પર્વાધિરાજ પર્યુષણ એટલે આત્માને ઢંઢોળવાનું પર્વ આત્મ શુધ્ધિ અને આત્મ જ્ઞાન એ જ સાચો ધર્મ

-જ્યોત્સના શાહ Wednesday 23rd September 2026 07:30 EDT
 
 

-જ્યોત્સના શાહ
બધા જ પર્વોમાં શીરમોર સમાન પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવાય છે. એની વિશેષતા છે કે આ લૌકિક નહિ લોકોત્તર પર્વ છે. એમાં બાહ્યાચારનું નહિ પણ અંતર આત્માને શણગારવાનું પર્વ છે. અંતરમાં જ્ઞાનની જ્યોતિ પ્રગટશે તો આપોઆપ અજવાળાં રેલાશે.
કેટલી મજબૂર છે આ જીંદગી, ખુદને મળવા સમય મળતો નથી’કલ્યાણી મહેતા
ઉપરોક્ત પંક્તિ મુજબ સળગતી સમસ્યાઓના આજના યુગમાં માનવી અજંપામાં જીવી રહ્યો છે.
ઇર્ષ્યામાં ખુદની બરબાદી કરી રહ્યો છે. વૈરનો બદલો લેવાની ભાવના મનને કલુષિત કરી રહી છે. જગતને હિંસાની આગમાં બાળી રહી છે. અહંકાર પીછો છોડતો નથી. ક્રોધ પ્રીતિનો નાશ કરી દે છે. મોહ-માયામાં માનવી અંધ બની ગયો છે. સ્વાર્થમાં ભાન ભૂલી ગયો છે. સમય નથી એવી ફરિયાદ સૌની બની ગઇ છે. ચક્રવ્યુહના આ ઘેરામાં ઘેરાયેલ માનવીએ ચિંતા નહીં ચિંતન કરવાની જરૂર છે.
સુખની શોધ બધાંને છે પરંતુ એના સુધી એ પહોંચી શકતો નથી. મૃગની નાભિમાં કસ્તુરી હોવાછતાં એની સુગંધને પામવા એ વનમાં ઘૂમી વળે છે એવું આપણા માનવીઓનું છે.
વ્યવહાર, વેપારમાં બારે માસ વ્યસ્ત માનવી પોતાના જીવનના બે છેડાં મેળવવા સતત મથતો જ રહે છે. આ વ્યવસ્તતામાંથી બહાર નીકળી વર્ષમાં આઠ દિવસો કે દશ દિવસ પર્યુષણની આરાધના તપ-જપ-શ્રવણ કરવાથી મૂંઝાયેલા મનને શાંત થઇ વિચારવાનો ને ચિંતનનો સમય મળે છે. આઠ-દશ દિવસની ફળશ્રુતિ વર્ષભરનું ભાથું બની રહે છે. સાધક નિષ્ઠાપૂર્વક ધર્મ આરાધના કરે છે તો પર્યુષણના નિમિત્તથી મનને શાતા મળે છે. સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર અને સમ્યક દર્શનના ભાવ સમજવા ઉત્સુક બને છે.
આ તહેવાર માત્ર જૈન પૂરતો સિમિત નથી. સમગ્ર માનવજાત માટે ઉપકારી છે.
જૈન જન્મે હોવા કરતા કર્મે હોવું વધુ મહત્વનું છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં આપેલ ઉપદેશમાં કેન્દ્ર સ્થાને કર્મ છે. કર્મણ્યે વા અધિકારેસ્તુ, મા ફલેષુ કદાચન.
કર્મ કર, ફળની અપેક્ષા વિના. સ્થિતપ્રજ્ઞતાની વાત પણ કહી છે. આસક્તિ વિના કર્મ કર્યે જવાની વાત.
 “જેવું કરશો તેવું પામશો’’ને ‘વાવશો તેવું લણશો’. બીજ રોપણ કરતા પહેલા જમીનને ખેડવી પડે, ખાતર નાંખવું પડે, પાણી છાંટી ફળદ્રુપ બને પછી એમાં બીજ રોપાય. સારો પાક તો જ લણી શકાય એના જેવું છે ધર્મનું. પાક ખેતરમાં લહેરાતો જોઇ ખેડૂત રાજીપો અનુભવે એમ આત્મા શુધ્ધ થતાં મનને સુખની અનુભૂતિ થાય.
આપણા અંતરાત્માને તપ-જપ-શ્રુતજ્ઞાન અને એના અમલીકરણથી નિજાનંદમાં મસ્ત બનાવવાનો ઉત્તમ સમય એટલે પર્યુષણ પર્વ. મન જ બંધનનું કારણ છે. અને મન જ મોક્ષમાં લઇ જવાનું માધ્યમ છે.
