અમેરિકાના પ્રમુખ તરીકેના બીજા કાર્યકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પની હરકતો અને લવારાના કારણે તેમના માનસિક સંતુલન અંગેની ચર્ચાઓ વેગ પકડી રહી છે. ટ્રમ્પ જે રીતે મનઘડંત અને આપખુદ નિર્ણયો લઇ રહ્યાં છે તેના કારણે ઘરઆંગણે તેમની લોકપ્રિયતામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને હવે તેમના જ સમર્થકો વિમુખ બની રહ્યાં છે. અમેરિકાના અગ્રણી અખબારો પણ પ્રમુખની માનસિક સ્થિતિ પર ચર્ચા કરી રહ્યાં છે.
એક રીતે ટ્રમ્પની શાસનશૈલી અમેરિકન રાજનીતિમાં અલગ ચીલો ચાતરનારી બની રહી છે. તેમના ભાષણો, પત્રકારોના સવાલોના જવાબો, મહત્વની બાબતોમાં સીધી સોશિયલ મીડિયા પર જાહેરાતો જેવી હરકતો અમેરિકી પ્રમુખના માનસિક આરોગ્ય પર સવાલો ઊભા કરી રહ્યાં છે. તેમાં પણ ઇરાન સામેના યુદ્ધમાં અમેરિકી પ્રમુખ જે રીતે જુઠ્ઠાણા ચલાવી રહ્યાં છે અથવા તો મનઘડંત નિવેદનો આપી રહ્યાં છે તે જોતાં આ સવાલ વધુ ગંભીર બની રહ્યો છે. ટ્રમ્પ ઘડીકમાં ઇરાન સાથે સમાધાનની વાતો કરે છે તો બીજી જ ઘડીએ આખી ઇરાની સિવિલાઇઝેશનના વિનાશની ધમકીઓ આપે છે.
એ વાતમાં કોઇ શંકા નથી કે ટ્રમ્પ ઉતાવળિયા અને અસંયમિત પ્રમુખ છે. તેમનામાં ધીરજ અને સંયમનો અભાવ આંખે ઊડીને વળગે એવો છે. ટ્રમ્પ અમેરિકાના કાયદા અને બંધારણની પણ પરવા કરતા નથી. તેમના દ્વારા જારી કરાયેલા ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સને અદાલતો રદ કરી ચૂકી છે તેમ છતાં તેઓ પીછેહઠ કરવા તૈયાર થતા નથી. નીતનવા ગતકડાં અને હથકંડા એ ટ્રમ્પની લાક્ષણિકતા બની રહી છે. અમેરિકામાં થતી આયાતો પર ટેરિફ લાદવાની વાત હોય કે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા મધ્યસ્થતાની વાત હોય, નાટો સાથેના સંબંધોની વાત હોય કે ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની વાત હોય, ટ્રમ્પે હંમેશા ચોંકાવી દેનારા નિર્ણયો જ કર્યા છે. આ પ્રકારના નિર્ણયો ટ્રમ્પની માનસિક સ્થિતિ પર વધુ સવાલો સર્જી રહ્યાં છે. મેન્ટલ હેલ્થ નિષ્ણાતો પણ ટ્રમ્પના લક્ષણો પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં છે.
આજે ટ્રમ્પના નિવેદનો અને નિર્ણયોનું મીડિયા દ્વારા પણ અસાધારણ સ્તરે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકી જનતા અને સમગ્ર વિશ્વ માટે ટ્રમ્પ એક અનપ્રિડિક્ટેબલ અમેરિકન પ્રમુખ બની રહ્યાં છે. ખરેખર ટ્રમ્પ કોઇ માનસિક સમસ્યા ધરાવે છે કે એક વિશેષ વ્યૂહરચનાના ભાગરૂપે તેઓ આ પ્રમાણે વર્તી રહ્યાં છે? ઘણીવાર કેટલાક રાજનેતા વિદુષકની જેમ વર્તન કરતા હોય છે. જેના કારણે કોઇ તેમના આગામી પગલાં અંગે અટકળ કરી શક્તું નથી. ટ્રમ્પ દ્વારા કરાતી હરકતો વિદુષક જેવી કહી શકાય. પોતાને ઇસુ ખ્રિસ્ત તરીકે રજૂ કરવા, વિશ્વના શાંતિદૂત તરીકે પોતાને પ્રોજેક્ટ કરીને નોબેલના શાંતિ પુરસ્કાર પર દાવા કરવા જેવી હરકતો એક વિદુષક જ કરી શકે. પરંતુ આ હરકતો પાછળની તેમની શેતાની યોજનાઓ પર પરદો પડી રહે છે. ટ્રમ્પ હમણા જે કહી રહ્યાં હોય તેનાથી વિપરિત નિર્ણય કે નિવેદન એક કલાક પછી આવે તો તેમાં નવાઇ લાગતી નથી. કદાચને તેમની કીચન કેબિનેટમાં રહેલા સહયોગીઓ પણ ટ્રમ્પના નિર્ણય પર અટકળ કરી શકતા નહીં હોય.
એક હકીકત એ પણ છે કે ટ્રમ્પ અણધાર્યા વર્તન દ્વારા પોતાની વ્યૂહરચનાનો કોઇને અંદાજ આવવા દેતા નથી. વિવાદાસ્પદ નિવેદનો દ્વારા ચર્ચાનું કેન્દ્ર બદલી નાખવામાં પણ તેઓ માહેર પૂરવાર થઇ રહ્યાં છે. તેથી તેમના માનસિક આરોગ્ય પર સવાલ ઉઠાવી રહેલા નિષ્ણાતો પણ તેમની માનસિકતા સમજવામાં માથુ ખંજવાળી રહ્યાં છે. અમેરિકાના ઇતિહાસમાં આ પહેલો એવો પ્રમુખ છે જેના નિર્ણયો અંગે કોઇ અટકળ કરી શકાતી નથી. તેમનું વર્તન નિશ્ચિતપણે પરંપરાગત માપદંડોથી અલગ છે પરંતુ તેની વ્યાખ્યા અલગ અલગ લોકો માટે અલગ અલગ હોઇ શકે છે. એટલા માટે જ ટ્રમ્પની માનસિક સ્થિતિ પર પણ કોઇ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાતું નથી.
