નવનાત વણિક એસોસિએશનના પર્યુષણ પર્વની અનન્ય ઉજવણી: સેવા-સમર્પણ, ભક્તિ-એકતા અને મૈત્રીનો સુભગ સમન્વય

-જ્યોત્સના શાહ Wednesday 23rd September 2026 07:36 EDT
 
 

૮ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી સિમા ચિહ્ન સમી બની ગઇ. ઘણાં વર્ષો બાદ નવનાત હોલ આધ્યાત્મિક ભૂમિમાં પરિવર્તીત થઇ ગયાનો અનુભવ ભાવિકોએ કર્યો. કારણ, આ વર્ષે વિતરાગ પ્રભુ મહાવીરની વિચરણ ભૂમિમાં કાર્યરત વિરાયતન કેન્દ્રના સ્થાપક પૂ.ચંદનાશ્રીજી મહારાજ (પૂ.તાઇ મા)ના સાધ્વી સંઘના સાધ્વીજી પૂ.સમપ્રજ્ઞાજી અને સાધ્વીજી પૂ. રોહિણીજી ધર્મ પ્રભાવના માટે ખાસ પધાર્યા હતાં. તેમણે જનભોગ્ય ભાષામાં માનવલક્ષી-રોજબરોજના જીવનને સ્પર્શતા વિષયો સહ વ્યાખ્યાનોની હારમાળા સર્જી. એ સાથે જ જિજ્ઞાસુઓ સાથે સંવાદના સંધાનનું વિશેષ સેશન બપોરના સમયે યોજી પર્વને વધુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક બનાવ્યું.
સૌથી વધુ જમાપાસું એ હતું કે સમાજની સેવાપરસ્ત કિચન કમિટીની બહેનો વહેલી સવારથી સેન્ટરના રસોડે કામે લાગી જતી અને દરરોજ ૩૦૦-૪૦૦ જણના સવાર-સાંજ ભોજન, ચ્હા-પાણી ઉપરાંત જેઓ એકાસણા કરે તેમને માટે ખાસ અલાયદી સગવડ, ઉકાળેલું પાણી વગેરે સહર્ષ કર્યું જેને કારણે આખો દિવસ હોલમાં બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ સમગ્રપણે ધર્મની આરાધના નિશ્ચિંતપણે કરવામાં વધુ ભાવિકો સામેલ થઇ શક્યા.
 શ્વેતામ્બર અને સ્થાનકવાસીના પ્રતિક્રમણ અલગ-અલગ હોલમાં થયા. યુવાનો અને ગુજરાતી ન સમજનારાઓ માટે અંગ્રેજીમાં પણ પ્રતિક્રમણ રખાયું હતું. ડો.મેહૂલ સંઘરાજકા, વન જૈનના ચેરમેને સ્થાનકવાસી પ્રતિક્રમણ કરાવ્યું હતું. મનહરભાઇ મહેતાએ પણ અંગ્રેજીમાં શ્વેતામ્બર પ્રતિક્રમણ એક દિવસ કરાવી સમજ આપી હતી.
પ્રતિક્રમણ બાદ રાતના ભક્તિનો અદભૂત રંગ જામતો. ભાવના માટે મુંબઇના કલાકારો વિક્રમ નિઝામા ગૃપે તો “સોને પે સુહાગા’ જેમ સૌને ભક્તિમાં તરબોળ કરી દીધાં.
વિક્રમભાઇ નીઝામાની આગેવાની હેઠળના ગૃપ વર્ષો બાદ યુ.કે.ના પ્રવાસે આવ્યું એમની સાથેનો નાતો પુરાનો હોવાને કારણે વધુ આત્મીય રહ્યો. ઉત્તમભાઇ છેડા મલ્ટી ટેલન્ટેડ કલાકાર. જૈન ધર્મના અભ્યાસુ, જાણકાર અને એમની રમુજી શૈલી; જે સૌના મન પર અમીટ છાપ છોડવામાં કામયાબ રહ્યા.
