યુક્રેનમાં જહાજ પર મિસાઇલ હુમલો, 4 ભારતીયનાં મોત

Tuesday 21st July 2026 16:59 EDT
 
 

કીવઃ યુક્રેનના ઓડેસા બંદર પરથી રવાના થયેલા માલવાહક જહાજ પર મિસાઈલ હુમલો થયો છે, જેમાં 4 ભારતીયનાં મોત થયા છે. વિદેશમંત્રાલય અનુસાર 19 જુલાઈની સાંજે ઓડેસા પોર્ટથી બહાર નીકળતાં MV ગોલ્ડન લિયો નામના જહાજને નિશાન બનાવાયું હતું. હુમલા સમયે જહાજ પર કુલ 17 ક્રૂ મેમ્બર હતા, જેમાં 5 ભારતીય પણ સામેલ હતા.
ભારતે આ હુમલાને વખોડતાં કહ્યું કે, વેપારી જહાજો પર હુમલા કરી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવા તદ્દન અસ્વીકાર્ય છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં વેપારની આઝાદીમાં અવરોધ ઊભો કરવો નિંદનીય બાબત છે.
યુક્રેન પર સૌથી મોટો હુમલો
રશિયાએ યુક્રેનના ડ્રોન હુમલાનો રવિવારે 24 કલાકની અંદર મિસાઈલ અને ડ્રોન હુમલાથી જવાબ આપ્યો હતો. યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાને અત્યાર સુધીનો સૌથી મોટો બેલેસ્ટિક મિસાઇલ હુમલો ગણાવ્યો હતો. ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ કીવ પર 40 મિસાઇલો અને 120 ડ્રોનથી હુમલા કર્યા. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા મુજબ રશિયાએ કીવ પર 40 ઇસ્કંદર-એમ અને હાઇપર સોનિક જિરકોન મિસાઇલો ઝીંકી હતી. સ્થાનિક સમય અનુસાર રાત્રે 1:30 વાગ્યે હવાઈ હુમલાની સાઇરનો રણકી ઊઠી હતી, જેના પગલે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ હતી.


comments powered by Disqus