ટોરોન્ટો: હાઈવે 69 પર થયેલા ગમખ્વાર અકસ્માતે પટેલ દંપતીનો ભોગ લીધો છે. વિનોદ પટેલ મેડિકલ એપોઇન્ટમેન્ટ હોવાથી તેમના પત્ની શિલ્પા પટેલ 7 એપ્રિલે કારમાં જઇ રહ્યા હતા. આ સમયે નોર્ધન ઓન્ટારિયોના બ્રિટ નજીકના હાઈવે પર આ અકસ્માત થયો હતો. વિનોદ પટેલની થોડા સમય પહેલા જ બ્રેઈન સર્જરી થઈ હોવાથી ફાઈનલ ફોલોઅપ માટે તેઓ હોસ્પિટલ જતા હતા. જોકે તેઓ હોસ્પિટલે પહોંચે તે પૂર્વે જ કાર અકસ્માતમાં બન્નેનાં મૃત્યુ નીપજ્યા હતા.
ઓન્ટારિયો પોલીસના કહેવા પ્રમાણે કપલની કાર સામેથી આવી રહેલા ટ્રાન્સપોર્ટ ટ્રક સાથે ધડાકાભેર ટકરાઇ હતી. પરિવારને આશંકા છે કે અકસ્માત વેળા તેમની કાર બ્લેક આઈસને કારણે સ્લીપ થઈ હોઈ શકે છે.
દંપતીનો 22 વર્ષનો એક પુત્ર અર્શ મેકમાસ્ટર યુનિવર્સિટીમાં ભણે છે જ્યારે 17 વર્ષનો બીજો પુત્ર ગ્રેડ 11માં અભ્યાસ કરે છે. સડબરીમાં રહેતા ગુજરાતી સમુદાયમાં આ પટેલ દંપતી ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેમના પેરેન્ટ્સ પણ સાથે જ રહેતા હતા અને તેઓ કોમ્યુનિટીના લોકોને મદદ કરવામાં હંમેશા મોખરે રહેતા હતા. પરિવાર 2009માં ભારતથી કેનેડા આવ્યો હતો અને ત્યારથી તેઓ કેનેડામાં નવા આવતા ગુજરાતીને મદદરૂપ થતા હતા.
શિલ્પા પટેલ ટેક્સ કન્સલ્ટન્ટ જ્યારે પતિ વિનોદ પટેલ આઈટી ફિલ્ડ સાથે સંકળાયેલા હતા અને ઓટાવા સ્થિત એક કંપની માટે ઘરેથી જ કામ કરતા હતા.

