એક જ સવાલઃ બર્નહામ રાજકીય સ્થિરતા આપી શકશે?

Wednesday 22nd July 2026 06:35 EDT
 

10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દાયકાના સાતમા વડાપ્રધાન તરીકે કિંગ ઓફ નોર્થ તરીકે જાણીતા એન્ડી બર્નહામની એન્ટ્રી થઇ ચૂકી છે ત્યારે જનતાના મનમાં એક જ મૂંઝવણ છે કે શું બર્નહામ ફરી એકવાર દેશમાં રાજકીય સ્થિરતા લાવી શકશે ખરાં.. કન્ઝર્વેટિવ હોય કે લેબર પાર્ટી છેલ્લા એક દાયકામાં મુખ્ય પ્રવાહની બંને રાજકીય પાર્ટી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં લાંબો સમય ટકી શકે તેવો નેતા આપી શકી નથી. આમ તો બર્નહામે તેમના સંબોધનમાં જનતા અને સાથી સાંસદોને સ્થિર અને જવાબદાર રાજકારણનો વાયદો કર્યો છે પરંતુ તેમના માટે પણ રાત ટૂંકી અને વેશ ઝાઝા જેવી જ સ્થિતિ હાલ તો પ્રવર્તી રહી છે. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકે સફળ કામગીરી છતાં આર્થિક મંદી અને વારંવાર થતા નેતૃત્વ પરિવર્તનથી થાકેલા દેશ સમક્ષ એક જ સવાલ છે કે શું એન્ડી બર્નહામ ખરેખર હાલક ડોલક થતી નૈયાને સ્થિર કરીને પાર ઉતારશે કે કેમ...
વેસ્ટમિન્સ્ટરના આ તોફાનને શાંત કરવા માટે બર્નહામ પાસે જરૂરી તમામ કૌશલ્યો છે. તેમના પુરોગામી સર કેર સ્ટાર્મરનો અભિગમ ઘણીવાર સામાન્ય જનતા સાથે જોડી શકવામાં નિષ્ફળ રહ્યો છે. તેનાથી વિપરીત બર્નહામ એક પ્રભાવશાળી વક્તા છે અને લોકપ્રિય નેતા તરીકેની છાપ ધરાવે છે. કિંગ ઓફ ધ નોર્થ તરીકે પ્રખ્યાત બર્નહામનું રાજકારણ પ્રાદેશિક સમાનતા, આવાસ સુધારણા અને જાહેર પરિવહન વ્યવસ્થા પર આધારિત છે અને આ એવા મુદ્દાઓ છે જે દેશના સામાન્ય નાગરિકોને સીધા સ્પર્શે છે. કોઈપણ આંતરિક વિરોધ વિના બર્નહામને નેતા તરીકે પસંદ કરીને લેબર પાર્ટીએ હાલપુરતો તો એકતાનો સંદેશ આપ્યો છે. બર્નહામ લેબર પાર્ટીના પરંપરાગત સમર્થકો અને પ્રગતિશીલ જૂથો બંનેમાં સ્વીકાર્ય છે. તેમની વ્યવહારુ છબી તેમને એક રાષ્ટ્રીય સર્વસંમતિ બનાવનાર નેતા તરીકે રજૂ કરે છે. જો કે વ્યાસપીઠ પરથી સ્થિરતાની વાતો કરવી અને તેને વાસ્તવિક નીતિઓમાં બદલવી એ બંને ખૂબ અલગ બાબતો છે. બર્નહામને વારસામાં ઘણી સમસ્યાઓ મળી છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, ગેરકાયદેસર માઇગ્રેશન, જાહેર સેવાઓનો વધતો જતો ખર્ચ, બેરોજગારી સહિતની સમસ્યાઓ સામે બર્નહામે લેબર પાર્ટીના સાંસદોને સાથે રાખીને આગળ વધવાનું છે. જાહેર સેવાઓ અને ઉર્જા ક્ષેત્ર પર સરકારી નિયંત્રણના તેમના સંકેતો કદાચ ડાબેરી સાંસદોને ખુશ કરી શકે છે પરંતુ તેનાથી નાણાકીય બજારોમાં ચિંતા વધી છે.
રાજકીય સ્થિરતા આર્થિક સ્થિરતા સાથે સીધી જોડાયેલી છે. જો બર્નહામ નાણાકીય શિસ્ત જાળવ્યા વિના અંધાધૂંધ ખર્ચ કરશે, તો બજારો નકારાત્મક પ્રતિક્રિયા આપશે, જેનાથી પાઉન્ડ નબળો પડશે અને વ્યાજ દરો વધશે. બીજી તરફ જો તેઓ વર્તમાન આર્થિક મર્યાદાઓમાં જ કામ કરશે, તો જાહેર સેવાઓમાં તાત્કાલિક સુધારાની અપેક્ષા રાખતા મતદારો નારાજ થઈ શકે છે.
એન્ડી બર્નહામને દેશના રાજકારણને એક નવી દિશા આપવાની ઉત્તમ તક મળી છે પરંતુ તેમની પાસે સમય બહુ ઓછો છે. સ્થિરતા માત્ર પ્રાદેશિક લોકપ્રિયતા કે સારા ભાષણોથી નહીં આવે. તે સંપૂર્ણપણે લેબર પાર્ટીને એકજૂથ રાખવાની, નાણાકીય બજારોને આશ્વસ્ત કરવાની અને મોંઘવારીની કટોકટીમાં લોકોને વાસ્તવિક રાહત આપવાની તેમની ક્ષમતા પર નિર્ભર રહેશે. જો તેઓ નિષ્ફળ જશે, તો તેઓ દેશના તારણહાર નહીં, પરંતુ ડાઉનિંગ સ્ટ્રીટના રિવોલ્વિંગ ડોરનો ભોગ બનેલા વધુ એક નેતા સાબિત થશે.


comments powered by Disqus