અનુપમ મિશન દ્વારા ‘શાલીન માનવ રત્ન એવોર્ડ’થી પાંચ મહાનુભાવોનું સન્માન

ૐ ક્રેમેટોરિયમ સુવેનિયરના વિમોચન સાથે સેવા, સંસ્કાર અને માનવતાનો ભવ્ય ઉત્સવ ઉજવાયો

Wednesday 22nd July 2026 06:53 EDT
 
 

ડેનહામઃ અનુપમ મિશન દ્વારા વર્ષ 1993થી દર વર્ષે દેશ-વિદેશમાં પોતાના કાર્યક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર સેવાભાવી મહાનુભાવોને ‘શાલીન માનવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ શ્રી યોગી આજ્ઞા મંત્રદીક્ષા હીરક પર્વ અંતર્ગત બ્રિટનના આંગણે યોજાયો હતો.

શુક્રવારે યોજાયેલા શાનદાર સમારંભમાં સંત ભગવંત સાહેબદાદાના વરદ હસ્તે શ્રી વિનોદભાઈ એમ. કોટેચા, શ્રી રૂપિન વાડેરા, શ્રી શામજીભાઈ પટેલ, ડો. અભિજાત ચંદ્રકાંત શેઠ અને શ્રી યોગેશભાઈ મહેતાને એવોર્ડથી પુરસ્કૃત કરાયા હતા. આ પ્રસંગે સદગુરુ સાધુ અશ્વિનદાદાએ શાલ ઓઢાડીને, પૂ. હિંમત સ્વામીજીએ ખેસ પહેરાવીને જ્યારે સદગુરુ સાધુ મનોજદાસજીએ શાલીન માનવ રત્ન પ્રશસ્તિપત્ર અર્પણ કરીને પાંચેય મહાનુભાવોને સન્માન્યા હતા. સન્માનિત મહાનુભાવોએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતાં આ સન્માનને સમાજસેવા માટે વધુ જવાબદારી અને પ્રેરણાનું પ્રતીક ગણાવ્યું હતું.

સન્માનિત મહાનુભાવો અને તેમનું યોગદાન
• શ્રી યોગેશભાઈ મહેતાઃ લગભગ પાંચ દાયકાની સફળ વ્યવસાયિક યાત્રા દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. વ્યવસાયમાં પ્રામાણિકતા અને શ્રેષ્ઠતાની સાથે તેમણે WellChild, NSPCC, British Heart Foundation, Tusk સહિત અનેક સેવાકીય સંસ્થાઓ તેમજ ભારત અને બ્રિટનમાં શિક્ષણ, યુવા વિકાસ અને સામાજિક કલ્યાણ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
• શ્રી વિનોદભાઈ એમ. કોટેચાઃ ચાર દાયકાથી વધુ સમયથી નિઃસ્વાર્થ સમાજસેવાનું અવિસ્મરણીય કાર્ય કર્યું છે. લોહાણા કમ્યુનિટી નોર્થ લંડનની બિરેવમેન્ટ કમિટીના અધ્યક્ષ તરીકે તેમણે ચાર હજારથી વધુ પરિવારોને અંતિમ સંસ્કાર દરમિયાન માર્ગદર્શન અને સહારો પૂરો પાડ્યો છે. કોરોના મહામારી દરમિયાન પણ તેમણે અવિરત સેવા આપી હતી. સમાજસેવાના આ યોગદાન બદલ તેમને વર્ષ 2017માં બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)થી સન્માનિત કરાયા હતા.

• શ્રી શામજીભાઈ પટેલઃ બાંધકામ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ ક્ષેત્રે સફળ ઉદ્યોગસાહસિક તરીકે ઓળખ ઉભી કરવાની સાથે શિક્ષણ, આરોગ્ય, આપત્તિ રાહત, બાળકલ્યાણ અને વંચિત વર્ગોના ઉત્થાન માટે યુકે, ભારત તથા અન્ય દેશોમાં વ્યાપક સેવાકાર્ય કર્યું છે.

