હકારાત્મક અભિગમ અપનાવો ને હતાશાને ભગાડો..

કહાની ઘર ઘર કી

- જ્યોત્સના શાહ Wednesday 22nd July 2026 07:14 EDT
 
 

હેલો..હેલો ..હેમાલી, હું રાગિણી બોલું છું. ઓહ…અમેરિકાથી. હા, આજ તો મારૂં કિસ્મત ખુલી ગયું. બહેન મળી ગયા. તું તો મને સાવ ભૂલી ગઇ હોય એવું લાગે છે? રમીલાના ગયા પછી હવે હું અને તું રહ્યાં ! હું જાણું છું કે, તું તારા પરિવારમાં ને સોસીયલ લાઇફમાં બહુ બીઝી છે. પણ ક્યારેક તારી મિત્ર માટે પણ સમય કાઢ, યાર! તારી જીંદગી તો ભરી ભરી છે પણ મારી તો દિશા હીન, શૂષ્ક બની ગઇ છે. મારો તો જિંદગીમાંથી રસ ઉડી ગયો છે.
મને કોઇ રસ્તો બતાવ, યાર! જો રાગિણી, સાચું કહું તો સંજોગો સાથે તાલ મિલાવવાનું વ્યક્તિએ શીખી લેવું પડે છે, ફરિયાદ કરવાનો કોઇ અર્થ નથી. હું જાણું છું કહેવું અને કરવું એમાં ફરક છે. સલાહ આપવી સહેલી પણ અમલમાં મૂકવી અઘરી. પરંતુ આપણી સામે જ્યારે બીજો વિકલ્પ ન હોય ત્યારે એમાંથી રસ્તો કાઢવો જ રહ્યો! સમસ્યા છે તો સમાધાન પણ છે.
તું તારી મનગમતી પ્રવૃત્તિમાં મન પરોવી દે. તારો ગાવાનો શોખ હતો એને તાજો કર. રિયાઝ કરવાનું શરૂ કરી દે. આમેય સંગીત એક થેરાપી છે જે મનને શાંત કરે છે.
તમારે ત્યાં વડિલ મંડળ ચાલે છે કે નહિં? અનુકૂળતા મુજબ સામાજિક કે ધાર્મિક સંસ્થામાં જોડાઇ જા જેથી એક પ્રવૃત્તિ મળે. તું એકાઉન્ટ્સમાં સારી છે તો જે તે સંસ્થામાં મદદનીશ એકાઉન્ટન્ટ તરીકેની સેવા આપવાની ઓફર કર. આમેય વોલંટીયરોની જરૂર બધી સંસ્થાઓને રહેતી હોય છે.
સમય પણ જશે અને સમાજનું ઋણ અદા કર્યાનો સંતોષ મળશે. મનથી જેટલા વ્યસ્ત રહીએ એટલી હેલ્થ સારી રહે. તમારે ત્યાં મહિલા મંડળ ના હોય તો એ શરૂ કરી દે. તારા જેવી સમદુ:ખીયા બહેનોને ભેગી કરી કોઇ સામાજિક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત બની જા. તારા અવાજનો જાદુ તને લોકપ્રિયતા અપાવશે.
 આપણે કોલેજમાં હતા ત્યારે તારો મશ્કરો અને રમતિયાળ સ્વભાવ. બધાં સાથે બેનપણાં બાંધી દે ! નવા નવા આઇડીયા પણ તારા દિમાગમાં આવતા. એ દિવસો યાદ કરી થોડી રીવર્સ ગાડી લઇ લે. સંજોગો અનુસાર જાતને ખુશ રાખવાનું જાતે જ શીખવું પડે. એ કોઇના શીખવાડ્યા ના શીખાય. માંહ્યલાને જગાડ.
