ધર્મ અને તહેવારો એક સુંદર કહાણીની સાથે લોકોમાં એકતા વધારવાનો સુંદર સંદેશ આપે છે. આવો જ એકતાનો ભાવ દર્શાવતાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ અખબારના માધ્યમથી સંપાદક-તંત્રી સી.બી. પટેલે સોનેરી સંગતના 89મા અધ્યાયમાં પર્વાધિરાજ પર્યુષણના વિષય પર ગોષ્ઠિનું આયોજન કર્યું.
કાર્યક્રમનો શુભારંભ કરતાં ભારતીબહેન પંકજ વોરાએ કહ્યું કે, પર્યુષણ માત્ર જૈન સમાજનો ઉત્સવ નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે આત્મચિંતનનો સંદેશ લઈને આવે છે. પર્યુષણ યાદ અપાવે છે કે જીવનમાં બહારની જીત કરતાં અંદરની જીત વધુ મહત્ત્વની છે. પર્યુષણના આ જ મુદ્દાઓને લઈ કાર્યક્રમમાં વક્તાઓ હિતેશભાઈ આર. શાહ, ડો. સૌરભભાઈ એમ. શાહ અને ડો. વિનોદભાઈ કપાસી (ઓબીઈ)ને આમંત્રિત કરાયા હતા.
કાર્યક્રમનું સંચાલન કરતાં કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે કહ્યું, જૈન શબ્દ જિન પરથી બન્યો છે અને જિનનો અર્થ છે વિજેતા. જિત અર્થાત્ રાગ, દ્વેષ, ક્રોધ, માયા અને લોભ વગેરે દોષો પરનો વિજય. આમ જિનને માનનારા જૈન કહેવાયા.
કાર્યક્રમને આગળ ધપાવતાં મૂળ ડભોઈના અને જૈન સેન્ટર લેસ્ટરના મિનિસ્ટર ઓફ રિલિજિયન હિતેશભાઈ શાહે જૈન ધર્મમાં તપનો મહિમાશું છે? તપ કરવાના ભાવ કઈ રીતે જાગે? તપ કેટલા પ્રકારના હોય, તેના કોઈ વિકલ્પો અંગેની ગહનપૂર્વક ચર્ચા કરી હતી.
આ સાથે હિતેશભાઈએ કહ્યું કે, તપ શરીરને કષ્ટ આપવાની ક્રિયા નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવાની પદ્ધતિ છે. સોનું જ્યારે ખાણમાંથી નીકળે ત્યારે અશુદ્ધ હોય, પરંતુ તેને તપાવ્યા બાદ અશુદ્ધિ નીકળતાં શુદ્ધ બને છે, તેમ આપણો આત્મા તપના માધ્યમથી પાપની મલીનતાથી મુક્તિ પામે છે. જૈન ધર્મમાં કુલ 12 પ્રકારનાં તપ છે, જે 50 ટકા આભ્યંતર અને 50 ટકા બાહ્ય છે. બાહ્ય તપ કર્યું હોય તો બહારથી ખબર પડે કે આ માણસ તપસ્વી છે, જેમાં અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલીનતાનો સમાવેશ થાય છે. એવી જ રીતે બીજાં છ આભ્યંતર તપ છે, જેમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે.
હિતેશભાઈ પાસેથી તપનાં ગૂઢ રહસ્યો જાણ્યા બાદ કેમિકલ એન્જિનિયરમાં ડોક્ટરેટની પદવી લેનારા અને ગુરુદેવ ચંદ્રશેખરજી વિજયજી મહારાજ પાસે જૈનદર્શનનો અભ્યાસ કરનારા સૌરભભાઈ શાહે ક્ષમાપના અંગેનાં રહસ્યો અને તેની વિશેષતા જણાવતાં કહ્યું, મારી દૃષ્ટિએ પર્યુષણ એટલે પોતાની એનર્જી એકત્રિત કરી આત્મનિરીક્ષણ કરવું કે હું ક્યાં ખોટો છું અને કયા વધુ ગુણો પ્રગટ થવાની શક્યતા છે. મનમાં ડોકિયું કરતાં કોઈના માટે પણ વેર કે ક્રોધ હોય તો તેને દાહ આપવો જોઈએ. અમારા ગુરુદેવ કહેતા કે ક્ષમાપના એ હોઠ કે શબ્દોનો વિષય નથી, તે હૃદયનો વિષય છે. હૃદયથી જો સાચી ક્ષમાપના થઈ હોય તો પર્યુષણ ફળે છે. જેના માટે ભગવાન મહાવીરે એક શબ્દ આપ્યો છે ‘મિચ્છામી દુક્કડમ.’ એટલે કે મારાથી જેની પણ સાથે અણબનાવ, ઝઘડો થયો હોય. કોઈને આપણા કારણે મનદુઃખ થયું હોય તેની ક્ષમાપના. ભગવાન મહાવીર કહે છે કે, અંતરથી ક્ષમાપના ન થઈ હોય તો મોક્ષના માર્ગમાં આગળ વધી શકાતું નથી. કાર્યક્રમમાં આગળ જતાં મહાવીર ફાઉન્ડેશનના સ્થાપકો પૈકી એક, જૈન ધર્મમાં પીએચડી કરનારા અને 22 જેટલાં પુસ્તકોના લેખક એવા વિનોદભાઈ કપાસી (ઓબીઈ)એ જીવદયા અંગે જણાવતાં કહ્યું, આપણે જ્યારે જીવદયાની વાત કરીએ છીએ ત્યારે જીવમાત્રની વાત કરીએ છીએ. આપે કહ્યું કે જીવો અને જીવવા દો, પણ હું ત્યાં સુધી કહીશ કે જૈનોની જીવદયા એ જીવો અને જીવવા દો પૂરતી મર્યાદિત નથી. જૈનોની જીવદયા એથી પણ આગળ છે, ‘જીવો, જીવવા દો અને અન્યને સારું જીવન મળે એમાં તમે મદદગાર થઈ શક્ય તેટલી સહાય પણ કરો.’ જૈનોની જીવદયા બહુ વિશાળ છે. આ સાથે તેમણે બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાન અને મેઘકુમારના હાથી તરીકેના પૂર્વ જન્મ અંગેની સુંદર વાર્તા સંભળાવી. કાર્યક્રમને અંત તરફ દોરતાં હિતેશભાઈ શાહ દ્વારા ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું’ ગીત લલકારવામાં આવ્યું હતું.
કાર્યક્રમની આભારવિધિ કરતાં સંપાદક-તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, જે રીતે આપણા ત્રણેય વક્તાઓએ જે પ્રમાણે પર્યુષણના અર્થરૂપી જે જડીબૂટી આપી તેનાથી હું મનમાં સાતા અનુભવું છું. હું માનું છું કે મારા શુદ્ધિકરણની ક્રિયાને આપે વેગ આપ્યો છે. સોનેરી સંગતમાં જીવન જીવવાનો રસ મળે છે.
(સંપૂર્ણ કાર્યક્રમ જોવા અમારી YouTube ચેનલની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, જેનો ક્યુઆર કોડ નીચે
આપેલો છે)

