યુએઈના ધ્વજ લહેરાવવા સાથે BAPS હિન્દુ મંદિરના દ્વાર પુનઃ ખુલ્લાં મૂકાયાં

Wednesday 22nd April 2026 07:16 EDT
 
 

અબુ ધાબીઃ અબુ ધાબીના BAPS હિન્દુ મંદિર દ્વારા યુએઈના ધ્વજ લહેરાવવા સાથે જાહેર પ્રજા માટે મંદિરના દ્વાર પુનઃ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મંદિરમાં 14 એપ્રિલથી પૂજાપ્રાર્થના શરૂ કરાઈ હતી જ્યારે રવિવાર 19 એપ્રિલે તેના પ્રાંગણમા ધ્વજારોહણ સમારંભ યોજાયો હતો. સંપ, કૃતજ્ઞતા અને એકતાના પ્રદર્શનમાં 1,000થી વધુ નિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકો યુએઈના ધ્વજો સાથે કેમ્પસમાં શોભાયામાં જોડાયા હતા. રાજસ્થાન સમાજ, ઓડિયા સમાજ, બંગાળી સમાજ, મરાઠી સમાજ, તેલુ સમાજ અને અય્યપા સમાજ જેવાં સાંસ્કૃતિક જૂથો પણ સામેલ થયાં હતાં
ઉપસ્થિતોમાં વિવિધ ભારતીય અને અન્ય વસાહતી સમાજો, કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટી અને અબુ ધાબી પોલીસ સહિત નાગરિક સંસ્થાઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થયો હતો. જોઈન્ટ ટાસ્ક ફોર્સના વડા બ્રિગેડિયર જનરલ હામેદ મોહમ્મદ અલી-હારજી, ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટના મુબારક અલ અમેરી સહિત વરિષ્ઠ અધિકારીઓની હાજરી કોમ્યુનિટ સંવાદિતાને વધારવામાં મંદિરની ભૂમિકા માટે સંસ્થાગત સમર્થનને દર્શાવનારી હતી.
જોઈન્ટ ટાસ્ક ફોર્સના વડા બ્રિગેડિયર જનરલ હામેદ મોહમ્મદ અલી-હારજીએ સંબોધનમાં આ મહાન પ્રસંગે ભાગ લેવા ટાસ્ક ફોર્સને આમંત્રિત કરવા બદલ બ્રહ્મવિહારી સ્વામીનો આભાર માન્યો હતો.તેમણે કહ્યું હતું કે કોમ્યુનિટી સભ્યોનો વ્યાપક અને વૈવિધ્યસભર મેળાવડો નિહાળવાનું ખરેખર રોમાંચક છે. આ સમારંભ દરમિયાન પ્રતિબિંબિત થયેલા મૂલ્યો યુએઈના આત્માનું દર્પણ છે. આ પ્રસંગના મહત્ત્વ વિશે BAPS હિન્દુ મંદિર અબુ ધાબીના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, ‘આ કૃતજ્ઞતાનો મેળાવડો અને અમે જ્યાં ઘર, સલામતી અને સુરક્ષાની લાગણી ધરાવીએ છીએ તે દેશની ઉજવણી છે. ઊંચે ઉડતા ધ્વજની માફક પ્રેમ, શાંતિ અને સંવાદિતા માટે આપણી એકતા અને અખંડિતા પણ ઊંચે ઉડતા રહે. કોઈ દેશ તેની ભૂમિ, સંપત્તિ અથવા વસ્તીથી માપી શકાતો નથી, પરંતુ તેના લોકોની ગુણવત્તા અને ચારિત્ર્ય તેમજ તેના નેતાઓના વિઝન, મૂલ્યો અને ડહાપણ થકી જ માપી શકાય છે. આ પડકારજનક સમયગાળામાં નેતૃત્વ કરી સહુને સુરક્ષા પ્રદાન કરવા બદલ હું નામદાર શેખ મોહમ્મ્દ બિન ઝાયેદ અલ નાહયાનના સશક્ત, સ્થિર અને નોંધપાત્ર નેતૃત્વ તેમજ સમગ્ર યુએઈ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરું છું.’ સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ સંદિરની સુરક્ષા અને સલામતીની ચોકસાઈ રાખવા માટે અબુ ધાબી પોલીસનો પણ આભાર માન્યો હતો.
તાજેતરના વૈશ્વિક અનિશ્ચિતતા અને પ્રવાસ અવરોધના સમયગાળામાં મંદિર તાકીદની સંકલિત પ્રતિસાદ પહેલ મારફત વ્યાપક કોમ્યુનિટીને સપોર્ટ માટે તત્પર રહ્યું હતું. સમર્પિત વોલન્ટીઅર ટીમે રઝળી પડેલી વ્યક્તિઓને ભોજન, કામચલાઉ રહેવાસ અને જરૂર હોય ત્યારે પાયાની તબીબી સહાય પૂરી પાડીને મદદ કરી હતી. મંદિરના ચેરમેન અશોક કોટેચાએ જણાવ્યું હતું કે, ‘ BAPS હિન્દુ મંદિર પુનઃ ખુલવાની બાબત આભારની અભિવ્યક્તિ અને ચિંતનની વેળા છે. ધ્વજારોહણ સમારોહ યુએઈની નેતાગીરી અને તેના લોકો પ્રત્યે ઊંડી કદરની અમારી લાગણીનું પ્રતીક છે. અમને એકતા, કરુણા અને શાંતિમય સહઅસ્તિત્વના હિમાયતી દેશનો હિસ્સો બની રહેવાનું ગૌરવ ધરાવીએ છીએ અને વ્યાપક કોમ્યુનિટીની સેવા કરવા પ્રતિબદ્ધ છીએ.’


comments powered by Disqus