કોલાહલના આ યુગમાં સ્પષ્ટતા, હિંમત અને જવાબદાર મીડિયા આવશ્યક છે

મારી નજરે

- સી.બી. પટેલ Wednesday 22nd April 2026 08:48 EDT
 
 

આજના વિશ્વમાં અસરકારક અને બિનઅસરકારક નેતૃત્વ વચ્ચેનો તફાવત દેખીતી રીતે નજરે પડતો રહે છે. કેટલાક દેશો ફોકસ અને સ્પષ્ટ દિશા દર્શાવે છે જ્યારે કેટલાક અચોક્કસ-અનિર્ણાયક દેખાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેઠળના ભારતને ઉદ્દેશની સ્પષ્ટતાના દેશ તરીકે નિહાળવામાં આવે છે. રાજકીય પ્રાથમિકતાઓ અને આર્થિક દિશા મોટા ભાગે અરસપરસ સંકળાયેલા છે અને આ જ સંકળામણ વિકાસની ધારણાઓમાં પ્રતિબિંબિત થાય છે. IMF જેવી સંસ્થાઓએ પણ ઘણા વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ ભારત માટે વધુ મજબૂત વિકાસને દર્શાવ્યો છે. આવી સ્પષ્ટતા કોઈ ચાન્સથી આવતી નથી. સરકાર અને પ્રજા વચ્ચે સંકળામણ-ગઠબંધનની ભાવનામાંથી તે ઉદ્ભવે છે. જ્યારે આ બંને સહભાગી ઉદ્દેશો સાથે આગળ વધે છે ત્યારે તેની પાછળ બહેતર પરિણામો પણ આવે જ છે.
આનાથી વિપરીત, યુનાઈટેડ કિંગ્ડમ અને યુનાઈટેડ સ્ટેટ્સ જેવાં દેશો વર્તમાનમાં તદ્દન અલગ ચિત્ર રજૂ કરે છે. ચર્ચાની કોઈ અછત નથી, આયોજનો, વચનો અને ઊંચા દાવાઓ ભરપૂર છે. આમ છતાં, ઈરાદાઓ અને ડિલિવરી વચ્ચેની ખાઈ ઘણી વખત જોવા મળે છે. આનું પરિણામ, અચોક્કસતાની વધતી લાગણી છે, માત્ર સંસ્થાઓની અંદર જ નહિ, પરંતુ આ વાતાવરણમાંથી પસાર થવાનો પ્રયાસ કરતી વ્યક્તિઓની રોજબરોજની જિંદગીઓમાં પણ આ સ્થિતિ જોવા મળે છે.
આ જ સમયગાળામાં આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં ટેકનોલોજી અને ઈન્ટરનેટ લોકોને સશક્ત બનાવવા અને અરસપરસ સાંકળવા માટે હોય છે. ઘણા અર્થમાં, તેમણે આમ જ કર્યું છે. પરંતુ, તેમણે નવા પડકારો-સમસ્યાઓ પણ સર્જ્યા છે. માહિતી દરેક સ્થળે જોવા મળે છે, પરંતુ સ્પષ્ટતાનો અભાવ દેખાય છે. સારા ઈરાદાઓ હંમેશાં જવાબદાર કાર્યોમાં પરિણમતા નથી.
આ જ પરિસ્થિતિમાં સંસ્થાઓ અને વિશેષતઃ મીડિયા મહત્ત્વપૂર્ણ બની રહે છે. મીડિયા માત્ર માહિતીના આદાનપ્રદાનનું પ્લેટફોર્મ નથી, તેમાં જવાબદારી રહેલી છે. વર્તમાનમાં મીડિયાના અનેક પ્રકાર છે ત્યારે પ્રિન્ટ મીડિયા મજબૂત અને વિશ્વસનીય હાજરી દર્શાવે છે. મારા પોતાના અનુભવ થકી મેં નિહાળ્યું છે કે પ્લેટફોર્મ્સનો જવાબદારીપૂર્ણ ઉપયોગ કેટલું મહત્ત્વ ધરાવે છે. ઘણા લોકોના મતાનુસાર ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ, તેમની પાંચ દાયકાની સફર દરમિયાન બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના વિશિષ્ટ અવાજ તરીકે ઉભરી આવ્યા છે. આનું કારણ એ નથી કે અમે જે રચનાત્મક છે તેની જ ઉજવણી કરીએ છીએ પરંતુ, જે નુકસાનકારક હોય તેના માટે પણ અમે હંમેશાં જાગ્રત રહીએ છીએ. અમે હંમેશાં રચનાત્મક પ્રયાસોને ‘ ગ્રીન સિગ્નલ’ આપવાનો, સમાજને લાભકારી અને પ્રગતિને પ્રોત્સાહક ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આની સાથોસાથ, જ્યારે ચિંતાદર્શક અથવા ચેતવણીસૂચક સંકેતો જોવા મળ્યા છે ત્યારે ‘એમ્બર લાઈટ (પીળી બત્તી) દર્શાવવા અને આવશ્યકતા જણાય ત્યારે સ્પષ્ટપણે ‘રેડ લાઈટ’ દર્શાવવાની અમારી ફરજ રહી છે.
