ચીનના કલાકારો દ્વારા રામાયણ પર આધારિત નૃત્યનાટિકા ભજવાઈ

Wednesday 22nd April 2026 06:46 EDT
 
 

બીજિંગઃ ચીનની રાજધાની બીજિંગમાં ભરતનાટ્યમના વિદ્વાન જિન શાનશાન દ્વારા દિગ્દર્શિત રામાયણ પર આધારિત નૃત્યનાટિકા ભજવાઈ હતી. જૂના ભારતીય દૂતાવાસના પ્રીમાઈસીસમાં 28 માર્ચ શનિવારે આયોજિત કાર્યક્રમમાં 50થી વધુ સ્થાનિક કલાકારોએ ભાગ લીધો હતો.ચીની નૃત્યકારોના ગ્રૂપે ‘આદિ કાવ્ય- ધ ફર્સ્ટ પોએમ’ નૃત્યનાટિકાની ભજવણી કરી હતી. આ નૃત્યનાટિકા પ્રસિદ્ધ ચીની વિદ્વાન પ્રોફેસર જિ ક્સીઆનલિન દ્વારા રામાયણના કરાયેલા અનુવાદ પર આધારિત હતી. વિદાય લઈ રહેલા ભારતીય એમ્બેસેડર પ્રદીપ કુમાર રાવત અને દૂતાવાસના અધિકારીઓએ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ મહિનાના અંતે નિવૃત્ત થઈ રહેલા રાજદૂત રાવતનું સ્થાન યુકેસ્થિત વર્તમાન ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી લેશે.આયોજકોના જણાવ્યા અનુસાર મુખ્યત્વે ચીન અને બીજિંગમાં રહેતી ડિપ્લોમેટિક કોમ્યુનિટીના 200થી વધુ સભ્યોએ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. બીજિંગમાં આ ત્રીજી વખત નૃત્યનાટિકાની ભજવણી કરવામાં આવી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં પ્રથમ ભજવણી થઈ હતી. ભારતીય દૂતાવાસે ગયા વર્ષે ‘સંગમમ-અ કોન્ફ્યુલન્સ ઓફ ઈન્ડિયન ફિલોસોફિકલ ટ્રેડિશન્સ’ પરિસંવાદનું આયોજન કર્યું હતું. આ પરિસંવાદમાં  ચીનના પ્રસિદ્ધ વિદ્વાનોએ ભગવદ્ ગીતા અને ભારતીય સભ્યતાના મૂલ્યો વિશે સંબોધનો કર્યા હતા.


comments powered by Disqus