પર્યુષણ પર્વના આરાધનાના ઉત્તમ દિવસોમાં શ્રાવકનાં પાંચ કર્તવ્યો દર્શાવ્યા છે. ૧) અમારિપ્રવર્તન : જેમાં પ્રાણીઓની રક્ષા. જીવદયા. ભય મુક્ત વાતાવરણ. એટલે કે અહિંસાનો પ્રચાર અને પ્રસાર. આ સમય દરમિયાન જીવદયા માટે મોટું ફંડ એકત્ર થાય છે અને મૂક પ્રાણીઓની રક્ષા કાજે ફાળવાય છે. દરેકને જીવવાનો અધિકાર છે અને એના રક્ષણની જવાબદારી અને ફરજ એક માનવી તરીકે આપણે બજાવવાની છે. મોંઘો માનવ અવતાર મળ્યો છે એ સાર્થક કરવાનો છે.
૨) સાધર્મિક વાત્સલ્ય: જે ધર્મપ્રેમીઓએ તપશ્ચર્યા કરી હોય, સેવા આપતા હોય તેવા સ્વયંસેવકોની કદર કરી બહુમાન કરવાનું. નિ:સ્વાર્થ ભાવથી દીન દુ:ખીયા પ્રત્યે અનુકંપા, વિશાળ વાત્સલ્યભાવ અને સાધર્મિકનો સંબંધ પરમાર્થ પ્રેરક બને છે. એકબીજાનો સંગ થવાથી ઉત્તમ ભાવનું નિરૂપણ થાય છે. સેવા-વિનય મુક્તિમાર્ગના બળ છે.
૩) પરસ્પર ક્ષમાપના: પરસ્પર ક્ષમાભાવ ક્યારે ઉપજે? મન નિર્મળ થાય ત્યારે. મન ભાર મુક્ત ક્યારે બને? એકબીજા સાથેના વૈરભાવનું વિસર્જન થાય ત્યારે.
પર્યુષણનો પહેલો પાઠ છે, ‘છોડી નાંખો વૈરની ગાંઠો, નમ્ર થઇને ક્ષમા માગી લો અને ઉદાર થઇને ક્ષમા આપી દો.’ ક્ષમાપનાના આ પર્વે હળવાફુલ બની જાવ. આ જ સુખી થવાનો ઉત્તમ માર્ગ. મનની મોકળાશ જીવનમાં વસંત લાવી દે છે. ક્ષમા એ અસાધ્ય રોગનું એક માત્ર ઔષધ છે. મૈત્રીભાવનાનો મંત્ર છે.
૪) અઠ્ઠમ તપ: અઠ્ઠમ એટલે કે ત્રણ ઉપવાસ. ત્રણ સળંગ ના થાય તો વચ્ચે વચ્ચે એક વાર જમીને કરો. ભૂખ અને સ્વાદેન્દ્રિય પર કાબૂ આવે. ભૂખ્યા રહીએ તો જેઓને ખાવા અન્ન નસીબ નથી હોતું તેઓની પરિસ્થિતિનો અંદાજ આવે. તપ ના થાય તો તપ કરે એની અનુમોદના કરો. તપથી શરીર ડીટોક્સ થઇ જાય. શરીરમાંથી દૂષિત તત્ત્વો નિકળી જાય તો રોગમુક્ત બનાય.
૫) ચૈત્ય પરિપાટી : પર્યુષણ બાદ સમૂહમાં ગામના મંદિરોની મુલાકાત લઇ દેવ દર્શન કરવાતી હકારાત્મક ઊર્જાનો પ્રવેશ આપણામાં થાય. ‘ ભગવાન જેવા ભગવાનને જો ઉપસર્ગો સહન કરવા પડ્યા હોય તો આપણે તો પામર માનવી છીએ..’એ વિચારથી આપણા માથે દુ:ખ આવે તો તે સહન કરવાની શક્તિ અને બળનો સંચાર થાય.
“પ્રભુ મારે તારા જેવા થાવું છે..’નો ભાવ સહનશીલતાનો ગુણ આપે.
આ પાંચ કર્તવ્યો ઉપરાંત બીજા ઘણા કર્તવ્યો પણ છે. જૈન દર્શનની વાસ્તવિકતા એ છે કે, વ્યવહાર અને પરમાર્થ બેયનો સ્વીકાર ભાવ છે. અનેકાન્તવાદ દરેકની માન્યતા પોતપોતાની રીતે સાચી છે એનો સ્વીકાર કરવાથી અથડામણ કે વિવાદ ટાળે છે. કોઇ સો ટકા સાચું કે ખોટું હોતું નથી. અપરિગ્રહ વધુ પડતા સંગ્રહ ન કરવાની સલાહ આપે છે. ઇંગ્લીશમાં પણ કહેવત છે કે જેટલું લગેજ ઓછું એટલી યાત્રા સરળ.
