ઓસ્ટ્રેલિયામાં સેનાના વડા તરીકે પ્રથમવાર મહિલાની નિમણૂક

Wednesday 22nd April 2026 08:02 EDT
 
 

સિડનીઃ ઓસ્ટ્રેલિયાએ તેના 125 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઈ મહિલાને સેનાના વડાપદે નિમણૂંક કરી છે. લેફ્ટનન્ટ જનરલ સુસાન કોયલ આગામી જુલાઈથી ઓસ્ટ્રેલિયન સેનાની કમાન સંભાળશે. લેફ. જનરલ સુસાન આર્મી ચીફ સિમોન સ્ટુઅર્ટના અનુગામી બનશે, જેમણે જુલાઈ 2022માં આ હોદ્દો સંભાળ્યો હતો. વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે આને ઐતિહાસિક પરિવર્તન ગણાવ્યું છે. જ્યારે સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લ્સે તેને પ્રેરણાદાયક પગલું ગણાવ્યું હતું. સુસાન તાજેતરમાં જ 5 માર્ચ, 2026ના રોજ ભારતના પ્રવાસે આવ્યાં હતાં.
સુસાનની ઝળહળતી કારકિર્દી
સુસાન કોયલની 40 વર્ષ લાંબી સેનાની કારકિર્દી ધરાવે છે. હાલ જોઈન્ટ કેપેબિલિટીઝનાં વડાં તરીકે મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળે છે. આ ઉપરાંત તેઓ અફઘાનિસ્તાન અને મિડલ-ઇસ્ટમાં સૈન્ય અભિયાનોનો બહોળો અનુભવ ધરાવે છે. સુસાનની આર્મી ચીફ તરીકે વરણીને સુરક્ષા દળોમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસ તરીકે નિહાળવામાં આવે છે. હાલ ઓસ્ટ્રેલિયન સેનામાં મહિલાઓની ભાગીદારી 21 ટકા છે, જે આગામી ચાર વર્ષ એટલે કે 2030 સુધી 25 ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય છે.


comments powered by Disqus