ઇસરો વિના ભારતના પ્રાઇવેટ સ્પેસ સેક્ટરનો ઉદ્ધાર નથી...

Wednesday 22nd July 2026 06:35 EDT
 

તાજેતરમાં ભારતમાં સ્કાયરૂટ એરોસ્પેસ નામની ખાનગી કંપની દ્વારા વિક્રમ-1 રોકેટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ સાથે ભારતનું ખાનગી સ્પેસ સેક્ટર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું. પ્રાઇવેટ સેક્ટરની આ સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ઇસરોના ચેરમેન વી. નારાયણન સહિત સમગ્ર દેશે વધાવી લીધી પરંતુ સાથે સાથે બીજા એક સમાચારે વિવાદના વમળ પણ સર્જ્યાં છે. છેલ્લાં કેટલાક મહિનામાં ઇસરોમાંથી 100થી વધુ સીનિયર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ રાજીનામા આપ્યા છે જેના પગલે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસને રાજીનામાના નિયમો કડક બનાવવા ફરજ પડી છે.
મૂળ પ્રશ્ન એ છે કે ભારત ઇસરોના માધ્યમથી અંતરિક્ષ ક્ષેત્રે નવી ઊંચાઇ સર કરી રહ્યો છે તેવા જ સમયે વૈજ્ઞાનિકો સંસ્થા કેમ છોડી રહ્યાં છે. સૌથી મોટું કારણ ભારતમાં ઝડપથી વિકસી રહેલી પ્રાઇવેટ સ્પેસ ઇકો સિસ્ટમ છે. 2020માં સ્પેસ સેક્ટરને ખાનગી ભાગીદારી માટે ખુલ્લું મૂકાયા બાદ સ્કાયરૂટ સ્પેસ, અગ્નિકુલ કોસ્મોસ, પિક્સલ સહિતના અસંખ્ય સ્ટાર્ટ અપ્સ રોકેટ, સેટેલાઇટ અને પ્રોપલ્શન સિસ્ટમ્સ પર ઝડપથી કામ કરીને સફળતાની દિશામાં આગળ વધી રહ્યાં છે.
હવે ઇસરોના વૈજ્ઞાનિકો માટે ખાનગી કંપનીઓ ઉચ્ચ વેતન, સ્ટોક ઓપ્શન્સ, લીડરશિપમાં ઉજ્જવળ ભાવિની તકો આપતી હોવાથી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ઇસરોની સંસ્થાગત મર્યાદાઓ અને સરકારી નિયંત્રણોને કારણે તેઓ ખાનગી કંપનીઓ સાથે હાથ મિલાવી રહ્યાં છે. આમ તો ઇસરો પાસે 14,000 કરતાં વધુ કર્મચારી છે અને 100 જેટલા વૈજ્ઞાનિકોના રાજીનામા કદાચ આંકડાની દ્રષ્ટિએ નાના લાગી શકે પરંતુ તેમાં ચંદ્રયાન અને ગગનયાન જેવા જટિલ અંતરિક્ષ મિશનોનો અમૂલ્ય અને વિશિષ્ય અનુભવ ધરાવતા વૈજ્ઞાનિકો હોવાથી ઇસરોને મોટું નુકસાન થઇ રહ્યું હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. નવી પ્રતિભાઓને તાલીમ આપીને આ નુકસાન ભરપાઇ કરી શકાય છે પરંતુ વર્ષોના અનુભવી વૈજ્ઞાનિકોની ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરી શકાતી નથી. તેથી એમ કહી શકાય કે માનવ સંસાધન પ્રતિભાઓને સાચવી રાખવાનો મોટો પડકાર ઇસરો સામે ઊભો થયો છે.
બીજીતરફ પ્રાઇવેટ સેક્ટરની સફળતાને કેટલી મહત્વની ગણી શકાય તે પણ એક ચર્ચા માગી લેતો વિષય છે. સ્કાયરૂટના સફળ રોકેટ પ્રક્ષેપણ અને ઇસરોમાંથી મોટાપાયે રાજીનામાના કારણે એવું ચિત્ર ઊભું થયું છે કે હવે ઇસરોના વળતા પાણી થઇ રહ્યાં છે પરંતુ વાસ્તવિકતા તેનાથી અલગ જ છે. ઇસરો વિના આ પ્રાઇવેટ કંપનીઓનું અસ્તિત્વ જ શક્ય નથી. કડવી વાસ્તવિકતા તો એ છે કે આ સ્ટાર્ટ અપ્સને પોતાના પરીક્ષણો અને ઓપરેશનો માટે ભારતીય કરદાતાઓના નાણાથી તૈયાર થયેલા ઇસરોના સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ આધારિત રહેવું પડે છે. લોન્ચ પેડ, રોકેટનું સ્ટેકિંગ, ઇન્ટીગ્રેશન અને એમ્બિલિકલ ટાવર્સ સહિતની પાયાની સુવિધાઓ સીધી ઇસરો દ્વારા પૂરી પાડવામાં આવે છે. જરૂરી રડાર, ટેલિમેટ્રી સ્ટેશનો અને રિયલ-ટાઇમ ટ્રેકિંગ સિસ્ટમનું જટિલ નેટવર્ક સંપૂર્ણપણે ઈસરોની માલિકીનું છે. આમ સીધી અને સરળ ભાષામાં કહીએ તો ભારતનું પ્રાઇવેટ સ્પેસ સેક્ટરને ઇસરોની પાયાની ટેકનોલોજી પર જ નભવાનું છે. ઇસરોના જ સંશોધનોનો લાભ લઇને શરૂ કરાયેલા આ સ્ટાર્ટ અપ્સ ઇસરોની તોલે તો કદાપિ આવી શકે નહીં. છેલ્લા 6 દાયકા કરતાં વધુ સમયથી અનેક પ્રયોગો અને નિષ્ફળતાઓ બાદ ઇસરોએ પાયાની ટેકનોલોજી વિકસાવી છે જેનો સીધો લાભ આ સ્ટાર્ટ અપ્સ રળી લેવા માગે છે. વાસ્તવિકતા તો એ છે કે ભલે કોઈ સ્ટાર્ટઅપ 350 કિલોગ્રામ પેલોડના નાના રોકેટ માટે ૩ડી-પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિન બનાવી લે કે કાર્બન કમ્પોઝિટનો ઉપયોગ કરી લે, પરંતુ તેઓ આખરે તો એ વિશાળ રાષ્ટ્રીય એજન્સીના ખભા પર જ સવાર છે જે ચંદ્રયાન, મંગળયાન અને માનવ સંચાલિત ગગનયાન જેવા જટિલ પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની થુમ્બાથી ચંદ્ર સુધીની સફળતાની ગાથા ઇસરોને જ આભારી છે તે આપણે ભૂલી શકીએ નહીં.


comments powered by Disqus