તાજેતરમાં ભારતની રાજનીતિમાં મહિલા અનામતનો મુદ્દો ઉગ્ર બન્યો છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવી બંધારણીય સુધારા ખરડો પસાર કરી મહિલાઓને 33 ટકા અનામત આપવાનો પ્રયાસ કરાયો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
દુનિયાના પ્રારંભથી જ માનવજાતમાં પુરુષ પ્રધાન સમાજ હાવી રહ્યો છે. 19મી સદીના અંત સુધી તો સામાજિક જીવનમાં મહિલાઓને કોઇ સ્થાન નહોતું તો રાજનીતિમાં તો ક્યાંથી સ્થાન મળી શકે. મહિલાઓને મતાધિકાર પણ મળ્યો નહોતો. આજથી 133 વર્ષ પહેલાં વર્ષ 1893માં સમગ્ર વિશ્વમાં પહેલીવાર ન્યુઝિલેન્ડમાં મહિલાઓને મતાધિકાર અપાયો હતો. વર્ષ 1894માં ઓસ્ટ્રેલિયામાં મહિલાઓને સંસદની ચૂંટણીમાં ઉમેદવારીનો અધિકાર અપાયો. ઇંગ્લેન્ડમાં તો ઘણા વર્ષો બાદ એટલે કે વર્ષ 1928માં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો હતો. ભારત બ્રિટનની કોલોની હોવાથી આઝાદી સમયથી જ મહિલાઓને મતાધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર પ્રાપ્ત થઇ ગયો હતો.
એ વાતમાં કોઇ શંકા નથી કે મહિલા એક સક્ષમ નેતૃત્વ પુરું પાડી શકે છે. ભારતના પૂર્વ વડાંપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ ભારતને મજબૂત નેતૃત્વ પુરું પાડ્યું અને ઘણા વર્ષો સુધી સત્તાના સૂત્રો સંભાળ્યાં. સ્વ. શીલા દિક્ષિત, સ્વ. જયલલિતા, માયાવતી, મમતા બેનરજી ભારતીય રાજનીતિના કદાવર મહિલા નેતાઓ રહ્યાં છે. મહિલાઓને સંસદ અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની વાતો દાયકાઓથી ચાલી રહી છે પરંતુ તેનો અમલ આજ સુધી થઇ શક્યો નથી. મોદી સરકાર દ્વારા ગયા સપ્તાહમાં કરાયેલો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. જોકે મહિલા હોદ્દેદાર કેટલી સ્વતંત્રતા સાથે પોતાને મળેલા અધિકારોનો ઉપયોગ કરે છે તે પણ એક મોટો સવાલ બની રહે છે.
તાજેતરમાં જ ઓટીટી પર પંચાયત નામની એક ધારાવાહિક રજૂ થઇ. જેમાં સરપંચપદ માટે મહિલા માટે અનામત બેઠક પર મહિલા સરપંચ ચૂંટાઇ છે તો ખરી પરંતુ સત્તાની સાચી બાગડોર તો તેનો પતિ જ સંભાળે છે. આ તો થઇ એક ધારાવાહિકની વાત પરંતુ વાસ્તવિકતા ઘણી વરવી છે. તાજેતરમાં ભાજપ દ્વારા આયોજિત એક સમારોહના મંચ પર મહિલા નેતાઓના પતિદેવોથી ખુરશીઓ ભરાઇ ગઇ હતી. ચૂંટાયેલી મહિલાઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ હોય છે અને બધા જ નિર્ણયો તેમના પતિ અથવા તો પરિવારના પુરુષ વડા દ્વારા જ લેવાતા હોય છે. તેમની રાજનીતિની ડોર એક રીતે કહીએ તો તેમના પતિના હાથમાં જ હોય છે અને તેમનો ઉપયોગ એક કઠપૂતળીની જેમ જ કરાતો હોય છે. આમ આજે પણ ભારતીય મહિલાઓ સ્વતંત્ર રીતે કામ કરી શક્તી નથી કે નિર્ણય લઇ શક્તી નથી તેવી સ્થિતિમાં મહિલાઓને 33 ટકા અનામત મળી જાય તો પણ તેનો હેતૂ સફળ થઇ શકે કે કેમ તે મોટો અને ગંભીર સવાલ છે. બહુ ઓછી મહિલા રાજનેતા ભારતને મળી છે જેમણે સ્વતંત્ર રીતે કામ કર્યું છે. ભારતીય સમાજમાં મહિલાઓની સ્થિતિ, સ્થાન અને દરજ્જો પુરુષ પ્રધાન સમાજ હેઠળ હંમેશા કચડાયેલાં જ રહ્યાં છે. તેથી આ પ્રકારની જોગવાઇ કેટલા અંશે સફળ થઇ શકે તે એક મહત્વનો સવાલ છે.
