ઓટ્ટાવા: કેનેડામાં નવા કાયદા બિલ સી-12નો અમલ શરૂ થવા સાથે જ હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાં બન્યા છે. ઇમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (આઇઆરસીસી) દ્વારા 30 હજાર ઇમિગ્રન્ટ્સ અરજદારોને પ્રોસિજરલ ફેરનેસ લેટર્સ મોકલીને જણાવાયું છે કે તેમણે કરેલાં દાવા માપદંડો અનુસાર ન હોઇ તેમણે નિયત સમયમાં વધુ માહિતી-પુરાવા આપવાના રહેશે. સાથે સાથે જ સરકારે સ્પષ્ટતા કરી છે કે આ લેટર ડિપોર્ટેશન ઓર્ડર નથી પણ, ઘણાં કિસ્સાઓમાં ચેતવણી અપાઇ છે કે જે અરજદારો અયોગ્ય જણાશે તેમને વહેલી તકે કેનેડા છોડવાની ફરજ પડાશે અથવા તેમની સામે ડિપોર્ટેશનની કાર્યવાહી થઇ શકે છે. જેમણે ખાલિસ્તાનના સમર્થક તરીકે અરજી કરી હોય તેમના પર પણ આ કાર્યવાહીની અસર પડી શકે છે.
નવા કાયદા બિલ સી-12માં ઇમિગ્રેશન અરજીના નિયમોને અગાઉ કરતાં કડક બનાવાયા છે. નવા નિયમ અનુસાર જે લોકો કેનેડામાં આવ્યા બાદ એક વર્ષમાં આશ્રય માટે અરજી ન કરે તેમના કેસ હવે ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ ઓફ કેનેડા (આઇઆરબી)ને મોકલાશે નહીં. આ જ રીતે જે લોકો યુએસથી ગેરકાયદે સરહદ પાર કરી કેનેડામાં આવ્યા હોય અને 14 દિવસમાં દાવો ન કરે તો તેમને પણ અપાત્ર ગણાશે.
ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે આ કાર્યવાહીની ગંભીર અસર ભારતીય અરજદારો પર મોટા પ્રમાણમાં પડી શકે છે. કેનેડાના આ નવા નિયમને કારણે જે લોકો ખાલિસ્તાન જેવા આંદોલન સાથે જોડાયેલાં હોય તેમને સ્વદેશ રવાના કરાઇ શકે છે. ખાલિસ્તાનના ઘણા ટેકેદારો ભારતથી ભાગીને કેનેડામાં સંતાયા છે તેમની હાલત હવે કફોડી બની શકે છે. ઘણાં કિસ્સામાં અરજદારોને રૂબરૂ સુનાવણીની તક મળતી નથી. પરિણામે તેમને પોતાનો પક્ષ કાગળિયાં દ્વારા જ રજૂ કરવો પડે છે, જેમાં તેમની સ્થિતિ અને જોખમ યોગ્ય રીતે સમજવામાં મુશ્કેલી પડે છે અને ખોટાં નિર્ણયો લેવાની સંભાવના રહે છે. કેનેડાનું આ કડક વલણ તેની ઇમિગ્રેશન નીતિમાં આવેલાં મોટાં પરિવર્તનનો સંકેત છે. સરકાર તેને માસ ડિપોર્ટેશન તો ગણાવતી નથી પણ હાલ હજારોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે. તેમનું ભવિષ્ય દાવ પર લાગેલું છે.

