જૈન શાસ્ત્રોમાં તપનું આગવું મહત્ત્વ છે. પ્રભુ મહાવીર કહે છે તેમ તપસ્યા એટલે કર્મો બાળવાની ભઠ્ઠી. જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ભગવાન આદીશ્વરે આ તપ કર્યું હતું. વર્ષીતપ એટલે 13 મહિના ૧૩ દિવસ સુધી કરાતું વ્રત. જેનો પ્રારંભ ફાગણ વદ આઠમ (આ વર્ષે 15 માર્ચ)ના રોજ થાય છે, અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ - અક્ષય તૃતિયાના રોજ ૨૦ એપ્રિલે એની પૂર્ણાહૂતિ થઇ. ભારત અને વિશ્વભરમાં અનેક ધર્મપ્રેમી ભાઇબહેનોએ વરસીતપ કરી કર્મોની નિર્જરા કરી. એના પારણા હસ્તિનાપુરમાં જ્યાં આદીશ્વર ભગવાને કર્યા હતા ત્યાં અથવા પાલીતાણામાં (શત્રુંજય પર્વત પર બિરાજમાન મૂળ નાયક આદીશ્વર ભગવાન) કે અન્ય તીર્થ સ્થળોએ અથવા પોતપોતાના ગામમાં પણ તપસ્વીઓના પારણાંનો મહોત્સવ ઉજવ્યો.
જૈન ધર્મનો કર્મ સિદ્ધાંત સર્વકાલીન, સર્વદેશીય અને સર્વજનીન છે. તેમાં કોઈ કાળે પરિવર્તન થતું નથી. તે શાશ્વત છે. તેથી તીર્થંકરો પણ તેમાંથી બાકાત રહી શકતા નથી. આમ આદિનાથ પ્રભુએ પૂર્વ ભવમાં બાંધેલ લાભાંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય ન થયો ત્યાં સુધી ભિક્ષા પ્રાપ્ત થઈ નહીં. અને તે કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં જ 400 દિવસ પછી કુદરતી આદિનાથ પ્રભુ શ્રેયાંસકુમારના મહેલ તરફ ગોચરી-ભિક્ષા માટે પધાર્યા છે. શ્રેયાંસકુમારે પ્રભુને જોયા અને જોતાંની સાથે જ અજાગ્રત મનમાં રહેલા પૂર્વ ભવના સંસ્કારો પ્રગટ થયા. અને તે પ્રમાણે સાધુ ભગવંતને નિર્દોષ આહાર કઈ રીતે આપી શકાય? તે જાણ્યું અને કુદરતી રીતે તે જ દિવસે મધ્યાહન કાળે કોઈકે તેમને ત્યાં 108 ઘડા તાજો ઇક્ષુરસ (શેરડીનો રસ) મોકલાવેલો જેને શ્રેયાંસકુમારે નિર્જિવ તથા નિર્દોષ જાણી તે જ સમયે ગોચરી માટે પધારેલા પ્રભુને ઇક્ષુરસ લેવાને માટે વિનંતી કરી.
પ્રભુએ માત્ર ઇક્ષુરસથી 400 દિવસ અનાયાસ કરેલા ઉપવાસનું પારણું કર્યું અને પાંચ પ્રકારના દિવ્ય એટલે કે ચમત્કાર પ્રગટ થયા. તે આ પ્રમાણે છેઃ 1) આકાશમાં દુંદભિનાદ, 2) રત્નની વૃષ્ટિ, 3) પંચવર્ણના સુગંધી પુષ્પોની વૃષ્ટિ, 4) સુગંધી જળની વૃષ્ટિ, અને 5) દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ.
તપ કરવા માટે મન અને શરીર બંનેને કેળવવા પડે છે અને બંને જો કેળવાઈ જાય એટલે કે તૈયાર થઈ જાય તો કોઈ પણ જાતની મુશ્કેલી વિના તપ થઈ શકે છે. . પ્રભુએ તો 400 દિવસ નિર્દોષ આહાર-પાણી ન મળવાના કારણે ઉપવાસ કર્યાં પરંતુ અત્યારે શ્રાવક-શ્રાવિકો પાસે ઘરમાં ભરપૂર ધાન્ય હોવા છતાં ઉપવાસ કરે છે. સૌ તપસ્વીઓની અનુમોદના.

