથા સમગ્ર યુકેના વિસ્તારોમાં પણ સેવા આપવા તૈયાર છીએ. અમારી પ્રાથમિકતા હંમેશા એ જ રહે છે કે દરેક પરિવારને મુશ્કેલ સમયમાં વિશ્વાસ, સહારો અને માન સાથે સેવા મળી રહે. અમે સમુદાય માટે હંમેશા તૈયાર છીએ - સપ્તાહના સાતેય દિવસ - ચોવીસેય કલાક અમે સેવા માટે ઉપલબ્ધ છીએ.’ કલ્પેશભાઈ માત્ર વ્યવસાયિક રીતે નહીં પરંતુ ભાવનાત્મક રીતે પણ દરેક પરિવાર સાથે જોડાઈને સેવા આપે છે, જે ઓમ ફ્યુનરલ સર્વિસની ઓળખ બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ઓમ ફ્યુનરલ કેર સર્વિસને સેવાભાવના આ જ ઉમદા અભિગમ માટે તાજેતરમાં બે ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન એનાયત થયા છે. એક તો હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે ‘Exceptional Impact and Leadership Award’ જ્યારે બીજું સન્માન ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ‘Compassionate Community Leadership Award થયું છે.
સેવા માટે સમર્પિત દેવીશાબહેન કહે છે, ‘આ સન્માનો અમારી સમુદાય સેવા, સમર્પણ અને લોકોના જીવનના સૌથી મુશ્કેલ સમયમાં આપેલી સહાયની ઓળખ છે. અમે આને માત્ર એક પુરસ્કાર નહીં, પરંતુ સમુદાય પ્રત્યેની અમારી જવાબદારીની વધુ મજબૂત પુષ્ટિ તરીકે માનીએ છીએ.’
આ સેવા માત્ર વ્યક્તિગત પ્રયાસ નહીં પરંતુ પતિ સેજલ પટેલ, કલ્પેશ અને ભારતી સાથે મળીને કરવામાં આવતો એક સંયુક્ત સેવા યજ્ઞ છે. •


comments powered by Disqus