ક્રોધ, લોભ, માયા, અહંકાર જેવા દુર્ગુણોને દૂર રાખવાથી મનની વિકૃતિ ઘટે છે. આપણે જીવનમાં વિકાસ કરવો હોય તો સતત આપણી જાતને અપગ્રેડ કરવી પડે છે ચાહે એ કોઇપણ ક્ષેત્ર હોય. જીવનમાં શક્ય એટલા નિયમોના પાલનથી ભારમુક્ત આનંદપૂર્વકનું સુખી જીવન જીવી શકાય છે. સૌના કલ્યાણની ભાવના, સૌના સારા આરોગ્યની ખેવના આત્માનો સ્વભાવ છે
ટૂંકમાં ધર્મના પાલનથી આપણી રક્ષા થાય છે, “ધર્મો રક્ષતિ ધર્મ:’’
દશ લક્ષણી પર્વ: શ્વેતામ્બર અને સ્થાનકવાસીના પર્યુષણના સમાપન બાદ દિગમ્બર જૈનોના પર્યુષણ પ્રારંભ થાય છે. આનંદ ચૌદસ-૨૫ સપ્ટેમ્બરના એમના દશ લક્ષણી પર્વનો છેલ્લો દિવસ ઉત્તમ ક્ષમાનો છે. એને દશ લક્ષણી પર્વ કહેવાય છે કારણ રોજ એક એક કર્મની ક્રમશ: નિર્જરા કરવાની હોય છે. માર્દવ,આર્જવ, સૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય, બ્રહ્મચર્ય અને ગણપતિ વિસર્જનના દિવસે “મિચ્છામિ દુક્કડમ઼્’ નો માર્ગ.
 પર્વાધિરાજ પર્યુષણના આ પાવન પ્રસંગે સૌ સ્નેહીજનો, વાંચકો, મિત્રોની અંત:કરણ પૂર્વક ક્ષમાયાચના:
‘ખામેમિ સવ્વ જીવ્વે, સવ્વે જીવ્વા ખમંતુ મે, મિત્તિમે સવ્વ ભૂએસ્સુ, વેરં મજ્ઝં ન કેણઇ..’ આ એક જ યાચનામાં જીવનનો સાર છે. ત્રણેય લોકના જીવો, હું આપ સૌની માફી માગું છું, બધા જ જીવોને ખમાવું છું, માફી આપું છું. જગતમાં મારે કોઇની સાથે વૈર નથી. કેવી સરસ અભિવ્યક્તિ! રોજીંદા જીવનમાં એનો અમલ થાય તો આપણું જીવન ભર્યું ભર્યું થઇ જાય.
ભગવાન મહાવીરની વાણી :
“સમય મા ગોપયમ” એક એક ક્ષણને વેડફીશ નહિ નો મંત્ર ભગવાન મહાવીરે એમના પટ્ટ શીષ્ય ગૌતમ સ્વામિને આપ્યો હતો. જીવનમાં એક એક ક્ષણ અમૂલ્ય છે એનો સદુપયોગ કરવાની વાત કહી છે.
જીવો અને જીવવા દો. કોઇને દુ:ખ પહોંચાડશો નહિં. દરેક જીવને પોતાની જીંદગી વ્હાલી હોય છે. પોતાના જીવનની સુખ શાંતિ ઇચ્છતા બીજા જીવોની સુખ શાંતિનો ખ્યાલ રાખવો જરૂરી છે.
વૈશ્વક કરૂણા, અહિંસા અને સૌ જીવોને સમાન ગણવા એ જ આધ્યાત્મિકતા છે.
‘પરસ્પરોગ્રહા જીવાનામ્’ પ્રત્યેક જીવ એકબીજા પર આધારિત છે. એકલો પોતે કાઁઇ કરી શકતો નથી.
ધર્મનું પ્રયોજન જોડવાનું છે, તોડવાનું નહિ!
પોતાના વિચારોને ઉદાર, સહિષ્ણુ અને પક્ષપાતહીન બનાવવાની સાથે જ દરેક વ્યક્તિના હિતની દ્રષ્ટિએ એનું પ્રથમ કર્તવ્ય છે કે, પોતાની નીતિ સત્યગ્રાહી બનાવે.
ધર્મનું ઉદ્દેશ્ય અને સ્વરૂપ તો વિષમતા તેમજ દ્વેષનો અંત લાવી સંસારમાં સમતા અને પ્રેમ સ્થાપિત કરવાનો.
(તા.ક. જગ્યા મુજબ નાનું -મોટું કે જરુરી ઉપદેશના ઉપયોગ કરી શકાય કે ન મૂકીએ તો ય ચાલે!)


comments powered by Disqus