ગાયિકા અમિષાબહેન તન્નાના અવાજની મધુરતા અને ગહેરાઇએ શ્રોતાજનોના રોમ રોમમાં ભક્તિની ધારા વહેતી કરી દીધી. ગાયક પરેશભાઇનો બુલંદ અવાજ ને મીઠાશે ભક્તિના રંગમાં સૌને મય કરી દીધાં. વાદ્યકારો લક્ષ્મણભાઇ અને મોન્ટુભાઇ (હિતેશભાઇ તન્ના)ના સૂરોના સંગે વાતાવરણને વધુ સંગીન-સુમધુર બનાવ્યું.
આ પાવન ઉજવણીમાં નવનાતની યુવા પેઢીએ પણ ભાગ લીધો. રીના, ધીર અને વિરલની પેનલે “કમ્પેશન ઓન ધ પ્લેટ’ - જૈનીઝમ અને વીગેનીઝમ વિષય પર પરિસંવાદ યોજી પોતના ધર્મ પ્રત્યેની લાગણીના દર્શન કરાવ્યા. નાના ભૂલકાઁઓ પણ એમાં બાકાત ન હતા. તેમણે પણ આરતી-દીવા કરી સ્વાનુભવનો લાભ લીધો. આમ ધર્મની લ્હાણમાં નાના-મોટાં સૌ કોઇએ સક્રિયપણે ભાગ લઇ પોતાની ભાગીદારી નોંધાવી.
પર્યુષણ પર્વ દરમિયાન ધાર્મિક ગ્રંથ “કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. એમાં પાંચમા દિવસે મહાવીર જન્મના વાંચનની વાત આવે છે. એ પ્રસંગ તો દરેક ભાવિકો માટે એક અવિસ્મરણીય બની રહે છે. ભગવાનની માતા ત્રિશલારાણીને આવેલ ચૌદ સ્વપ્નોનું વાજતે-ગાજતે આગમન ને અભિવાદન, પૂજા તેમજ ભગવાનના જન્મની મંગળ ધડીની વધાઇ, પારણું ઝૂલાવવાનું, હાલરડું ગાવાનું વગેરે આનંદોત્સવના ઘટકો ઘડીભર ક્ષત્રિયકુઁડમાં બેઠાં હોય તેવો માહોલ. આત્મા-પરમાત્મા મિલનમાં આધ્યાત્મની એ ઊંચાઇ રોમે રોમમાં ઉમંગ ભરી દે તેવી પાવન.
જોતજોતામાં સાત દિવસ પછી આઠમો દિવસ એટલે સરવૈયું કરવાનું. આપણી જાતને પૂછવાનું, ક્યા ખોયા-ક્યા પાયા? જીવનમાં ચિત્તની શુધ્ધિ થઇ? મન નિર્મળ બન્યું? દયાભાવ-કરૂણભાવની વૃધ્ધિ થઇ? ક્રોધને તિલાંજલિ આપી? રાગ-દ્વેષ પર કાબૂ મેળવ્યો? આત્મ ચિંતન કર્યું? સર્વાંગી સરવૈયાના અંતે કઇ ભૂલો કરી હતી અને એ ફરી નહિ દોહરાવવાની કસમ લીધી? વગેરેના ચિંતનના નિચોડરૂપે સાચા હ્દયથી જેનું દિલ જાણતાં-અજાણતાં દૂભવ્યું હોય, વાણી-વર્તન કે કર્મથી એની માફી માગવાની વીરતા અને માફી આપવાની મહાનતા દાખવી “મિચ્છામી દુક્કડમ” કહ્યું હોય તો જ ખરા અર્થમાં પર્યુષણ ઉજવ્યા કહેવાય.
પર્વ દરમિયાન તપસ્વીઓનું બહુમાન, વિવિધ સ્તરીય સેવા આપનાર સ્વયં સેવકોનું બહુમાન, સવિશેષ કિચન કમિટીનું બહુમાન, સાધ્વીજીઓનો ઉપકાર, કલાકારોનું બહુમાન આદી એમનો ઉત્સાહ વધારવા ને કદરદાનીનો હિસ્સો છે.
 નવમા દિવસે તપસ્વીઓને પારણાં કરાવી જીવનમાં કાંઇક મેળવ્યાની લાગણીએ સૌના ચહેરા વસંતની જેમ ખીલી ઊઠયા હતાં.
આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમના મુખ્ય કો-ઓર્ડીનેટર શ્રી ભૂપેન્દ્રભાઇ શાહ દાયકાઓથી રીલીજીયસ કમિટી-પર્યુષણ પર્વનું નેતૃત્વ સંભાળી ધર્મના સંસ્કાર સિંચનમાં મહત્વનું પ્રદાન આપી રહ્યા છે.