કર્મ યોગ હાઉસમાં અમારા સમયગાળા દરમિયાન, અમે ‘ચમચાની ચમચાગીરી’ નામે ગુજરાતી કોલમ રજૂ કરી હતી. ચમચો શબ્દ વસ્તુઓને હલાવવા અને એકસાથે લાવવાની ક્રિયાનું પ્રતીક છે, જેનો ઉપયોગ રચનાત્મક અને વ્યંગાત્મક, એમ બંને રીતે થઈ શકે શકે છે. આ જ ભાવના સાથે અમે ન્યૂ લાઈફ અને એશિયન વોઈસમાં ભારે સકારાત્મક અને અસરકારક કોલમ ‘બિઝી બોડી’ શરુ કરાવી હતી. આ કોલમો મારફત અમે ઈમિગ્રેશન ફ્રોડથી માંડી જાતે બની બેઠેલા ગુરુઓના ગેરવર્તન તથા તકવાદીઓની કરણીઓ અને ઘણી વખત નિર્બળ વ્યક્તિઓના શોષણ સહિત કોમ્યુનિટીને અસર કરતા મુદ્દાઓને હાઈલાઈટ કરવાનો હેતુ ધરાવતા હતા. ઘણા કેસીસમાં અમે વ્યક્તિઓના નામોલ્લેખ વિના ચિંતા દર્શાવી હતી, કેટલાક કિસ્સાઓમાં જરૂર લાગી ત્યાં પ્રત્યક્ષ રજૂઆત કરી હતી.
આ મુદ્દો સીધો જ છેઃ વ્યક્તિઓ જરૂરી છે પરંતુ, સંસ્થાઓ પણ એટલી જ આવશ્યક છે અને સંસ્થાઓ પણ આખરે તેમાં રહેલી વ્યક્તિઓ થકી જ આકાર પામે છે. આપણે જેને હાઈલાઈટ કરવા, પ્રશ્ન ઉઠાવવા અને જેના માટે ખડા રહેવાનું પસંદ કરીએ છીએ તેનાથી માત્ર આપણી ભૂમિકાની વ્યાખ્યા થતી નથી, તે વ્યાપક સમુદાય માટેની દિશા પણ સુનિશ્ચિત કરે છે.
ઉત્તરદાયિત્વના અરીસામાં નેતૃત્વની પણ પરખ કરાવી જોઈએ. પબ્લિક ઓફિસ, કોમ્યુનિટી સંસ્થાઓ અથવા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઇલ્કાબ અને હોદ્દો સક્રિય યોગદાનની અપેક્ષા ધરાવે છે. નેતૃત્વનો અર્થ માત્ર પ્રતીકાત્મક નથી. તેમાં ભાગીદારી, સતત સંપર્ક તેમજ આપણે જેનું પ્રતિનિધિત્વ કરતા હોઈએ તેના હિતોની સ્પષ્ટપણે રજૂઆતની હિંમત માંગી લે છે.
જો તમને કોઈ સંસ્થાને સંભાળવા - સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હોય તો તેનું સંચાલન તેના બંધારણ અનુસાર કરવા, તેના પાયાઓ મજબૂત બનાવવા અને તેના દીર્ઘકાલીન સાતત્યની ચોકસાઈની જવાબદારી તમારા શિરે રહે છે. બેદરકારી અથવા ખોટા વિશ્વાસ માટે કોઈ સ્થાન રહેતું નથી. નિષ્ક્રિયતા અથવા તકેદારીના અભાવે કોઈ સંસ્થાને નબળી પડવા ન દઈ શકાય.
અનુભવ દર્શાવે છે કે જ્યાં આળસ કે જડતા હોય છે ત્યાં તકવાદીઓ કદી પાછળ હોતા નથી, તેઓ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા તૈયાર જ હોય છે. પોતાનું કાર્ય પાર પાડવા તેઓ ઘણી વખત કોમ્યુનિટીના નામ અને પ્રતિષ્ઠાનો ઉપયોગ કરે છે. જે લોકો વડપણ ધરાવતા હોય તેમણે તો સંસ્થાની સચ્ચાઈ અને ઉદ્દેશની સુરક્ષા અર્થે હંમેશાં સાવધ, જવાબદાર અને પ્રતિબદ્ધ રહેવું જોઈએ.
કોઈ પણ કોમ્યુનિટીની પ્રગતિ આખરે તો નાજૂક સમતુલા પર આધારિત રહે છેઃ મજબૂત સંસ્થાઓ, જવાબદાર નેતૃત્વ તેમજ સપોર્ટિવ અને હિંમતવાન મીડિયા. જો કોઈ પણ અન્ય પર જવાબદારી ઢોળી દેશે તો સમગ્ર માળખાના પતનનું જોખમ સર્જાશે. અમારા પરિપ્રેક્ષ્ય થકી તો, પાંચ દાયકાથી વધુ સમય અનેક યોગ્ય ઉદ્દેશોનું સમર્થન કરવા સાથે અમે તદ્દન સાદા સિદ્ધાંતને પ્રતિબદ્ધ રહ્યા છીએઃ જે સાચું-યોગ્ય હોય તેને પ્રોત્સાહન આપો, જ્યારે આવશ્યક જણાય ત્યાં અવાજ ઉઠાવો, અને સમાજની સેવામાં ગંભીર અને વિશ્વસનીય અવાજ હોવાની સાથે આવતી જવાબદારીઓને નિભાવો.


comments powered by Disqus