• ડો. અભિજાત ચંદ્રકાંત શેઠઃ અગ્રણી કાર્ડિયોથોરેસિક સર્જન, શિક્ષણવિદ્ અને આરોગ્ય નીતિના નેતા તરીકે દેશની તબીબી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. દર્દી સુરક્ષા, તબીબી શિક્ષણમાં ગુણવત્તા, ડિજિટલ શિક્ષણ અને કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમણે મફત હૃદયરોગ સર્જરી, CPR જાગૃતિ અને સામુદાયિક આરોગ્ય સેવાઓ દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ નેશનલ મેડિકલ કમિશનના અધ્યક્ષ તથા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસના પણ અધ્યક્ષ છે.

• શ્રી રૂપિન વાડેરા: તેમણે સફળ ઉદ્યોગ સાહસિક અને રોકાણકાર તરીકે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મેળવી છે. ચિન્મય મિશન યુકેના લાંબા સમય સુધી પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે સેવા આપતાં તેમણે વેદાંત, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ, ગ્રામ વિકાસ, આરોગ્ય અને યુવા નેતૃત્વના વિકાસ માટે વિશેષ યોગદાન આપ્યું છે.

સેવા-ત્યાગ-માનવીય મૂલ્યોને વંદનઃ સંત ભગવંત સાહેબદાદા

સંત ભગવંત સાહેબદાદાએ આશીર્વચનમાં આપતા જણાવ્યું કે ભગવાન જ્યારે કોઈને ધન, વૈભવ, પ્રતિષ્ઠા કે શક્તિ આપે છે ત્યારે તે માત્ર પોતાના માટે નહીં પરંતુ સમાજના કલ્યાણ માટે વાપરવા આપે છે. ભગવાનની પ્રસાદીને માનવ સેવામાં વાપરવામાં જ જીવનની સાચી સાર્થકતા છે. તેમણે જણાવ્યું કે સેવાભાવી મહાનુભાવોનું સન્માન કરવું એ પણ આપણી એક પ્રકારની ભક્તિ છે. સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કરનારાઓને વંદન કરીને આપણે સેવા, ત્યાગ અને માનવતાના મૂલ્યોને વંદન કરીએ છીએ.
સંત ભગવંત સાહેબદાદાએ યાદ અપાવ્યું કે ઇંગ્લેન્ડમાં સૌપ્રથમ આ સન્માન પરમ પૂજ્ય રામબાપાને અર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી વિશ્વના અનેક દેશોના સેવાભાવી મહાનુભાવોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તેમણે પાંચેય એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવતાં પ્રાર્થના કરી કે ભગવાન તેમને વધુને વધુ સેવા કરવાની શક્તિ અને ભક્તિ અર્પે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ડો.. અભિજાત શેઠને તે જ દિવસે લખનઉ યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની પદવી સ્વીકારવા જવાનું હતું, પરંતુ તેમણે તે પ્રસંગને ગૌણ ગણી અહીં ઉપસ્થિત રહી આ સન્માન સ્વીકારવાનું પસંદ કર્યું. આ તેમની નમ્રતા, સંસ્કાર અને સેવા પ્રત્યેની નિષ્ઠાનું જીવંત ઉદાહરણ છે.
અંતમાં તેમણે સમગ્ર કાર્યક્રમના આયોજનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેવા આપનાર તમામ દાતાઓ, સેવકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી સૌના જીવનમાં સુખ, શાંતિ, સદબુદ્ધિ અને સેવાભાવ સતત વધતો રહે તેવી પ્રાર્થના કરી.

મહાનુભાવોની ઉપસ્થિતિ
આ સમારંભમાં ઉપસ્થિત અગ્રણી મહાનુભાવોમાં પ્રદીપભાઈ ધામેચા, કિશોરભાઈ ગોકળ, ભીખુભાઈ અને વિજયભાઈ પટેલ (વેમેડ ગ્રૂપ), રમેશભાઈ કણસાગરા, પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ, રશ્મિભાઈ ચતવાની, નરેન્દ્રભાઈ ઠકરાર, શ્રી નંદાજી, પૂ. શૌનક ઋષિજી વિગેરે મહાનુભાવો તેમજ અનુપમ મિશનના દેશ-વિદેશના સંતો, ભક્તો, આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


    comments powered by Disqus