લગભગ નવ દાયકાના આરે પહોંચેલ ભૂપેન્દ્રભાઇ પર જીનેશ્વર ભગવંતની કૃપા છે. સવારથી મોડી રાત સુધી સમગ્ર કોર કમિટીએ સેવા સાદર કરી એ સમર્પણ ભાવ વિના શક્ય નથી! કોર કમિટીમાં જશવંતભાઇ દોશી, ભૂપેન્દ્રભાઇ, સંગીતાબહેન બાવીશી, પૂર્ણીમાબહેન મહેતા, પિયુષભાઇ વોરાનો સમાવેશ થાય છે. નવનાતના પ્રેસિડેન્ટ શ્રી જશવંતરાય દોશી એમની કોર કમિટી, કિચન કમિટી સહિત વિવિધ સેવાઓ સાદર કરી સમાજના પ્રસંગોને દીપાવવા અને સફળ બનાવવામાં અગણિત સેવાભાવી સ્વયંસેવકોનો ફાળાનો આભાર માનતા સૌની સેવાને બિરદાવે છે. ટીમ વર્કની સરાહના કરે છે.
પર્યુષણ દરમિયાન અને સ્વામિ વાત્સલ્યના દિવસે જીવદયા માટે ફંડ એકત્ર કરી એ રકમ ભારત તેમજ સ્થાનિક પાંજરાપોળોમાં રકમ સાદર કરાય છે.
ડાયરામાં ગુજરાતી લોકસંગીતથી
ઝૂમી ઊઠ્યા શ્રોતાજનો
શનિવાર તા. ૧૯ સપ્ટેમ્બરની રાતે ડાયરાનું આયોજન થયું જેમાં પણ હોલ ચિક્કાર. ભાવના માટે આવેલ કલાકારોએ ડાયરામાં ગુજરાતી લોક ગીતો અને સંગીતની એવી તો મહેફિલ જમાવી કે રાતના ૧ વાગી ગયો તોય કોઇને ઘેર જવાનું મન થતું ન હતું. ગણેશ વંદનાથી લઇ આદ્ય કવિ નરસિંહ મહેતા, ગુજરાતી સુગમ સંગીત અને લોકજીવનના ધબકારા ઝીલતાં ૧૨૦૦૦ ગીતો રચી હેટ્રીક નોંધાવનાર અવિનાશ વ્યાસની રચનાઓ માડી તારૂં કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યું, મારી વેણીમાં ચાર ચાર ફુલ, છેલાજી રે મારે હારું પાટણથી પટોળાં મોંઘા લાવજો, તારી આંખનો અફીણી જેવા અનેક ગીતોની રમઝટ જમાવી, જેસલ-તોરલ ને ગંગાસતી વગેરે કથાઓને જીવંત કરી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ ચારણ કન્યાને અને કસુંબીના રંગથી ડાયરાનું સમાપન થયું.

From :-
The NVA Executive & BoA and all Affiliates and Branches.

“ખામેમિ સવ્વ-જીવે, સવ્વે જીવા ખમંતુ મે
મિત્તિ મેં સવ્વ -ભૂએસું, વેરં મજઝ ન કેણાઇ”
હું સર્વ જીવોને ક્ષમા કરું છું, સર્વ જીવો મને ક્ષમા કરે. સર્વ જીવો સાથે મારી મૈત્રી છે અને કોઈ પણ જીવ સાથે મારે વેર નથી. મન, વચન અને કાયાથી, જાણતાં કે અજાણતાં, આપને કોઈપણ પ્રકારે દુઃખ પહોંચાડ્યું હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા પ્રાર્થના.
“Michhami Dukkadam”
Kind regards,
Jaswantrai Doshi
President,
Navnat Vanik
Association of UK


comments powered by Disqus