ધાર્મિક, સામાજિક સંસ્થામાં તારી સર્વિસ આપવાનું શરૂ કર્યા પછી તું ભૂલી જઇશ કે બિમારી શું અને એકલતા શું? નવા મિત્રો પણ મળી રહેશે. ઇશ્વરની મોંઘેરી બક્ષિસ સમો માનવ ભવ મળ્યો છે તો જીવી લે યાર! ૮૪ લાખ જીવાયોનિમાંથી ફર્યા બાદ માનવનો ભવ મળે છે એમ શાસ્ત્રો કહે છે. જેટલું આયુ મળે એનો સદુપયોગ કરી લે. જીવનમાં ઉતાર-ચઢાવ, સુખ-દુ:ખ આવે ને જાય. એમાંથી રસ્તો કાઢ. મનને મજબૂત કર. હિંમત ન હાર. યોગ, મેડીટેશનમાં મન પરોવ.
મને ખબર છે કે તારા હસબન્ડ વિનોદભાઇની તબિયત બરાબર રહેતી નથી. એમને ઘરની બહાર નીકળવું ગમતું નથી. ખાસ કોઇ પ્રવૃત્તિમાં ય રસ નથી. એમની દેખરેખ સતત રાખવી પડે. તારી ઇન્ડીયા જવાની ઇચ્છા સંજોગોને કારણે ફળીભૂત ન થતી હોય તો તેનો અફસોસ ન કરવો. સમય સમયને માન છે. “રામ રાખે તેમ રહીએ ને સદા ખુશ રહીએ’’.
આપણે જ્યારે સર્વિસ કરતા હોય, ગૃહ-ગૃહસ્થી સંભાળતાં હોય ત્યારના ને આજના સંજોગો સરખાં ન જ હોઇ શકે! ત્યારે તો એટલા બીઝી રહેવાય કે દિવસના ચોવીસ કલાક ઓછા પડે! સમય બળવાન છે.
હેમાલી, તારી વાત સાચી છે પણ મારા સંજોગો તો જો!
રાગિણી, હવે તો ઘરમાં ઉતો ને ઉતી! એમાંય બિમારી; સ્વભાવ ચિડીયો થાય એટલે વાતવાતમાં ચડભડ થાય. કોણ કોને સાચવે? મારી દિકરીને કોઇ ભાઇ-બહેન નહિ એટલે સાવ એકલી પડી જશે એનો ભય સતાવ્યા કરે. એની આર્થિક ચિંતા નથી પણ લગ્નની ઉમર વટાવી દીધાં પછી લાયક મૂરતિયો મળવાની આશા પણ ધૂંધળી. કોઇ સારો જીવનસાથી મળી જાય ને પરણી જાય તો નિરાંત થાય એવું મનમાં થયા કરે પણ આપણું ધાર્યું ક્યાં થાય છે? તારે તો બહુ ઓળખાણ હશે, કોઇ મૂરતિયો શોધી દે ને!
હેમાલી: કાશ એવું થતું હોત તો તને મદદ કરવામાં મેં કચાશ રાખી હોત?
રાગિણી: હજી આપણા લોકોની મેન્ટાલીટી એવી છે કે છોકરી છોકરા કરતા નાની હોવી જોઇએ. એક-બે છોકરા જોયા પણ છોકરી અમારા છોકરા કરતા વરસ-બે વરસ મોટી છે. એમ કરી વાતને પૂર્ણ વિરામ લાગી જાય
આપણે ૨૧મી સદીમાં અને પશ્ચિમના દેશમાં રહીએ છીએ કે જ્યાં ઉમરને લક્ષમાં નથી લેવાતી. બસ, ક્લીક થવું જોઇએ. મારી દિકરી દેખાવમાં, ભણતર-ગણતરમાં, કારકિર્દીમાં બધી રીતે લાયકાત ધરાવતી હોવા છતાં નસીબ બે ડગલાં પાછળ હોય એમ લાગે છે.
આપણા સમાજની મેન્ટાલીટી બદલવાની જરૂર છે. મને તો એ જ ચિંતા થયા કરે કે મારા ગયા પછી આ છોકરીનું શું થશે? ઠાકોરજી કરે ને એને કોઇ સારો મૂરતિયો મળી જાય.એમ થાય તો મારૂં મોત સુધરી જાય.


comments powered by Disqus