પાથવેઝ ટુ પીસઃ યુએન ઈન્ટરનેશનલ ડે ઓફ પીસની ઉજવણી

Wednesday 23rd September 2026 08:01 EDT
 
 

લંડનઃ નિસડન ટેમ્પલના લોકપ્રિય નામથી પ્રખ્યાત BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સોમવાર 21 સપ્ટેમ્બર 2026ના દિવસે યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ડે ઓફ પીસ નિમિત્તે વિશેષ કાર્યક્રમમાં વિવિધ ધર્મો અને કોમ્યુનિટીના અગ્રણીઓને આવકારવામાં આવ્યા હતા. ‘પાથવેઝ ટુ પીસઃ એવરીવન, એવરીવ્હેર, એવરી ડે’ ટાઈટલ સાથે વિશેષ સભામાં શાંતિ કેવી રીતે દરેકને મળી શકે, દરેક સ્થળોએ કોમ્યુનિટીમાં પહોંચી શકે અને રોજિંદા જીવનમાં જીવંત વાસ્તવિકતા બની રહે તેના વિશે વિચારો રજૂ કરાયા હતા.
શાંતિ અને સંવાદિતાની સામૂહિક અભિવ્યક્તિ તરીકે દીપ પ્રાગટ્ય સાથે સાંજનો આરંભ થયો હતો. સાર્વત્રિક શાંતિના વેદિક આહ્વાનના શાંતિ પાઠના સંગીતમય પઠન ‘સિમ્ફોની ઓફ શાંતિ’ની રજૂઆત કરાઈ હતી. ભારતીય અને પાશ્ચાત્ય વાદ્યોની જુગલબંદી કવિ પાઉ, ગાયક આલાપ દેસાઈ અને વૃંદ દ્વારા પરફોર્મ કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રથમ હિસ્સામાં ‘એવરીવન’ના વિષયને રજૂ કરાયો હતો. રોયલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્લાઈન્ડ પીપલ (RNIB)માં ઈન્ક્લુઝિવ ડિઝાઈનના વડા રોબિન સ્પિન્ક્સે પહોંચ અને બિલોન્ગિંગના મહત્ત્વ વિશે જણાવ્યું હતું. નિસડન ટેમ્પલ અને RNIBનો વિશિષ્ટ સંબંધ છે. RNIB દ્વારા મંદિરની વિઝિટર ઈન્ફોર્મેશન ગાઈડબૂક બ્રેઈલ લિપિમાં રીલિઝ કરાઈ છે. લૂટનના અંધ ભક્ત મનસુખ લાલજીએ દૃષ્ટિથી પણ આગળ શાંતિના અનુભવ વિશે જણાવતા કહ્યું હતું કે અંધ હોવા છતાં, સત્સંગના બંધુત્વ, આધ્યાત્મિક પ્રેમ અને મહંત સ્વામી મહારાજના ગાઈગડન્સથી દૂર રહ્યો નથી, તેઓ આધ્યાત્મિક રીતે વધુ સશક્ત હોવાનું અનુભવે છે.
વિલ્સડેનના બિશપ અને ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના નેશનલ લીડ ઓન ઈન્ટરફેઈથ રિલેશન્સ રેવરન્ડ લુસા એન્સેન્ગા-એન્ગોયે વધુ શાંતિપૂર્ણ સમાજના નિર્માણમાં ફેઈથ કોમ્યુનિટીની ભૂમિકા વિશે ચિંતન રજૂ કર્યું હતું. ગુરુ નાનક નિષ્કામ કેવક જાથાના અગ્રણી ભાઈ સાહિબ મોહિન્દર સિંહે વિશ્વશાંતિના આધારરુપે વ્યક્તિની અંદર જ શાંતિને કેળવવાના મહત્ત્વ વિશે સમજ આપી હતી. આ પ્રસંગે આનંદસ્વરૂપદાસ સ્વામીએ રોજિંદા જીવનની માગણીઓ મધ્યે આંતરિક શાંતિ હાંસલ કરવા વિશે ચિંતન રજૂ કર્યું હતું.
પૂજ્ય મહંત સ્વામી મહારાજના આગમનને આવકારતી વિશેષ સિમ્ફની રજૂ કરાઈ હતી. મહંત સ્વામી મહારાજ આરતીમાં સહુની સાથે સામેલ થયા હતા. યુકેમાં યુનેસ્કો-UNESCOના ચીફ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી-જનરલ જેમ્સ ઓમેર બ્રિજ દ્વારા ઈન્ટરનેશનલ ડે ઓફ પીસના મહત્ત્વ અને સેવાના રોજિંદા કાર્યો શાંતિના નિર્માણમાં કેવી રીતે ભૂમિકા ભજવી શકે તેના વિશે ચાવીરૂપ પ્રવચન અપાયું હતું. તેમણે BAPSના યોગદાનની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અન્ય કોઈને મદદ કરવામાં તમારો સમય આપવો તે પણ શાંતિ તરફનું નાનું પગલું જ છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે સભાનું સમાપન થયું હતું. તેમણે આ પ્રસંગે જાતે રચેલી કવિતા ‘એ પિલ્ગ્રિમ્સ પોએમ ફોર પીસ’નું પઠન કર્યું હતું અને હસ્તલિખિત કવિતા શાંતિ સંદેશ તરીકે જેમ્સ ઓમેરને ભેટ અપાઈ હતી.


comments powered by Disqus