નોકરીનું સપનું છોડી બિઝનેસ કરી રહી છે અફઘાન મહિલાઓ

Wednesday 22nd July 2026 07:11 EDT
 
 

કાબુલઃ અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર દુનિયાના સૌથી કડક પ્રતિબંધો લાગુ છે, પરંતુ આ જ માહોલમાં મહિલાઓનો બિઝનેસ તરફનો ઝુકાવ વધ્યો છે. આર્થિક સંકટ અને આંતરરાષ્ટ્રીય એકલતા સામે ઝઝૂમી રહેલા દેશમાં તાલિબાન પ્રશાસને મહિલાઓને સીમિત દાયરામાં કારોબાર કરવાની મંજૂરી આપી છે. પરિણામે, છેલ્લા 5 વર્ષમાં મહિલાઓને જાહેર કરવામાં આવતા બિઝનેસ લાઇસન્સોની સંખ્યા 10 ગણી થઈ છે.
અફઘાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના રિપોર્ટ મુજબ દેશમાં 10 હજારથી વધુ મહિલાઓ પાસે બિઝનેસ લાઇસન્સ છે. વળી વર્લ્ડ બેન્કના અંદાજ પ્રમાણે આશરે 1.2 લાખ મહિલાઓ લાઈસન્સ વગર પણ નાના-મોટા કારોબાર કરે છે. આમાં ગાલીચા વણાટ, કોસ્મેટિક્સ, હસ્તશિલ્પ, મધમાખી ઉછેર અને વ્યાવસાયિક તાલીમ જેવા ક્ષેત્રો અગ્રણી છે. જોકે આનો મતલબ એ નથી કે મહિલાઓ પરના અંકુશો હળવા થઇ રહ્યા છે. તેમને વધુ સ્વતંત્રતા મળી રહી છે. વરવી વાસ્તવિક્તા તો એ છે કે વકીલ, એન્જિનિયર કે પ્રોફેસર બનવાનું સપનું જોનારી ઘણી મહિલાઓ હવે એ જ ક્ષેત્રોમાં કામ કરવા મજબૂર છે જેને તાલિબાન શાસન સ્વીકારે છે અને તેમાં કામ કરવા મંજૂરી આપે છે.
આજે પણ તાલિબાન શાસકો દ્વારા મહિલાઓ પર ઘણા બધા પ્રતિબંધો લાગુ છે. જેમ કે, તેઓ બ્યુટી પાર્લર ચલાવી શકતી નથી, નર્સિંગનો અભ્યાસ કરી શકતી નથી અને ઘણા કિસ્સાઓમાં પુરુષ ગ્રાહકો, સપ્લાયરો કે બેંક અધિકારીઓ સાથે સીધો સંવાદ પણ કરી શકતી નથી. આ જ કારણ છે કે રેઝાઈ જેવી અફઘાન યુવતીઓને વેપાર સંબંધિત પ્રવાસો માટે પિતા, ભાઈ કે પતિ પર નિર્ભર રહેવું પડે છે.
મધમાખી ઉછેરનું કામ કરતી ગોંચા મી જણાવે છે કે ઘણીવાર તેમને શહેર બહાર જવા માટે પુરુષોના કપડાં પહેરવા પડે છે. વિવેચકોનું કહેવું છે કે મહિલાઓને બિઝનેસની પરવાનગી આપવી એ સકારાત્મક પગલું જરૂર છે, પરંતુ શિક્ષણ, રોજગાર અને સ્વતંત્ર અવરજવર પર લાગેલી પાબંદીઓ વચ્ચે આ રાહ પૂરતી નથી.
માત્ર 7 ટકા મહિલાઓ કાર્યરત
મોટાભાગની અફઘાન મહિલાઓ કામ કરતી નથી. યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અનુસાર અફઘાનિસ્તાનમાં 2024માં માત્ર 7 ટકા મહિલાઓ કામ કરતી હતી. કામ કરનારી મહિલાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં જ પોલીસ દ્વારા ડઝનબંધ મહિલાઓની ધરપકડ અને સતામણીના વિરોધમાં જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.


comments powered by Disqus